<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th February 2026

બિલાસપુર હાઇવે પર મોડી રાત્રે કાળમુખું ટ્રેલર ત્રાટક્યું: સ્કોર્પિયોના કૂરચા બોલી ગયા, લગ્નની વર્ષગાંઠની ઉજવણી કરી પરત ફરતા ૪ મિત્રોના કરુણ મોત

બે સેકન્ડની બેદરકારી અને ખેલ ખતમ: રોંગ સાઇડમાં ઘૂસી આવેલા ટ્રેલરે એસયુવીને હવામાં ફંગોળી, ગેસ કટરથી પતરું કાપીને લાશ બહાર કાઢવી પડી

બિલાસપુર: તા.૨૭: છત્તીસગઢના બિલાસપુર પાસે શુક્રવારે વહેલી સવારે એક એવી હૃદયદ્રાવક ઘટના બની જેણે સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાવી દીધી છે. રાયપુર-રતનપુર હાઇવે પર સાકરી પોલીસ સ્ટેશનની હદમાં સંબલપુરી ગામ પાસે એક બેફામ ગતિએ આવતા ટ્રેલરે સામેથી આવતી સ્કોર્પિયો એસયુવીને જોરદાર ટક્કર મારી હતી. આ ભયાનક અકસ્માતમાં ૪ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે એક યુવાન જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.

સીસીટીવીમાં કેદ થઈ મોતની ક્ષણો

ઘટનાસ્થળની નજીક આવેલા એક ઢાબાના સીસીટીવી ફૂટેજમાં આ ભયાનક અકસ્માત કેદ થયો છે. મળતી માહિતી મુજબ, હાઇવેની ડાબી બાજુએ એક પિકઅપ ટ્રક પાર્ક કરેલી હતી. તે સમયે એક ડમ્પરને બચાવવાના ચક્કરમાં ટ્રેલર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. ગતિ એટલી તેજ હતી કે ભારેખમ ટ્રેલર ડિવાઈડર કૂદીને સામેની લેનમાં ઘૂસી ગયું હતું. સામેથી આવતી સ્કોર્પિયોના ચાલકને પ્રતિક્રિયા આપવા માટે માત્ર ૨ સેકન્ડનો જ સમય મળ્યો હતો અને જોતજોતામાં ટ્રેલર એસયુવી પર કાળ બનીને ત્રાટક્યું હતું.

ખુશીનો માહોલ માતમમાં ફેરવાયો

આ અકસ્માતનો સૌથી દુખદ પાસું એ છે કે, સ્કોર્પિયોમાં સવાર પાંચેય મિત્રો નજીકના જ એક ઢાબા પર ૨૫મી લગ્ન વર્ષગાંઠની ઉજવણી કરીને હસતા-રમતા ઘરે પરત ફરી રહ્યા હતા. પોલીસે મૃતકોની ઓળખ છત્રપાલ રાત્રે (૩૭), વિશાલ લાહરે (૨૫), અનમોલ લાહરે (૧૪) અને સોનુ મીરી (૨૮) તરીકે કરી છે. ગંભીર રીતે ઘાયલ પ્રકાશ રાત્રેની હાલમાં હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

બે કલાક ચાલેલું દિલધડક રેસ્ક્યુ

અકસ્માત એટલો ભીષણ હતો કે સ્કોર્પિયો દબાઈને લોખંડના ગોળા જેવી બની ગઈ હતી. પોલીસ અને બચાવ ટુકડીએ બે કલાકની ભારે જહેમત બાદ ગેસ કટરનો ઉપયોગ કરી ગાડીના પતરાં કાપ્યા હતા અને અંદર ફસાયેલા મૃતદેહોને બહાર કાઢ્યા હતા. ટ્રેલર સ્કોર્પિયોને કચડીને બીજા એક પાર્ક કરેલા વાહન સાથે અથડાઈને પલટી મારી ગયું હતું.

પોલીસ કાર્યવાહી

બિલાસપુર પોલીસે ટ્રેલર ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ હાઇવે પર ભારે વાહનોના આડેધડ પાર્કિંગ અને સ્પીડ લિમિટના ઉલ્લંઘન સામે ફરી એકવાર લાલબત્તી ધરી છે. ઢાબામાં ઉજવણી કરી પરત ફરી રહેલા આ નિર્દોષ લોકોના મોતે હાઇવે પર મુસાફરી કરતા લોકોની સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.

(5:24 PM IST)