તા. ૧૯ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧૫ શુક્રવાર
થલપથિ વિજયના ૨૫ વર્ષના લગ્નજીવનનો કરુણ અંત? પત્ની સંગીતાએ કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી, અન્ય અભિનેત્રી સાથેના સંબંધોનો લગાવ્યો ગંભીર આરોપ
ટીવીકે (TVK) ના વડા વિજયને ફેમિલી કોર્ટનું તેડું: ૨૦ એપ્રિલે રૂબરૂ હાજર રહેવા આદેશ, ૨૦૨૧ થી દંપતી વચ્ચે ચાલી રહેલો વિવાદ હવે જાહેરમાં આવ્યો

ચેન્નઈ: તા.૨૭: તમિલ સિનેમાના દિગ્ગજ અભિનેતા અને 'તમિલગ વેટ્ટ્રી કઝગમ' (TVK) પક્ષના સ્થાપક વિજયના ચાહકો માટે આંચકાજનક સમાચાર સામે આવ્યા છે. વિજયની પત્ની સંગીતા સોર્નાલિંગમે લગ્નના ૨૫ વર્ષ બાદ છૂટાછેડા માટે ચેંગલપટ્ટુ ફેમિલી કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ અરજીમાં સંગીતાએ વિજય પર બેવફાઈ અને અન્ય એક જાણીતી અભિનેત્રી સાથે લગ્નેત્તર સંબંધ હોવાના ગંભીર આરોપો લગાવ્યા છે.
શું છે વિવાદનું મુખ્ય કારણ?
સંગીતાએ પોતાની અરજીમાં ઘટસ્ફોટ કર્યો છે કે વર્ષ ૨૦૨૧માં તેને વિજયના અન્ય એક અભિનેત્રી સાથેના સંબંધો વિશે જાણ થઈ હતી. સંગીતાના જણાવ્યા મુજબ, તે સમયે વિજયે આ સંબંધો સમાપ્ત કરવાની ખાતરી આપી હતી, પરંતુ તેમ છતાં તે છૂપી રીતે ચાલુ રહ્યા હતા. આ માનસિક ક્રૂરતા અને વિશ્વાસઘાતને કારણે તેણે આખરે કાયદેસર રીતે અલગ થવાનો કઠોર નિર્ણય લીધો છે.
કોર્ટની નોટિસ અને સુનાવણી
ચેંગલપટ્ટુ ફેમિલી કોર્ટે સંગીતાની અરજીની ગંભીરતાથી નોંધ લીધી છે અને વિજયને નોટિસ જારી કરી છે. કોર્ટે વિજયને ૨૦ એપ્રિલ ૨૦૨૬ના રોજ રૂબરૂ હાજર રહેવાનો આદેશ આપ્યો છે. આ કેસ 'સ્પેશિયલ મેરેજ એક્ટ' હેઠળ દાખલ કરવામાં આવ્યો છે, જેમાં વ્યભિચાર અને માનસિક ત્રાસને છૂટાછેડાના મુખ્ય આધારો બનાવવામાં આવ્યા છે.
ચાહકોની લાંબા સમયની શંકા સાચી પડી
ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક-બે વર્ષથી સંગીતા વિજયના કોઈ પણ પારિવારિક કાર્યક્રમો કે ફિલ્મી ઈવેન્ટ્સમાં જોવા મળતી નહોતી, જેના કારણે સોશિયલ મીડિયા પર તેમના અલગ થવાની અફવાઓ તેજ બની હતી. ઓગસ્ટ ૧૯૯૯માં લગ્ન કરનાર આ દંપતીને બે બાળકો છે. વિજયના પિતા એસ.એ. ચંદ્રશેખર સાથેના વિવાદ બાદ હવે પત્ની સાથેના આ કાયદાકીય જંગે અભિનેતાની રાજકીય કારકિર્દી પર પણ સવાલો ઉભા કર્યા છે.
જ્યારે વિજય અત્યારે તમિલનાડુની રાજનીતિમાં મુખ્યમંત્રી બનવાના સપના જોઈ રહ્યો છે, ત્યારે તેના ઘર આંગણે સર્જાયેલી આ મુસીબત તેની છબી પર કેવી અસર કરે છે તે જોવું રહ્યું.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
