News of Saturday, 28th February 2026
ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈ જીવિત છે કે કેમ? જીવીત હોય તો ક્યાં છે? ભારે અસમંજસની સ્થિતિ: ઈરાનના વિદેશ મંત્રીના નિવેદનથી રહસ્ય ઘેરાયું: તેહરાનમાં થયેલા મિસાઈલ હુમલામાં ઈરાનનું ટોચનું નેતૃત્વ નિશાન બન્યું: અનેક નેતાના મોત ? ન્યુઝ ફર્સ્ટ

ઈરાન પર અમેરિકા અને ઈઝરાયેલના ભીષણ હુમલાઓ વચ્ચે ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનેઈની સુરક્ષાને લઈને અસમંજસની સ્થિતિ છે. ઈરાનના વિદેશ મંત્રીએ "તેઓ જીવિત છે" તેવું નિવેદન તો આપ્યું છે, પરંતુ તેમાં રહેલી શંકાએ નવી ચર્ચાઓ જન્માવી છે.
ઈરાનમાં ચાલી રહેલા 'ઓપરેશન એપિક ફ્યુરી' વચ્ચે વિશ્વભરમાં એક જ પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે કે ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનેઈ ક્યાં છે? ઈઝરાયેલી મીડિયાએ દાવો કર્યો હતો કે તેહરાનમાં થયેલા મિસાઈલ હુમલામાં ઈરાનનું ટોચનું નેતૃત્વ નિશાન બન્યું છે. આ અફવાઓ પર પૂર્ણવિરામ મૂકવાનો પ્રયાસ કરતા ઈરાનના વિદેશ મંત્રીએ નિવેદન આપ્યું છે કે, "જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી સુપ્રીમ લીડર ખામેનેઈ જીવિત છે." જોકે, તેમના નિવેદનમાં વપરાયેલા શબ્દો 'જ્યાં સુધી હું જાણું છું' એ શંકાના વાદળો વધુ ઘેરા કર્યા છે. રાજદ્વારી નિષ્ણાતો માને છે કે જો ખામેનેઈ સુરક્ષિત હોત તો તેમનો કોઈ વીડિયો કે સત્તાવાર સંદેશ અત્યાર સુધી જાહેર થઈ ગયો હોત.
ઈરાનના વિદેશ મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે આ યુદ્ધ હજુ લાંબુ ચાલશે અને ઈરાન શરણાગતિ સ્વીકારશે નહીં. બીજી તરફ, ઈરાનના અન્ય મહત્વના મંત્રીઓ અને લશ્કરી અધિકારીઓના મોતના સમાચાર સતત આવી રહ્યા છે. ઈરાનમાં અત્યારે સંપૂર્ણ ઈન્ટરનેટ બ્લેકઆઉટ હોવાને કારણે સત્તાવાર વિગતો મેળવવી મુશ્કેલ બની છે. ઉર્દુ અને ફારસી મીડિયામાં એવા અહેવાલો પણ છે કે ખામેનેઈને કોઈ અજ્ઞાત બંકરમાં ખસેડવામાં આવ્યા છે. જો સુપ્રીમ લીડરને કંઈ પણ નુકસાન થયું હોવાના સમાચારની પુષ્ટિ થશે, તો ઈરાન સમગ્ર પશ્ચિમ એશિયામાં આત્મઘાતી હુમલાઓ શરૂ કરી શકે છે. હાલમાં સમગ્ર વિશ્વની નજર તેહરાન તરફ છે.
(8:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
