News of Sunday, 1st March 2026
મહિનાઓનું ગુપ્ત પ્લાનિંગ અને તેહરાન પર 'સર્જિકલ સ્ટ્રાઈક': અમેરિકા-ઈઝરાયેલના સંયુક્ત ઓપરેશનથી ઈરાન સ્તબ્ધ, પરમાણુ મથકોને નષ્ટ કરવાનું 'મિશન ડિસ્ટ્રક્શન' શરૂ!
ટ્રમ્પનો હુંકાર: "ઈરાનને કોઈ કિંમતે પરમાણુ બોમ્બ બનાવવા નહીં દઈએ" – તેહરાનના આકાશમાં અમેરિકી બોમ્બર્સનો પગરવ, ખામેનીના ગઢમાં પ્રચંડ વિસ્ફોટોથી ધરતી ધ્રુજી

તેહરાન:28 ફેબ્રુઆરી ૨૦૨૬ની સવાર મધ્ય પૂર્વના ઈતિહાસમાં એક લોહિયાળ વળાંક લઈને આવી છે. અમેરિકા અને ઈઝરાયેલના સૈન્ય દળોએ મહિનાઓ સુધી ચાલેલા અત્યંત ગુપ્ત આયોજન બાદ ઈરાન પર ઓચિંતો અને ભીષણ હુમલો કરી દીધો છે. આ હુમલાનું મુખ્ય લક્ષ્ય ઈરાનની રાજધાની તેહરાન અને તેના સુપ્રીમ લીડર અલી ખામેનીનું સત્તાવાર નિવાસસ્થાન હતું. અમેરિકી સંરક્ષણ અધિકારીઓના મતે, આ માત્ર એક દિવસીય હુમલો નથી, પરંતુ ઈરાનની લશ્કરી ક્ષમતાને મૂળમાંથી ઉખેડી નાખવાનું એક લાંબુ ઓપરેશન છે.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ લશ્કરી કાર્યવાહીની પુષ્ટિ કરતા વિશ્વને જણાવ્યું છે કે, અમેરિકા લાંબા સમયથી ઈરાનની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યું હતું. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે, "ઈરાનનો પરમાણુ કાર્યક્રમ અને તેની વધતી મિસાઈલ શક્તિ વિશ્વની સુરક્ષા માટે મોટો ખતરો છે. અમે તેહરાનને કોઈપણ સંજોગોમાં પરમાણુ હથિયાર વિકસાવવા નહીં દઈએ." આ હુમલામાં અમેરિકાના અત્યાધુનિક ફાઈટર જેટ્સ અને બોમ્બર્સે તેહરાનના અનેક લશ્કરી થાણાઓ અને વ્યૂહાત્મક વિસ્તારોને નિશાન બનાવીને તેને કચડી નાખ્યા છે.
ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પણ આ હુમલાને વ્યાજબી ઠેરવતા કહ્યું છે કે, જો ઈરાનને આજે નહીં રોકવામાં આવે તો તે આવતીકાલે સમગ્ર વિશ્વ માટે વિનાશક સાબિત થશે. ઈઝરાયેલના સંરક્ષણ નિષ્ણાતોના મતે, આ હુમલાનું આયોજન ઘણા મહિનાઓથી કરવામાં આવ્યું હતું અને દરેક ટાર્ગેટને ખૂબ જ ચોકસાઈથી પસંદ કરવામાં આવ્યો હતો. તેહરાનમાં થયેલા આ શ્રેણીબદ્ધ વિસ્ફોટો બાદ સમગ્ર ઈરાનમાં અરાજકતાનો માહોલ છે.
બીજી તરફ, ઈરાને આ હુમલાને પોતાની સાર્વભૌમત્વ પરનો સીધો અને ગેરકાયદેસર હુમલો ગણાવ્યો છે. ઈરાની વિદેશ પ્રધાન સૈયદ અબ્બાસ અરાઘચીએ ચેતવણી આપી છે કે આ હુમલાના પરિણામો ગંભીર આવશે. હાલમાં ઈરાનની મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ સક્રિય કરવામાં આવી છે અને સમગ્ર સેનાને 'હાઈ એલર્ટ' પર રાખવામાં આવી છે. નિષ્ણાતો માને છે કે જો આ સંઘર્ષ લંબાયો તો તેલની કિંમતોમાં અસહ્ય વધારો થશે અને વૈશ્વિક અર્થતંત્રમાં મોટો ભૂકંપ આવી શકે છે
(12:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
