<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th February 2026

મોદીના ઇઝરાયલ પ્રવાસથી ઇસ્લામિક દેશોમાં ખળભળાટ: ગાઝા પર મૌન અને નેતન્યાહૂ સાથેની દોસ્તીથી મુસ્લિમ વિશ્વ નારાજ? જાણો શું કહે છે વિદેશી મીડિયા

આકરો સૂર – ભારતની દાયકાઓ જૂની પેલેસ્ટાઇન નીતિમાં મોટા પલટાના સંકેત; પીએમ મોદીના ભાષણ પર ઉઠાવ્યા સવાલ

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઇઝરાયલ મુલાકાત અને ઇઝરાયલી સંસદ 'નેસેટ'માં તેમના ઐતિહાસિક સંબોધને સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. જોકે, આ મુલાકાતને લઈને મુસ્લિમ વિશ્વ અને ખાસ કરીને ઇસ્લામિક દેશોના મીડિયામાં ભારે પ્રતિક્રિયા જોવા મળી રહી છે. પીએમ મોદીએ આતંકવાદ સામે ઇઝરાયલ સાથે ખભેખભો મિલાવીને ઊભા રહેવાની વાત કરી, પરંતુ ગાઝામાં ચાલી રહેલા સંઘર્ષ પર તેમના 'મૌન'ને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે વિવાદ છેડાયો છે.
   તુર્કીના સરકારી મીડિયા TRT વર્લ્ડ એ પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે, પીએમ મોદીએ નેતન્યાહૂને ગળે લગાવીને હમાસની નિંદા કરી, જે ગાઝા યુદ્ધ વચ્ચે ઇઝરાયલ માટે એક મોટી રાજદ્વારી જીત છે. જોકે, રિપોર્ટમાં એ વાત પર ભાર મૂકવામાં આવ્યો કે મોદીએ હજારો પેલેસ્ટિનિયનોના મોત પર એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી. બીજી તરફ, કતારના અલ જઝીરા એ આ મુલાકાતને ભારતની પરંપરાગત પેલેસ્ટાઇન તરફી વિદેશ નીતિમાંથી "વૈચારિક પરિવર્તન" તરીકે ઓળખાવી છે.
  પાકિસ્તાનના પ્રખ્યાત અખબાર 'ડોન' (DAWN) એ પીએમ મોદીની ટીકા કરતા લખ્યું કે, તેઓ આ પ્રવાસ દરમિયાન કોઈ પેલેસ્ટિનિયન નેતાને મળ્યા નથી, જે ભારતની સંતુલિત વિદેશ નીતિથી વિપરીત છે. પેલેસ્ટાઇન ક્રોનિકલે તો ત્યાં સુધી લખ્યું કે, નેસેટમાં મોદીના ભાષણ દરમિયાન જે તાળીઓ પડી તે માત્ર ઔપચારિકતા નહોતી, પણ ઇઝરાયલ માટે એક મોટો રાજકીય સંદેશ હતો કે તે વિશ્વમાં એકલું નથી.
  બ્રિટિશ પોર્ટલ મિડલ ઇસ્ટ આઇ એ હિન્દુત્વ અને ઝાયોનિઝમ વચ્ચેની સમાનતાઓની ચર્ચા કરી આ મુલાકાતને વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વની ગણાવી છે. પીએમ મોદીને 'નેસેટ મેડલ' મળવો અને ઇઝરાયલ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવું એ વાત સ્પષ્ટ કરે છે કે ભારત હવે ઇઝરાયલને પોતાનો સૌથી નજીકનો વ્યૂહાત્મક ભાગીદાર માને છે, ભલે તેનાથી ઇસ્લામિક દેશોમાં ગમે તેટલી નારાજગી જોવા મળે. ભારત માટે આ પ્રવાસ આતંકવાદ વિરુદ્ધની લડાઈ અને ટેકનોલોજીના ક્ષેત્રે એક માઈલસ્ટોન સાબિત થયો છે

(7:35 PM IST)