<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th February 2026

ઇઝરાયલી સંસદમાં મોદીએ સંભળાવી ૧૯૭૧ના એ 'રાફેલ'ની શૌર્યગાથા, જેના નામથી જ પાકિસ્તાન થરથર કાંપતું હતું; જાણો કોણ હતા ભારતની જીતના અસલી માસ્ટરમાઇન્ડ?

વડાપ્રધાને યહૂદી મૂળના લેફ્ટનન્ટ જનરલ જે.એફ.આર. જેકબને યાદ કરી વધાર્યું ભારતનું ગૌરવ; કેવી રીતે એક નિઃશસ્ત્ર ભારતીય સિંહ સામે પાકિસ્તાનના ૯૩,૦૦૦ સૈનિકોએ ટેકવ્યા હતા ઘૂંટણ?

યરુશલમ:વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઇઝરાયલની સંસદ 'નેસેટ'ને સંબોધિત કરી ઇતિહાસ રચ્યો છે, પરંતુ તેમના ભાષણમાં જે વાતની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે તે છે ૧૯૭૧ના યુદ્ધના મહાનાયક લેફ્ટનન્ટ જનરલ જેક ફર્જ રાફેલ જેકબ. પીએમ મોદીએ દુનિયાને જણાવ્યું કે, પાકિસ્તાન માટે 'રાફેલ' નામનો ડર નવો નથી, ૧૯૭૧માં પણ એક યહૂદી મૂળના ભારતીય 'રાફેલ' (જે.એફ.આર. જેકબ) એ પાકિસ્તાની સેનાના ચીરેચીરા ઉડાવી દીધા હતા.
   પીએમ મોદીએ ભાવુક થતા જણાવ્યું કે, જનરલ જેકબ સાથે નિવૃત્તિ બાદ તેમને ચા પર ઘણી મુલાકાતો થઈ હતી, જેમાં ભારત-ઇઝરાયલના સંબંધોની ચર્ચાઓ થતી. જનરલ જેકબ ભલે યહૂદી મૂળના હતા, પણ તેમના રક્તમાં ભારતભક્તિ વહેતી હતી. ૧૯૭૧ના યુદ્ધમાં જ્યારે પાકિસ્તાન પૂર્વ બંગાળમાં અત્યાચાર ગુજારી રહ્યું હતું, ત્યારે જેકબે એક એવી રણનીતિ ઘડી જેને "ચળવળનું યુદ્ધ" (War of Movement) કહેવામાં આવે છે. તેમણે પરંપરાગત હુમલા કરવાને બદલે પાકિસ્તાની સેનાની કમર તોડવા માટે તેમની સપ્લાય લાઇન અને સંદેશાવ્યવહારને કાપી નાખ્યો હતો.
   આ વાર્તાનો સૌથી રોમાંચક વળાંક ત્યારે આવ્યો જ્યારે જનરલ જેકબ કોઈ પણ હથિયાર વગર સીધા ઢાકા પહોંચ્યા અને પાકિસ્તાની કમાન્ડર જનરલ નિયાઝીની આંખોમાં આંખ મિલાવીને 'સરેન્ડર'નો દસ્તાવેજ ટેબલ પર મૂકી દીધો. તેમણે પાકિસ્તાનીઓને એવો ભ્રમ પેદા કરી દીધો કે તેઓ ચારેબાજુથી ભારતીય સેનાથી ઘેરાયેલા છે. પરિણામે, વિશ્વના ઇતિહાસમાં પ્રથમવાર ૯૩,૦૦૦ સૈનિકોએ એકસાથે શરણાગતિ સ્વીકારી અને નકશા પર બાંગ્લાદેશ નામના નવા રાષ્ટ્રનો ઉદય થયો.
   પીએમ મોદીએ આ ઐતિહાસિક સંદર્ભ દ્વારા ઇઝરાયલને સંદેશ આપ્યો કે ભારત અને ઇઝરાયલના સંબંધો માત્ર હથિયારો કે વેપાર પૂરતા મર્યાદિત નથી, પરંતુ તે લોહી અને બલિદાનથી જોડાયેલા છે. જનરલ જેકબની આ શૌર્યગાથાએ આજે યરુશલમની ધરતી પર દરેક ભારતીયનું માથું ગર્વથી ઊંચું કરી દીધું છે. ભારત આજે પણ એ સિંહની ગર્જનાને યાદ કરે છે જેણે પાકિસ્તાની સેનાના અહંકારને ધૂળ ચટાડી હતી

(7:29 PM IST)