News of Sunday, 1st March 2026
ઈરાન પર 'ડિજિટલ સર્જિકલ સ્ટ્રાઈક': મિસાઈલો વરસે તે પહેલા ઈન્ટરનેટ ઠપ્પ કરી આખા દેશને અંધારામાં ધકેલી દીધો
આધુનિક યુદ્ધનું નવું અને ભયાનક સ્વરૂપ 'સાયબર વોરફેયર': ઇઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કમાન્ડ સેન્ટર, બેંકિંગ અને ગ્રીડ પર કર્યો ડિજિટલ હુમલો; ૯૬ ટકા કનેક્ટિવિટી તોડી પાડી જનતાના મોબાઈલ પર 'શરણાગતિ'ના સંદેશા મોકલી મનોબળ તોડવાનો ખતરનાક ખેલ.

તેહરાન: ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬ની એ સવાર ઈરાન માટે માત્ર મિસાઈલોના વિસ્ફોટ લઈને નહોતી આવી, પરંતુ તેની પાછળ એક અત્યંત આયોજિત 'સાયબર એટેક'નું કાવતરું હતું. આકાશમાંથી બોમ્બ વરસે તે પહેલાં જ ઈરાનનું ડિજિટલ અસ્તિત્વ ભૂંસી નાખવામાં આવ્યું હતું. વૈશ્વિક નેટવર્ક મોનિટરિંગ ડેટા અનુસાર, ઈરાનની નેશનલ કનેક્ટિવિટીમાં એકાએક ૯૬ ટકાનો ઘટાડો નોંધાયો હતો, જેનો અર્થ છે કે સમગ્ર દેશમાં ઈન્ટરનેટ, ન્યૂઝ સાઈટ્સ અને સરકારી સેવાઓનો સંપર્ક દુનિયાથી તૂટી ગયો હતો. આ કોઈ ટેકનિકલ ખામી નહોતી, પરંતુ આધુનિક યુદ્ધની એ રણનીતિ હતી જેમાં દુશ્મન દેશના હથિયારો ચલાવતા પહેલા તેની વાતચીત કરવાની અને નિર્ણય લેવાની શક્તિને જ લકવો મારી દેવામાં આવે છે.
ઈરાન પરના આ સાયબર હુમલામાં મલ્ટી-લેયર ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સૌથી પહેલા BGP (બોર્ડર ગેટવે પ્રોટોકોલ) સાથે છેડા કરીને ઈરાનના ડેટા રૂટિંગને જ બદલી નાખવામાં આવ્યું, જેના કારણે આખો દેશ ડિજિટલ બ્લેકઆઉટમાં સરી પડ્યો. ત્યારબાદ સરકારી વેબસાઈટ્સ અને મીડિયા સર્વર્સ પર DDoS (ડિસ્ટ્રિબ્યુટેડ ડિનાયલ ઓફ સર્વિસ) હુમલા કરીને સિસ્ટમને ક્રેશ કરી દેવામાં આવી હતી. આટલું જ નહીં, અહેવાલો મુજબ ઈરાની સંરક્ષણ મંત્રાલય અને બેંકિંગ સેક્ટરમાં 'વાઈપર માલવેર' ઘૂસાડવામાં આવ્યો હતો, જે સિસ્ટમમાં રહેલા ડેટાને કાયમી ધોરણે ડિલીટ કરી નાખે છે, જેથી હુમલા બાદ સિસ્ટમને ફરી બેઠી કરવી અશક્ય બની જાય.
આ ડિજિટલ સ્ટ્રાઈકનો સૌથી ચોંકાવનારો હિસ્સો 'સાયકોલોજિકલ વોરફેયર' (મનોવૈજ્ઞાનિક યુદ્ધ) હતો. જ્યારે ઈરાની જનતા ઈન્ટરનેટ માટે ફાંફા મારી રહી હતી, ત્યારે અચાનક તેમના મોબાઈલ ફોન પર રહેલી લોકપ્રિય પ્રાર્થના એપ્લિકેશન્સમાં વિચિત્ર સૂચનાઓ દેખાવા લાગી હતી. આ સૂચનાઓમાં 'શરણાગતિ સ્વીકારી લો' જેવા મેસેજ મોકલીને સામાન્ય જનતા અને સૈનિકોના મનોબળને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સેટેલાઇટ લિંક્સ અને મોબાઈલ સ્વિચિંગ સેન્ટર્સને જામ કરી દેવાને કારણે સરકારી કમાન્ડ ચેઈન ખોરવાઈ ગઈ હતી, જેના પરિણામે હુમલાના સમયે ઈરાની સૈન્યને વળતો પ્રહાર કરવા માટે જરૂરી માહિતી કે આદેશો મળી શક્યા નહોતા.
માહિતી ટેકનોલોજીના યુગમાં હવે મિસાઈલ કરતા માઉસની ક્લિક વધુ ઘાતક સાબિત થઈ રહી છે. ઈરાન પરના આ હુમલાએ સાબિત કર્યું છે કે પાવર ગ્રીડ, વોટર સપ્લાય અને ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ જેવી જાહેર સુવિધાઓ જો ડિજિટલી સુરક્ષિત ન હોય, તો આખો દેશ કોઈપણ ભૌતિક હુમલા વિના પણ ઘૂંટણિયે પડી શકે છે. ઈરાનના મીડિયા હાઉસ ઠપ્પ કરી દેવાયા હોવાથી દેશમાં અફવાઓનું બજાર ગરમ થયું હતું, જેણે ગભરાટમાં ઓર વધારો કર્યો હતો. આ સાયબર યુદ્ધે ભવિષ્યના વૈશ્વિક સંઘર્ષોની નવી અને ભયાનક ઝલક દેખાડી છે, જ્યાં સરહદો ઓળંગ્યા વિના જ આખા રાષ્ટ્રને 'અંધારામાં' ધકેલી શકાય છે.
(12:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
