<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th February 2026

ઈરાનનો 'પરમાણુ' પડકાર: "ટ્રમ્પે તો હજુ ટ્રેલર જોયું છે, અસલી શસ્ત્રો તો બહાર આવવાના બાકી છે!"

ઈઝરાયેલના તેહરાન પરના ભીષણ હુમલા બાદ ઈરાનની ખુલ્લી ધમકી; જૂના હથિયારોથી થયેલા પલટવાર બાદ હવે ઘાતક મિસાઈલો કાઢવાની તૈયારી : કેનેડાએ પોતાના નાગરિકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસી જવા આદેશ આપતા દુનિયાભરમાં ભયનો માહોલ

તેહરાન:  ઈઝરાયેલી ફાઈટર જેટ્સે ઈરાનની રાજધાની તેહરાન પર બોમ્બમારો કરીને આખા શહેરને ધુમાડાના ગોટામાં ફેરવી દીધું છે. આ હુમલાઓ એટલા ચોકસાઈપૂર્વકના હતા કે તેનો મુખ્ય હેતુ ઈરાની રાષ્ટ્રપતિ અને સુપ્રીમ લીડરના રહેઠાણોને નિશાન બનાવવાનો હતો. જોકે, આ હુમલા બાદ ઈરાને જે નિવેદન આપ્યું છે તેણે વોશિંગ્ટનથી જેરૂસલેમ સુધી હડકંપ મચાવી દીધો છે. ઈરાની લશ્કરી કમાન્ડરોએ દાવો કર્યો છે કે અત્યાર સુધી તેમણે માત્ર પોતાના દાયકાઓ જૂના હથિયારોનો જ ઉપયોગ કર્યો છે, અને જો અમેરિકા કે ઈઝરાયેલ વધુ આગળ વધશે તો તેઓ એવા નવા શસ્ત્રો બહાર કાઢશે જે ડોનાલ્ડ ટ્રમ્પે સપનામાં પણ જોયા નથી.

આ ગંભીર સ્થિતિને જોતા કેનેડાના વડાપ્રધાન કાર્નેએ ઈરાનમાં રહેતા તમામ કેનેડિયન નાગરિકોને ચેતવણી આપી છે કે તેઓ ગમે ત્યારે જીવલેણ હુમલાનો શિકાર બની શકે છે. કેનેડાએ ઈરાનને માનવાધિકારના ભંગ અને આતંકવાદના મુખ્ય સ્ત્રોત તરીકે ઓળખાવીને સ્પષ્ટ કર્યું છે કે ઈરાન પાસે પરમાણુ શસ્ત્રો હોવા એ સમગ્ર માનવજાત માટે ખતરો છે. ઈરાન-ઈઝરાયેલની સરહદો પર અત્યારે સેનાઓ સામસામે છે અને ઈરાને ફરી એકવાર મિસાઈલોનો મારો શરૂ કરતા ઈઝરાયેલના ઘણા શહેરોમાં બંકરો ખોલી દેવામાં આવ્યા છે. ઈઝરાયેલ સરકારે તેના નાગરિકોને ભીડભાડવાળી જગ્યાએથી દૂર રહેવા અને હવાઈ હુમલાની સાયરન વાગે ત્યારે તુરંત સુરક્ષિત સ્થળે જવા માટે એડવાઈઝરી જારી કરી છે.

યુદ્ધ હવે એવા વળાંક પર છે જ્યાંથી પીછેહઠ કરવી બંને પક્ષો માટે મુશ્કેલ છે. ઈરાનની આ ચેતવણી કે 'નવા હથિયારો તો હજુ બાકી છે' તે પરમાણુ ક્ષમતા તરફ ઈશારો કરી રહી હોવાનું સંરક્ષણ નિષ્ણાતો માની રહ્યા છે. અમેરિકી ગુપ્તચર એજન્સીઓ અત્યારે ઈરાનના ભૂગર્ભ સૈન્ય મથકો પર ચાંપતી નજર રાખી રહી છે. મધ્યપૂર્વમાં સર્જાયેલી આ અસ્થિરતાને કારણે માત્ર તેલના ભાવ જ નહીં, પણ સમગ્ર વિશ્વની સુરક્ષા જોખમમાં મુકાઈ છે. જો ઈરાન ખરેખર તેના છુપાયેલા આધુનિક શસ્ત્રોનો ઉપયોગ કરશે, તો મધ્યપૂર્વનો નકશો હંમેશ માટે બદલાઈ શકે છે અને આ લડાઈ પૂર્ણ સ્તરના પરમાણુ યુદ્ધમાં ફેરવાઈ શકે છે.

(7:18 PM IST)