News of Saturday, 28th February 2026
સરહદ પર મહાસંગ્રામ: અફઘાનિસ્તાને પાકિસ્તાની ફાઇટર જેટ તોડી પાડ્યું, પેરાશૂટથી કૂદેલા પાઇલટને જલાલાબાદમાં જીવતો પકડ્યો
તાલિબાન સેનાનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ: જલાલાબાદ એરપોર્ટ નજીક પ્રચંડ વિસ્ફોટ સાથે વિમાન ખાબક્યું, પાકિસ્તાનનો ધરાર ઇનકાર

કાબુલ:પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેનો સીમા વિવાદ હવે લોહિયાળ જંગમાં ફેરવાઈ ગયો છે. શનિવારની સવારે અફઘાનિસ્તાનના વ્યૂહાત્મક રીતે મહત્વના એવા જલાલાબાદ શહેરમાં પાકિસ્તાનનું એક ફાઇટર જેટ તૂટી પડતા ખળભળાટ મચી ગયો છે. અફઘાનિસ્તાનના સૈન્ય અધિકારીઓએ દાવો કર્યો છે કે પાકિસ્તાની વાયુસેના દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલાનો જવાબ આપતા આ વિમાનને તોડી પાડવામાં આવ્યું છે. આ ઘટનામાં વિમાનનો પાઇલટ પેરાશૂટની મદદથી બહાર નીકળવામાં સફળ રહ્યો હતો, પરંતુ નીચે ઉતરતાની સાથે જ અફઘાન સૈનિકોએ તેને ઘેરી લીધો હતો અને કેદી બનાવી લીધો હતો.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, જલાલાબાદ એરપોર્ટ અને છઠ્ઠા જિલ્લાની આસપાસના વિસ્તારમાં પહેલા જેટ વિમાનનો ગુંજારવ સંભળાયો હતો અને ત્યારબાદ એક પ્રચંડ વિસ્ફોટ થયો હતો. નાંગરહાર પ્રાંતના પોલીસ પ્રવક્તા તૈયબ હમ્મદે આ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, "અમે દુશ્મન દેશના ફાઇટર જેટને તોડી પાડ્યું છે અને તેના પાઇલટને જીવતો પકડી પાડવામાં આવ્યો છે." આ વિમાન કાબુલ અને પાકિસ્તાની સરહદને જોડતા મુખ્ય માર્ગ પર ક્રેશ થયું હોવાથી આ વિસ્તારમાં ભારે તણાવની સ્થિતિ છે.
બીજી તરફ, પાકિસ્તાન આ ઘટનાને સ્વીકારવા તૈયાર નથી. ઈસ્લામાબાદમાં પાકિસ્તાની વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને અફઘાનિસ્તાનના દાવાને તદ્દન ખોટો અને પાયાવિહોણો ગણાવ્યો છે. પાકિસ્તાનનું કહેવું છે કે તેમનું કોઈ પણ વિમાન ગુમ થયું નથી કે તોડી પાડવામાં આવ્યું નથી. જોકે, અફઘાન સૈન્ય પ્રવક્તા વાહિદુલ્લાહ મોહમ્મદીએ પાઇલટને પકડ્યો હોવાના નક્કર પુરાવા હોવાનો દાવો કર્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પના પાકિસ્તાન પ્રત્યેના નરમ વલણ અને તાલિબાનના આક્રમક તેવર વચ્ચે આ સૈન્ય સંઘર્ષ હવે કયું વળાંક લેશે તેના પર આખા વિશ્વની નજર છે
(8:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
