તા. ૮ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૭, શુક્રવાર
'બંદૂક છોડી હવે બેલેટ પેપર પકડશે': તેલંગાણાના રાજકારણમાં 'લાલ આતંક'ના પૂર્વ માંધાતાઓની એન્ટ્રી? મુખ્યમંત્રી રેવંત રેડ્ડી સાથેની મુલાકાતથી ખળભળાટ
દંડકારણ્યમાં ધાક જમાવનારા દેવજી, સંગ્રામ અને સુજાતા જેવા માઓવાદી નેતાઓ હવે લડશે વિધાનસભા ચૂંટણી? શરણાગતિ બાદ સીધા સીએમ નિવાસસ્થાને પહોંચતા અનેક તર્ક-વિતર્ક

હૈદરાબાદ: તેલંગાણાના રાજકીય ફલક પર એક અત્યંત સંવેદનશીલ અને આશ્ચર્યજનક વળાંક જોવા મળી રહ્યો છે. ગઈકાલ સુધી જેમના નામથી બસ્તર અને દંડકારણ્યના જંગલોમાં ફફડાટ વ્યાપી જતો હતો, તેવા 'લાલ આતંક'ના ચહેરા ગણાતા ભૂતપૂર્વ માઓવાદી નેતાઓ હવે લોકશાહીના મુખ્ય પ્રવાહમાં ભળવા જઈ રહ્યા છે. તાજેતરમાં શરણાગતિ સ્વીકારનારા ટોચના માઓવાજી નેતાઓએ તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી સાથે મુલાકાત કરી છે, જેનાથી રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે કે આ નેતાઓ હવે આગામી વિધાનસભા ચૂંટણીમાં નસીબ અજમાવી શકે છે.
મુખ્યમંત્રીને મળનારા નેતાઓમાં કેન્દ્રીય આયોગના વડા દેવજી, સંગ્રામ, સુજાતા, ચંદ્રાન્ના, દામોદર અને ગગન્ના જેવા દિગ્ગજોનો સમાવેશ થાય છે. આ એવા નામો છે જેઓ ઓડિશા અને દંડકારણ્ય જેવા વિસ્તારોમાં માઓવાદી ગતિવિધિઓના પ્રભારી રહી ચૂક્યા છે. રાજ્યના પોલીસ મહાનિર્દેશક શિવધર રેડ્ડીની હાજરીમાં થયેલી આ 'ઔપચારિક' મુલાકાત પાછળના ઈરાદાઓ રાજકીય હોવાનું મનાઈ રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આમાંથી ઓછામાં ઓછા ચાર નેતાઓ તેલંગાણાની આગામી ચૂંટણી લડવા માટે ગંભીરતાથી વિચારી રહ્યા છે.
આ પરિવર્તન જેટલું મોટું છે એટલું જ જટિલ પણ છે. પ્રશ્ન એ ઊભો થઈ રહ્યો છે કે જેમનો ભૂતકાળ હિંસા અને રક્તપાત સાથે જોડાયેલો રહ્યો છે, તેમને મુખ્ય પ્રવાહના રાજકીય પક્ષો કેટલી સહેલાઈથી સ્વીકારશે? અને સૌથી મહત્વનું એ કે, જે જનતાએ વર્ષો સુધી નક્સલી આતંકનો સામનો કર્યો છે, તે જ જનતા આ નેતાઓને પોતાના પ્રતિનિધિ તરીકે સ્વીકારશે કે કેમ? આ પ્રયોગ તેલંગાણાના રાજકારણને એક તદ્દન નવી અને અણધારી દિશા આપી શકે છે.
નોંધનીય છે કે માત્ર તેલંગાણા જ નહીં, પણ છત્તીસગઢમાં આત્મસમર્પણ કરનારા માઓવાદી નેતા રૂપેશે પણ અગાઉ રાજકારણમાં પ્રવેશવાના સંકેતો આપ્યા હતા. હાલમાં આ નેતાઓ પોલીસ સુરક્ષા હેઠળ છે, પરંતુ મુખ્યમંત્રી સાથેની તેમની આ નિકટતા સૂચવે છે કે આગામી સમયમાં તેલંગાણાના ચૂંટણી મેદાનમાં 'લાલ સલામ' ના સૂત્રો કદાચ 'વોટ' માંગવા માટે સંભળાઈ શકે છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
