<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th February 2026

ટેક જગતમાં 'AI' નો હાહાકાર: જેક ડોર્સીની કંપની 'બ્લોક' એકસાથે 4,000 કર્મચારીઓની છટણી કરશે, માનવીનું સ્થાન લેશે રોબોટિક ટૂલ્સ

કુલ વર્કફોર્સમાં 40% નો તોતિંગ કાપ: ટ્વિટરના પૂર્વ CEO એ આર્થિક બચત માટે AI ને ગણાવ્યું પાયાનું કારણ, એન્જિનિયરિંગ અને કસ્ટમર સર્વિસ સેક્ટરમાં સૌથી મોટી અસર

સેન ફ્રાન્સિસ્કો:ટેકનોલોજીના ક્ષેત્રમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) હવે નોકરીઓ માટે મોટું સંકટ બનીને ઉભરી રહ્યું છે. ટ્વિટરના ભૂતપૂર્વ CEO અને જાણીતા ટેક ઉદ્યોગપતિ જેક ડોર્સીની ફિનટેક કંપની 'બ્લોક' એ ૨૦૨૬ના વર્ષની સૌથી મોટી છટણીની જાહેરાત કરી છે. કંપનીએ તેના કુલ ૧૦,૦૦૦ કર્મચારીઓમાંથી આશરે ૪,૦૦૦ કર્મચારીઓને છૂટા કરવાનો નિર્ણય લીધો છે, જેનો અર્થ છે કે કંપનીના ૪૦% સ્ટાફે પોતાની નોકરી ગુમાવવી પડશે.
 જેક ડોર્સીએ સ્પષ્ટતા કરી છે કે કંપની હાલ નફામાં હોવા છતાં, ભવિષ્યની હરીફાઈમાં ટકી રહેવા અને ખર્ચ ઘટાડવા માટે આ ફેરફાર અનિવાર્ય છે. કંપનીના જણાવ્યા મુજબ, એન્જિનિયરિંગ અને ગ્રાહક સેવા (Customer Service) જેવા વિભાગોમાં અગાઉ જે કામ માણસો કરતા હતા, તે હવે AI ટૂલ્સ દ્વારા વધુ ઝડપથી અને સચોટ રીતે થઈ રહ્યું છે. ડોર્સીએ જણાવ્યું હતું કે, "ઘણી કંપનીઓ આ નિર્ણય લેવામાં વિલંબ કરી રહી છે, પરંતુ અમે ટેકનોલોજીના નવા યુગ સાથે તાલ મિલાવવા માંગીએ છીએ."
બ્લોક કંપનીએ તેનું લક્ષ્ય નક્કી કર્યું છે કે તે પોતાના કર્મચારીઓની સંખ્યા ૧૦,૦૦૦ થી ઘટાડીને ૬,૦૦૦ સુધી લઈ આવશે. જોકે, કંપનીએ વચન આપ્યું છે કે છૂટા કરાયેલા કર્મચારીઓને વળતર તરીકે સારા પેકેજ અને લાભો આપવામાં આવશે. આ નિર્ણયને કંપનીના ઇતિહાસનો સૌથી મુશ્કેલ નિર્ણય ગણાવવામાં આવ્યો છે.
આર્થિક નિષ્ણાતો માને છે કે બ્લોક કંપનીનો આ નિર્ણય માત્ર એક શરૂઆત છે. જેમ જેમ AI ક્રાંતિ વેગ પકડશે, તેમ તેમ ગૂગલ, મેટા અને માઇક્રોસોફ્ટ જેવી અન્ય વૈશ્વિક દિગ્ગજ કંપનીઓ પણ પોતાના હ્યુમન રિસોર્સમાં કાપ મૂકી શકે છે. સત્યમ ભારદ્વાજના અહેવાલ મુજબ, આગામી દિવસોમાં ટેક પ્રોફેશનલ્સ માટે પોતાની સ્કિલ્સને AI સાથે અપગ્રેડ કરવી અનિવાર્ય બની જશે. શું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માનવ રોજગારને સંપૂર્ણપણે ગળી જશે? આ સવાલ અત્યારે સમગ્ર વિશ્વના ટેક કોરિડોરમાં ગુંજી રહ્યો છે

(9:56 PM IST)