News of Sunday, 1st March 2026
ઈરાનમાં લોહીની નદીઓ વહી: ઈઝરાયેલ-અમેરિકાના મિસાઈલ હુમલામાં કન્યા શાળાનો કચ્ચરઘાણ, ૧૪૮ માસૂમ બાળાઓના મોત
તેહરાન પર આભ તૂટી પડ્યું: સર્વોચ્ચ નેતા ખામેની અને તેમના પરિવારના સફાયા બાદ ઈરાનનો રાસાયણિક યુદ્ધનો ખતરનાક મનસૂબો; દક્ષિણ ઈરાનની પ્રાથમિક શાળા પર થયેલા ભીષણ હુમલાએ વિશ્વના અંતરાત્માને ઢંઢોળ્યો, ૯૫ થી વધુ ઘાયલ વિદ્યાર્થીનીઓ જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાય છે.

તેહરાન: મધ્ય પૂર્વમાં ચાલી રહેલો સંઘર્ષ હવે માનવતાની તમામ હદ વટાવી ચૂક્યો છે. શનિવારે ઈઝરાયેલ અને અમેરિકાએ સંયુક્ત રીતે હાથ ધરેલા અત્યંત આક્રમક સૈન્ય ઓપરેશનમાં ઈરાન ધ્રૂજી ઉઠ્યું છે. આ હુમલા દરમિયાન દક્ષિણ ઈરાનના હોર્મોઝગન પ્રાંતના મીનાબ શહેરમાં આવેલી એક પ્રાથમિક કન્યા શાળા પર મિસાઈલ ત્રાટકતા ભયાનક નરસંહાર સર્જાયો છે. શરૂઆતમાં માત્ર પાંચ બાળાઓના મોતની આશંકા હતી, પરંતુ કાટમાળ ખસેડાતા મૃત્યુઆંક વધીને ૧૪૮ પર પહોંચી ગયો છે. માસૂમ બાળકોના લોહીથી ખરડાયેલી આ ઘટનાએ વૈશ્વિક સ્તરે આક્રોશની જ્વાળા ભડકાવી છે. આ શાળા વર્ષ ૨૦૧૬ પૂર્વે લશ્કરી થાણાનો ભાગ હોવાથી ભૂલથી નિશાન બની હોવાનું મનાય છે, પરંતુ નિર્દોષ જીવોની આહૂતિએ યુદ્ધની ભયાનકતાના દર્શન કરાવ્યા છે.
રાજધાની તેહરાનમાં થયેલા સર્જિકલ સ્ટ્રાઈકમાં ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેની, તેમના પરિવારના સભ્યો અને અનેક ઉચ્ચ કમાન્ડરો માર્યા ગયા હોવાની પુષ્ટિ થઈ છે. અમેરિકી ઈન્ટેલિજન્સ મુજબ ખામેનીના નિવાસસ્થાનને જ ચોકસાઈપૂર્વક નિશાન બનાવવામાં આવ્યું હતું, જેમાં ૨૦૦થી વધુ લોકોના મોત થયા છે. સર્વોચ્ચ નેતૃત્વના સફાયા છતાં ઈરાન નમતું જોખવા તૈયાર નથી. ઈરાને વળતા પ્રહાર રૂપે ઈઝરાયેલ અને મધ્ય પૂર્વમાં આવેલા અમેરિકી લશ્કરી મથકો પર સેંકડો બેલિસ્ટિક મિસાઈલો અને આત્મઘાતી ડ્રોન છોડ્યા છે. ગલ્ફના આકાશમાં અત્યારે માત્ર આગના ગોળા અને યુદ્ધ વિમાનોની ગર્જના સંભળાઈ રહી છે.
ઈરાને હવે આ યુદ્ધને નવી અને ખતરનાક દિશા આપતા અમેરિકા અને ઈઝરાયેલને ‘રાસાયણિક યુદ્ધ’ (Chemical Warfare) ની સીધી ચેતવણી આપી છે. ઈરાની સૈન્ય પ્રવક્તાએ જણાવ્યું છે કે જો હુમલા નહીં અટકે તો તેઓ વિનાશક રાસાયણિક શસ્ત્રોનો ઉપયોગ કરતા ખચકાશે નહીં. આ ધમકીના જવાબમાં યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટ (પેન્ટાગોન) એ સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ પ્રકારનો રાસાયણિક હુમલો કરવામાં આવશે તો તેનો જવાબ ‘અભૂતપૂર્વ લશ્કરી બળ’ દ્વારા આપવામાં આવશે. ઈઝરાયેલે પણ પોતાની તમામ સરહદો સીલ કરી દીધી છે અને એરો-૩ તથા આયર્ન ડોમ જેવી હવાઈ સંરક્ષણ પ્રણાલીઓને હાઈ-એલર્ટ પર મૂકી દીધી છે.
આંતરરાષ્ટ્રીય સમુદાય અને સંયુક્ત રાષ્ટ્ર (UN) એ આ હુમલાઓને માનવતા વિરુદ્ધના ગુના ગણાવીને તાત્કાલિક યુદ્ધવિરામની અપીલ કરી છે. ખાસ કરીને નિર્દોષ સ્કૂલી બાળકોના મોત બાદ યુરોપિયન દેશોએ પણ ઈઝરાયેલ અને અમેરિકાની સૈન્ય કાર્યવાહી પર સવાલો ઉઠાવ્યા છે. ઈરાનમાં અત્યારે આક્રોશ અને શોકનો માહોલ છે, લોકો રસ્તા પર ઉતરીને બદલાની માંગ કરી રહ્યા છે. બીજી તરફ, અમેરિકી રાષ્ટ્રપતિએ ઈરાનને શરણાગતિ સ્વીકારવા માટે છેલ્લું અલ્ટીમેટમ આપ્યું છે. જો શાંતિ વાટાઘાટો જલ્દી શરૂ નહીં થાય, તો આ સંઘર્ષ ત્રીજા વિશ્વયુદ્ધ તરફ દોરી જાય તેવી પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે.
(2:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
