News of Thursday, 26th February 2026
"તમારા ભાઈ હશે, મારા નહીં..." - પીએમ મોદીની ઇઝરાયલ મુલાકાત પર ઓવૈસી લાલઘૂમ; નેતન્યાહૂને 'યુદ્ધ ગુનેગાર' ગણાવી ગાઝા પર પૂછ્યા આકરા સવાલ
પેલેસ્ટાઇન સાથે વિશ્વાસઘાત થયો હોવાનો AIMIM ચીફનો ગંભીર આરોપ; "નેતન્યાહૂને કહો કે 15 મિનિટ ગાઝામાં જઈને બતાવે", આંતરરાષ્ટ્રીય કોર્ટના વોરંટનો હવાલો આપી ભાજપ-RSS ને ઘેર્યા

હૈદરાબાદ:વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઐતિહાસિક ઇઝરાયલ મુલાકાતને લઈને દેશમાં રાજકીય પારો ગરમાયો છે. હૈદરાબાદના સાંસદ અને AIMIM ના વડા અસદુદ્દીન ઓવૈસીએ પીએમ મોદી અને ઇઝરાયલી પીએમ બેન્જામિન નેતન્યાહૂની મુલાકાત પર અત્યંત આકરા પ્રહારો કર્યા છે. ઓવૈસીએ આ પ્રવાસને પેલેસ્ટાઇનના મુદ્દે ભારતની પરંપરાગત વિદેશ નીતિ સાથેનો "વિશ્વાસઘાત" ગણાવ્યો છે.
ઓવૈસીએ એક વીડિયો જાહેર કરીને પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું કે, "વડાપ્રધાન જેમને ભેટી રહ્યા છે, તે બેન્જામિન નેતન્યાહૂ વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલત (ICC) નું વોરંટ છે. તેઓ ઇંગ્લેન્ડ કે સ્વિટ્ઝર્લૅન્ડ જઈ શકતા નથી, કારણ કે ત્યાં તેમની ધરપકડ થઈ શકે છે." ઓવૈસીએ વધુમાં ઉમેર્યું કે, નેતન્યાહૂએ ગાઝાને ખંડેર બનાવી દીધું છે. તેમણે પીએમ મોદીને પડકાર ફેંકતા કહ્યું, "તમારે નેતન્યાહૂને કહેવું જોઈએ કે માત્ર ૧૫ મિનિટ માટે ગાઝા જઈને બતાવે, જ્યાં ૩૦ લાખ લોકો નરક જેવી સ્થિતિમાં જીવી રહ્યા છે."
ભાજપ અને RSS પર પ્રહાર કરતા ઓવૈસીએ કટાક્ષમાં કહ્યું, "જો ભાજપમાંથી કોઈ મને પૂછશે કે મેં નેતન્યાહૂ વિશે આવું કેમ કહ્યું, તો મારો જવાબ છે કે તે તમારો ભાઈ હોઈ શકે, મારો નહીં." તેમણે કુલભૂષણ જાધવના કેસની યાદ અપાવતા કહ્યું કે, જે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ભારત કુલભૂષણ જાધવ માટે ન્યાય માંગવા ગયું હતું, તે જ કોર્ટે નેતન્યાહૂને ગુનેગાર માન્યા છે.
ઓવૈસીએ ગાઝા શાંતિ બોર્ડ પર પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે પૂછ્યું કે, "આ કેવા પ્રકારનું શાંતિ બોર્ડ છે જેમાં એક પણ પેલેસ્ટિનિયન પ્રતિનિધિ નથી?" ઓવૈસીના આ નિવેદન બાદ ભાજપ અને વિપક્ષ વચ્ચે શાબ્દિક યુદ્ધ તેજ બન્યું છે. ભાજપે ઓવૈસીના આ નિવેદનને ભારતની વિદેશ નીતિને નબળી પાડવાનો પ્રયાસ ગણાવ્યો છે, જ્યારે સોશિયલ મીડિયા પર આ મુદ્દે લોકો બે પક્ષોમાં વહેંચાયેલા જોવા મળી રહ્યા છે
(7:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
