News of Saturday, 28th February 2026
ઈરાન સાથેનો જંગ એટલે 'મધપૂડામાં હાથ નાખવા' જેવું: કેમ અમેરિકા અને ઈઝરાયેલ માટે તેહરાનને હરાવવું લોઢાના ચણા ચાવવા સમાન છે?
વેનેઝુએલા જેવું સરળ ઓપરેશન નથી, ઈરાન પાસે છે મિસાઈલોનો 'કિલ્લો': હિઝબુલ્લાહ અને હુથી બળવાખોરો દ્વારા મલ્ટી-ફ્રન્ટ વોર શરૂ થવાની ભીતિ, તેલના માર્ગો ઠપ્પ થવાનું જોખમ

નવી દિલ્હી: મધ્ય પૂર્વમાં અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલા બાદ વિશ્વ ત્રીજા વિશ્વયુદ્ધના ઉંબરે ઊભું હોય તેવું લાગી રહ્યું છે. જોકે, સંરક્ષણ નિષ્ણાતો માને છે કે ઈરાન પર વિજય મેળવવો અમેરિકા માટે વેનેઝુએલા કે ઈરાક જેવું સરળ ઓપરેશન સાબિત નહીં થાય. ઈરાન પાસે મધ્ય પૂર્વનો સૌથી મોટો અને ઘાતક મિસાઈલ ભંડાર છે, જે ૧,૨૦૦ માઈલ સુધી પ્રહાર કરવાની ક્ષમતા ધરાવે છે. આનો અર્થ એ છે કે ઈરાન તેહરાનમાં બેઠા બેઠા ઈઝરાયેલ, સાઉદી અરેબિયા અને અખાતી દેશોમાં આવેલા અમેરિકી સૈન્ય મથકોને ધમરોળી શકે છે.
ઈરાન સામેની લડાઈમાં સૌથી મોટું જોખમ તેની 'પ્રતિકાર ધરી' છે. ઈરાને વર્ષોથી લેબનોનમાં હિઝબુલ્લાહ, યમનમાં હુથી બળવાખોરો અને ઈરાકમાં અનેક પ્રોક્સી ગ્રુપ તૈયાર કર્યા છે. જો અમેરિકા સીધો હુમલો કરે, તો આ તમામ સંગઠનો એકસાથે ઈઝરાયેલ અને લાલ સમુદ્રમાં વ્યાપારી જહાજો પર હુમલા શરૂ કરી શકે છે, જેનાથી યુદ્ધ માત્ર એક દેશ પૂરતું સીમિત ન રહેતા આખા પ્રદેશમાં ફેલાઈ જશે. નિષ્ણાત અલી વાએઝના મતે, આ લડાઈ ટૂંકી નહીં હોય અને તેમાં અમેરિકન સૈનિકોના જીવનું ભારે જોખમ રહેશે.
ઈરાનની તાકાતના ત્રણ મુખ્ય સ્તંભો:
ઘાતક મિસાઈલ પાવર: ઈરાન પાસે મધ્યમ અંતરની બેલિસ્ટિક મિસાઈલો અને અત્યાધુનિક ડ્રોન ટેકનોલોજી છે. તાજેતરમાં જ તેમણે ૯૩ માઈલની રેન્જ ધરાવતી સમુદ્ર આધારિત હવાઈ સંરક્ષણ સિસ્ટમનું પરીક્ષણ કરીને પોતાની તાકાત બતાવી છે.
હોર્મુઝની સામુદ્રધુની: વિશ્વના તેલ અને ગેસ પુરવઠાનો ૨૦% હિસ્સો આ સાંકડા દરિયાઈ માર્ગેથી પસાર થાય છે. જો ઈરાન આ માર્ગ બંધ કરે, તો વૈશ્વિક અર્થતંત્રમાં હાહાકાર મચી શકે છે.
ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC): ૧.૫ લાખ સૈનિકો ધરાવતી આ ભયાનક સૈન્ય શાખા માત્ર સરહદો જ નહીં પણ શાસનની કટ્ટર વિચારધારાનું પણ રક્ષણ કરે છે, જેના કારણે સત્તા પલટો કરવો અત્યંત મુશ્કેલ છે.
સાઉદી અરેબિયા અને યુએઈ જેવા દેશોએ પહેલેથી જ અમેરિકાને તેમનું એરસ્પેસ વાપરવાની મનાઈ કરી દીધી છે, કારણ કે તેમને ડર છે કે ઈરાની મિસાઈલો તેમના પર વરસી શકે છે. બીજી તરફ, ઈઝરાયેલની 'આયર્ન ડોમ' જેવી રક્ષણ પ્રણાલી પણ સતત હુમલાઓને કારણે થાકી ગઈ હોવાની આશંકા છે. આ તમામ પરિબળો સૂચવે છે કે ઈરાન સાથેનો સંઘર્ષ લાંબો, ખર્ચાળ અને સમગ્ર વિશ્વ માટે જોખમી સાબિત થઈ શકે છે
(8:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
