<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st March 2026

ઈરાની સેનાના નવા કમાન્ડર-ઈન-ચીફ અહમદ વાહિદીના હાથમાં હશે IRGCની કમાન

સુપ્રીમલીડર ખમેનેઇના મોત બાદ ઇસ્‍લામિક રિવોલ્‍યુશનરી ગાર્ડ કોટર્સની કમાન સોંપાઇ

અમેરિકા અને ઈઝરાયેલના ભીષણ હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખમેનેઈના મોતના અહેવાલો વચ્ચે ઈરાને એક મોટો નિર્ણય લીધો છે. ઈરાન સરકારે દેશની સૌથી શક્તિશાળી સૈન્ય પાંખ 'ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ' (IRGC) ના નવા કમાન્ડર-ઈન-ચીફ તરીકે અહમદ વાહિદીના નામની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. નોંધનીય છે કે 31 ડિસેમ્બર 2025 ના રોજ જ તેમને ડેપ્યુટી કમાન્ડર બનાવવામાં આવ્યા હતા.

 

27 જૂન 1958 ના રોજ ઈરાનના શિરાજમાં જન્મેલા અહમદ વાહિદી માત્ર સૈનિક નથી, પરંતુ એક ઉચ્ચ શિક્ષિત વ્યૂહરચનાકાર પણ છે. તેઓ ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએટ અને વ્યૂહાત્મક અભ્યાસમાં PhD ધરાવે છે. 1988 થી 1998 સુધી તેઓ કુદ્સ ફોર્સના પ્રથમ કમાન્ડર રહ્યા હતા, જે ઈરાન બહારના સૈન્ય ઓપરેશન્સ સંભાળે છે. આ ઉપરાંત, તેઓ 2009-2013 દરમિયાન દેશના સંરક્ષણ મંત્રી પણ રહી ચૂક્યા છે.

 

વાહિદીનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણું વિવાદાસ્પદ રહ્યું છે. 1994માં આર્જેન્ટિનાના બ્યુનોસ આયર્સમાં યહૂદી કેન્દ્ર પર થયેલા બોમ્બ વિસ્ફોટમાં તેમની કથિત સંડોવણી બદલ તેઓ ઈન્ટરપોલની રેડ નોટિસ લિસ્ટમાં છે. આ સિવાય, ઈરાનના પરમાણુ કાર્યક્રમ અને માનવાધિકાર ઉલ્લંઘનના આરોપોને કારણે અમેરિકા અને યુરોપિયન યુનિયને તેમના પર કડક પ્રતિબંધો લાદેલા છે.

 

અહેવાલો મુજબ, આ હુમલામાં માત્ર સુપ્રીમ લીડર જ નહીં, પરંતુ તેમના પરિવારના સભ્યો જેવા કે દીકરી અને જમાઈના પણ મોત થયા છે. હવે જ્યારે ઈરાન એક ગંભીર કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે, ત્યારે અહમદ વાહિદીની નિમણૂક સૂચવે છે કે ઈરાન આવનારા સમયમાં પશ્ચિમી દેશો સામે વધુ આક્રમક વલણ અપનાવી શકે છે.

(2:17 PM IST)