<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th February 2026

યુદ્ધની આગ આકાશમાં ફેલાઈ: ઈઝરાયેલનું હવાઈ ક્ષેત્ર બંધ થતા એર ઈન્ડિયાની ફ્લાઈટનો મધ્ય આકાશમાંથી 'U-Turn', તેલ અવીવને બદલે દિલ્હી પરત ફરી

ઈરાન-ઈઝરાયેલ વચ્ચે મિસાઈલ યુદ્ધ શરૂ થતા જોર્ડને ભારતીયોને દેશ છોડવા તાકીદ કરી: 24 કલાક કાર્યરત હેલ્પલાઈન નંબર જાહેર, આશ્રયસ્થાનોમાં રહેવા દૂતાવાસનો આદેશ

નવી દિલ્હી:  મધ્ય પૂર્વમાં અમેરિકા અને ઈઝરાયેલના ઈરાન પરના હુમલા બાદ સ્થિતિ અત્યંત સ્ફોટક બની ગઈ છે. સુરક્ષાના કારણોસર ઈઝરાયેલે પોતાનું હવાઈ ક્ષેત્ર તાત્કાલિક અસરથી બંધ કરી દેતા આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સના શિડ્યુલ ખોરવાઈ ગયા છે. આ યુદ્ધની સૌથી મોટી અસર દિલ્હીથી તેલ અવીવ જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI 139 પર જોવા મળી હતી. વિમાન જ્યારે હવામાં હતું ત્યારે જ એરસ્પેસ બંધ થવાની સૂચના મળતા, પાયલોટે મુસાફરોની સુરક્ષા માટે અધવચ્ચેથી જ 'યુ-ટર્ન' લઈ વિમાનને સુરક્ષિત રીતે ભારત પરત લાવવાનો નિર્ણય કર્યો હતો.
     ઈરાને ઈઝરાયેલ પર વળતા હુમલામાં મિસાઈલો છોડતા સમગ્ર વિસ્તારમાં યુદ્ધના સાયરન ગુંજી રહ્યા છે. તેલ અવીવ સ્થિત ભારતીય દૂતાવાસે ત્યાં વસતા ભારતીયો માટે 'રેડ એલર્ટ' જાહેર કર્યું છે. દૂતાવાસે તમામ નાગરિકોને નિયુક્ત આશ્રયસ્થાનોની નજીક રહેવા અને બિન-આવશ્યક મુસાફરી ટાળવા સખત શબ્દોમાં તાકીદ કરી છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે જોર્ડન સ્થિત ભારતીય દૂતાવાસે પણ ભારતીય પ્રવાસીઓને વિનંતી કરી છે કે વ્યાપારી ફ્લાઈટ્સ કાયમી ધોરણે બંધ થાય તે પહેલા જ વહેલી તકે દેશ છોડી દેવો હિતાવહ છે.
   ભારત સરકાર આ યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા પોતાના નાગરિકો માટે સતત ચિંતિત છે. ઈઝરાયેલમાં ભારતીયોની મદદ માટે +972-54-7520711 અને જોર્ડન માટે 00962-770 422 276 હેલ્પલાઈન નંબર 24 કલાક કાર્યરત કરવામાં આવ્યા છે. તેહરાનમાં થયેલા વિસ્ફોટો અને ઈઝરાયેલમાં વાગી રહેલા સાયરન વચ્ચે હવે હજારો ભારતીયો વતન પરત ફરવાની રાહ જોઈ રહ્યા છે. આગામી કલાકોમાં જો યુદ્ધ વધુ વણસે તો ભારત સરકાર દ્વારા વિશેષ રેસ્ક્યુ ઓપરેશન પણ હાથ ધરવામાં આવી શકે છે

(8:49 PM IST)