તા. ૨૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧૪ શનિવાર
'ધ કેરળ સ્ટોરી 2' ના વિવાદો વચ્ચે એક્ટર સુમિત ગહલાવતનું મોટું નિવેદન: "આપણે સેક્યુલર છીએ, બે કલાકની ફિલ્મ તમારા સંસ્કાર ના બદલી શકે"
ફિલ્મને પ્રોપગેન્ડા ગણાવનારાઓને સલીમનું પાત્ર ભજવનાર સુમિતનો જડબાતોડ જવાબ: "લોકો હવે વધુ પડતા 'નાજુક' બની ગયા છે, સિનેમાને માત્ર એક અરીસા તરીકે જુઓ"

મુંબઈ:અનેક વિવાદો, ચર્ચાઓ અને કાનૂની અવરોધો બાદ આખરે શુક્રવારે 'ધ કેરળ સ્ટોરી 2' સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. ફિલ્મે પહેલા જ દિવસે બોક્સ ઓફિસ પર ધમાકેદાર ઓપનિંગ કર્યું છે, પરંતુ તેની સાથે જ વિવાદોનો વંટોળ પણ તેજ બન્યો છે. ફિલ્મમાં 'સલીમ'નું મહત્વનું પાત્ર ભજવનાર અભિનેતા સુમિત ગહલાવતે આ વિવાદો પર મૌન તોડતા અત્યંત પરિપક્વ અને તાર્કિક દલીલો રજૂ કરી છે. તેમણે સાફ શબ્દોમાં કહ્યું છે કે, ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે અને ફિલ્મને એટલી ગંભીરતાથી ન લેવી જોઈએ કે જે સામાજિક એકતાને નુકસાન પહોંચાડે.
સુમિત ગહલાવતે એક વિશિષ્ટ ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, જો કોઈના સંસ્કાર અને શિક્ષણનો પાયો મજબૂત હોય, તો માત્ર બે કલાકની કોઈ ફિલ્મ તેને હચમચાવી શકતી નથી. તેમણે 'તેરે નામ' ફિલ્મમાં સલમાન ખાનની હેરસ્ટાઈલના ક્રેઝનું ઉદાહરણ આપતા કહ્યું કે, લોકો વલણોને અનુસરે છે તે સમજાય છે, પરંતુ ફિલ્મો જોઈને મૂલ્યો બદલાઈ જાય તે માનવું અઘરું છે. તેમણે પ્રશ્ન કર્યો કે, "શું આપણી સમજણ એટલી નાજુક છે કે માત્ર એક કાલ્પનિક વાર્તાથી તે નબળી પડી જાય? સમસ્યા ફિલ્મમાં નથી, પણ લોકોના દ્રષ્ટિકોણમાં છે."
"દારૂડિયા કાકાના ઘરે પણ બાળક સંસ્કારી હોઈ શકે છે": પોતાની વાતને વધુ સ્પષ્ટ કરતા સુમિતે એક સચોટ ઉદાહરણ આપ્યું. તેમણે કહ્યું કે, "મેં એવા ઘણા ઘરો જોયા છે જ્યાં વડીલો વ્યસની હોય છે, છતાં તે ઘરનું બાળક એ જોઈને શીખે છે કે મારે ક્યારેય દારૂને હાથ નથી અડાડવો. તેવી જ રીતે ફિલ્મમાં શું જોવું અને શું શીખવું તે પ્રેક્ષકોની પોતાની પસંદગી છે." તેમણે ઉમેર્યું કે પહેલાના જમાનામાં લોકો શાંતિથી ફિલ્મ જોતા અને તેની કલાની ચર્ચા કરતા, પરંતુ હવે લોકો વધુ પડતા સંવેદનશીલ બની ગયા છે અને દરેક વાતમાં વિવાદ શોધે છે.
સુમિતે ફિલ્મને વિભાજનના સાધન તરીકે જોનારાઓને સલાહ આપી કે, "આપણે એક ધર્મનિરપેક્ષ રાષ્ટ્રમાં રહીએ છીએ. સોમાંથી એક વ્યક્તિ અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરશે, પરંતુ આપણે તેને અવગણીને હકારાત્મકતા પર ધ્યાન આપવું જોઈએ. જો ફિલ્મમાં કંઈક ગમે તો સ્વીકારો, અને ન ગમે તો તેમાંથી શું ન કરવું તે શીખીને આગળ વધો." સુમિતના આ નિવેદને સોશિયલ મીડિયા પર નવી ચર્ચા છેડી દીધી છે, જ્યાં કેટલાક લોકો તેમની તટસ્થતાના વખાણ કરી રહ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
