તા. ૨ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૨ મંગળવાર
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદની ધરપકડ પર વચગાળાનો સ્ટે : જાતીય શોષણના ગંભીર આરોપો વચ્ચે મળી મોટી રાહત
વિદ્યાર્થીઓના શોષણના કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટે ચુકાદો અનામત રાખ્યો: ૧૫ માર્ચ સુધી ધરપકડ નહીં થઈ શકે, શંકરાચાર્યે કેસને ગણાવ્યો 'બનાવટી' અને ષડયંત્રનો ભાગ

પ્રયાગરાજ: જ્યોતિષપીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી પર વિદ્યાર્થીઓના જાતીય શોષણના આરોપ બાદ સર્જાયેલા વિવાદમાં આજે અલ્હાબાદ હાઈકોર્ટે તેમને મોટી રાહત આપી છે. હાઈકોર્ટે શંકરાચાર્ય અને તેમના શિષ્ય મુકુન્દાનંદ ગિરીની તાત્કાલિક ધરપકડ પર સ્ટે મૂકી દીધો છે. જસ્ટિસ જિતેન્દ્ર કુમાર સિંહાએ બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે, જેનાથી શંકરાચાર્ય પર મંડરાઈ રહેલું ધરપકડનું સંકટ હાલ પુરતું ટળ્યું છે.
પ્રયાગરાજના ઝુંસી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ કેસમાં વિદ્યાર્થીઓએ અવિમુક્તેશ્વરાનંદ પર ગંભીર જાતીય શોષણના આરોપો લગાવ્યા છે. જોકે, શંકરાચાર્યના વકીલ પી.એન. મિશ્રાએ કોર્ટમાં દલીલ કરી હતી કે આ આખો કેસ પાયાવિહોણો અને ધાર્મિક ગુરુની છબી ખરડવા માટેનું કાવતરું છે. તેમણે મેડિકલ રિપોર્ટને ટાંકીને જણાવ્યું હતું કે પીડિતોના આરોપોમાં કોઈ તથ્ય જણાતું નથી. બીજી તરફ, રાજ્ય સરકારના વકીલે જામીનનો વિરોધ કરતા કહ્યું હતું કે શંકરાચાર્ય પ્રભાવશાળી વ્યક્તિ હોવાથી તપાસમાં અવરોધ ઊભો કરી શકે છે.
હાઈકોર્ટે શંકરાચાર્યને આગામી ૧૫ માર્ચ સુધી વચગાળાની રાહત આપી છે, પરંતુ સાથે જ નિર્દેશ આપ્યો છે કે તેમણે પોલીસ તપાસમાં સંપૂર્ણ સહયોગ આપવો પડશે. કોર્ટે પોલીસને પણ સવાલ પૂછ્યા હતા કે પીડિત બાળકો હાલ ક્યાં છે? આ કેસમાં આશુતોષ મહારાજ નામના વ્યક્તિએ ફરિયાદ નોંધાવી છે, જેમના ગુનાહિત ઇતિહાસ અંગે પણ શંકરાચાર્યના વકીલોએ કોર્ટનું ધ્યાન દોર્યું હતું.
ચુકાદા બાદ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, "ન્યાયાધીશનો આદેશ સાબિત કરે છે કે આ કેસ ફેબ્રિકેટેડ (બનાવટી) છે. આશ્રમો અને ગુરુકુળોને બદનામ કરવાનો આ વ્યાપક પ્રચાર ખોટો છે." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે જો સત્ય જાણવા માટે નાર્કો ટેસ્ટની જરૂર પડે તો તે પણ થવો જોઈએ, કારણ કે તેમને ન્યાયતંત્ર પર સંપૂર્ણ ભરોસો છે. હાલમાં હાઈકોર્ટના આ નિર્ણયથી શંકરાચાર્ય જૂથમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, પરંતુ હવે ૧૫ માર્ચની આગામી સુનાવણી પર સૌની નજર ટકેલી છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
