News of Saturday, 28th February 2026
બંગાળની મતદાર યાદીમાં 'સર્જિકલ સ્ટ્રાઈક': 65 લાખ નામો ગાયબ : મમતા બેનર્જીના પોતાના ગઢ ભવાનીપુરમાં જ 47,000 મતદારોના પત્તા કપાયા!
ચૂંટણી પંચની અંતિમ યાદી બહાર આવતા જ રાજકીય ગરમાવો : હજુ 60 લાખ નામો પર લટકતી તલવાર: ભાજપે ફેંક્યો જીતનો પડકાર તો તૃણમૂલ કોંગ્રેસે 'બંગાળીઓ વિરુદ્ધનું કાવતરું' ગણાવી કાનૂની જંગની આપી ચીમકી

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા જ 'મતદાર યાદી' એ યુદ્ધનું મેદાન બની ગઈ છે. શનિવારે ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી અંતિમ યાદીમાં આશરે 65 લાખ નામો દૂર કરવામાં આવતા રાજ્યના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. સૌથી વધુ ચોંકાવનારી વિગત મુખ્યમંત્રી મમતા બેનર્જીના મતવિસ્તાર ભવાનીપુરની છે, જ્યાંથી કુલ 47,094 મતદારોના નામો કાઢી નાખવામાં આવ્યા છે. આ આંકડો કેટલો મોટો છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે મમતા બેનર્જીએ છેલ્લી પેટાચૂંટણી 58,000 મતોથી જીતી હતી. જો હજુ પણ વણઉકેલાયેલા 14,000 નામો પર કાતર ફરે, તો ભવાનીપુરનું ગણિત સંપૂર્ણપણે બદલાઈ શકે છે.
ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ આ આંકડાઓને હથિયાર બનાવીને સીધો પડકાર ફેંક્યો છે કે, તૃણમૂલ કોંગ્રેસ અત્યાર સુધી જે મતોના જોરે જીતતી હતી તે હવે ગાયબ થઈ રહ્યા છે. ભાજપનો દાવો છે કે આ યાદીમાંથી ઘૂસણખોરો અને બોગસ મતદારોના નામ દૂર થયા છે, જે નિષ્પક્ષ ચૂંટણી માટે જરૂરી હતા. બીજી તરફ, તૃણમૂલ કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે કેન્દ્રના ઈશારે ચૂંટણી પંચ બંગાળી મતદારોને નિશાન બનાવી રહ્યું છે. પાર્ટીના નેતાઓએ ચેતવણી આપી છે કે જો સાચા મતદારોના નામો કાપવામાં આવ્યા હશે, તો તેઓ રસ્તા પર ઉતરીને આંદોલન કરશે અને સુપ્રીમ કોર્ટ સુધી કાનૂની લડાઈ લડશે.
SIRની પ્રક્રિયાએ 2026 ની વિધાનસભા ચૂંટણીના સમીકરણો અત્યારથી જ ગૂંચવી દીધા છે. રાજ્યભરમાં હજુ 60 લાખ નામોની ચકાસણી બાકી છે, જેનો અર્થ છે કે આગામી દિવસોમાં આ આંકડો હજુ વધી શકે છે. એક તરફ ભાજપ તેને પોતાની જીતનો રસ્તો માની રહ્યું છે, તો બીજી તરફ મમતા બેનર્જીની સેના તેને 'બંગાળી અસ્મિતા' પરનો હુમલો ગણાવી રહી છે. વોટબેંકના આ મોટા ફેરફાર વચ્ચે હવે જોવાનું એ રહેશે કે શું નવા મતદારો ઉમેરવાની પ્રક્રિયામાં તૃણમૂલ પોતાના પક્ષે બાજી ફેરવી શકે છે કે પછી આ 65 લાખ નામોની બાદબાકી મમતા શાસન માટે અંતની શરૂઆત સાબિત થશે.
(7:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
