<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th February 2026

સાવધાન! સાયબર ગુનેગારોની નવી ચાલ: 'ઈન્ટેલિજન્સ બ્યુરો'ના નામે ફેક નોટિસ મોકલી લોકોને ફસાવવાનું શરૂ, ભારત સરકારે પર્દાફાશ કરી જારી કરી ગાઈડલાઈન

PIB ફેક્ટ ચેકે નકલી કાનૂની નોટિસનું કર્યું ખંડન: વોટ્સએપ કે ઈમેલ પર આવતી ધરપકડની ધમકીઓથી ડરશો નહીં, તમારી અંગત વિગતો શેર કરવી પડી શકે છે ભારે

 

નવી દિલ્હી | તા.૨૮: આજના ડિજિટલ યુગમાં સાયબર ગુનેગારો દરરોજ નવી રીતે લોકોને લૂંટવાના પ્રયાસો કરી રહ્યા છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) અને ગુપ્તચર બ્યુરો (IB) ના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે, જેમાં લોકોને 'કાનૂની નોટિસ' મોકલી ધરપકડની ધમકી આપવામાં આવી રહી છે. જોકે, ભારત સરકારે આ પત્રને સંપૂર્ણપણે નકલી (Fake) ગણાવ્યો છે અને જનતાને આવા કોઈ પણ સંદેશાનો જવાબ ન આપવા કડક સૂચના આપી છે.

પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો (PIB) ના ફેક્ટ ચેક યુનિટે શનિવારે રાત્રે આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા પર જે પત્ર ફરતો થયો છે તે ગુપ્તચર બ્યુરો કે સરકાર હેઠળની કોઈ પણ એજન્સી દ્વારા જારી કરવામાં આવ્યો નથી. સાયબર ઠગ લોકોમાં ડર પેદા કરવા માટે સરકારી લોગો અને સત્તાવાર જણાતા પત્રોનો દુરુપયોગ કરી રહ્યા છે. એજન્સીએ ભારપૂર્વક જણાવ્યું છે કે કોઈ પણ સરકારી સંસ્થા ક્યારેય પણ ઈમેલ, વોટ્સએપ કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા ધરપકડની ધમકી આપતી નથી કે કાનૂની નોટિસ મોકલતી નથી.

તમારી સુરક્ષા તમારા હાથમાં:

સરકારે લોકોને વિનંતી કરી છે કે જો તમને આવો કોઈ સંદેશ મળે, તો ગભરાયા વગર તેને અવગણો. આવા મેસેજમાં આપેલી લિંક પર ક્લિક ન કરો કે તમારી બેંક વિગતો અને આધાર જેવી અંગત માહિતી ક્યારેય શેર ન કરો. સામાન્ય રીતે આ ઠગ લોકો 'ડિજિટલ એરેસ્ટ' ના નામે લોકોને ડરાવીને મોટી રકમ પડાવતા હોય છે.

જો તમારી સાથે કોઈ સાયબર છેતરપિંડી થાય અથવા આવો શંકાસ્પદ પત્ર મળે, તો તાત્કાલિક રાષ્ટ્રીય સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર કોલ કરો અથવા www.cybercrime.gov.in પર તમારી ફરિયાદ નોંધાવો. યાદ રાખો, સતર્કતા જ આ સાયબર માયાજાળથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય છે.

(11:50 PM IST)