તા. ૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૫ ગુરૂવાર
News of Sunday, 1st March 2026
સુરતના ટેક્સટાઇલ હબ પર યુદ્ધના કાળાં વાદળ: ઈરાન-ઈઝરાયેલ સંઘર્ષથી કરોડોના નિકાસ વેપાર પર ‘બ્રેક’ વાગવાની દહેશત
દુબઈ વાયા 45 દેશોમાં ફેલાયેલું સુરતનું કાપડ બજાર જોખમમાં; પેમેન્ટ સાયકલ ખોરવાતા અને નૂરના દરમાં તોતિંગ વધારો થવાની આશંકાથી હજારો વીવર્સ અને વેપારીઓના જીવ અધ્ધર

સુરત:પશ્ચિમ એશિયામાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વણસતી જતી પરિસ્થિતિએ વિશ્વના નકશા પર ટેક્સટાઇલ સિટી તરીકે જાણીતા સુરતની ઊંઘ ઉડાડી દીધી છે. હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી મંદી વચ્ચે હવે સુરતના અર્થતંત્રની બીજી મુખ્ય ધરી એવા કાપડ ઉદ્યોગ પર પણ આર્થિક પાયમાલીનું જોખમ તોળાઈ રહ્યું છે. દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) ના પદાધિકારીઓના મતે, જો આ ભૌગોલિક-રાજકીય તણાવ લાંબો ખેંચાશે, તો સુરતના ટેક્સટાઇલ સેક્ટરને 100 ટકા મોટું નુકસાન વેઠવાની નોબત આવી શકે છે, જેની સીધી અસર સ્થાનિક રોજગારી પર પણ જોવા મળશે.
સુરતનો કાપડ વેપાર સીધો દુબઈ સાથે જોડાયેલો છે, જે પશ્ચિમ એશિયા અને આફ્રિકાના અંદાજે 45 જેટલા દેશો માટેનું મુખ્ય ટ્રેડિંગ હબ છે. સુરતથી મોટા પાયે મેન-મેડ ફાઈબર (MMF), ખાસ કરીને બુર્ખાનું કાપડ, સલવાર કમીઝ અને તૈયાર ડ્રેસ મટીરિયલ્સની નિકાસ દુબઈ મારફતે આ દેશોમાં કરવામાં આવે છે. યુદ્ધની સ્થિતિમાં લોજિસ્ટિક્સ નેટવર્ક ખોરવાઈ જવાથી અને શિપિંગ રૂટમાં જોખમ વધવાથી માલના પરિવહન પર સીધી અસર પડશે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય સ્તરે પેમેન્ટ સાયકલ અટકી પડવાની ભીતિને કારણે વેપારીઓમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.
આ સંકટ અંગે ચિંતા વ્યક્ત કરતા SGCCI ના ઉપપ્રમુખ અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, સુરત માટે દુબઈ અને અમીરાત સૌથી મોટું માર્કેટ છે. વર્તમાન સ્થિતિમાં જો સપ્લાય ચેઈન ખોરવાય છે, તો તેની માઠી અસર હજારો વીવર્સ અને પ્રોસેસિંગ યુનિટ્સ પર પડશે. યુદ્ધ લાંબુ ચાલવાની સ્થિતિમાં નૂર (freight) અને વીમાના દરોમાં તોતિંગ વધારો થશે, જેના કારણે સુરતનું કાપડ આંતરરાષ્ટ્રીય બજારમાં મોંઘું બનશે અને સ્પર્ધાત્મકતા ગુમાવશે. આ સંજોગોમાં ઓર્ડર રદ થવાની કે અટકી જવાની પૂરેપૂરી શક્યતા છે.
રશિયા-યુક્રેન યુદ્ધ બાદ હીરા ઉદ્યોગ પહેલેથી જ વૈશ્વિક મંદીનો સામનો કરી રહ્યો છે, ત્યારે હવે ટેક્સટાઇલ પર ત્રાટકેલી આ આફત સુરતના અર્થતંત્ર માટે 'બેવડો ફટકો' સાબિત થઈ શકે તેમ છે. જો આગામી દિવસોમાં સ્થિતિ શાંત ન થાય, તો સુરતના વેપારીઓએ મોટા પાયે આર્થિક નુકસાન અને પ્રોડક્શન કાપ માટે તૈયાર રહેવું પડશે. અત્યારે સુરતના ઉદ્યોગપતિઓ પળેપળની સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે અને આંતરરાષ્ટ્રીય બજારની હલચલને આધારે પોતાની રણનીતિ ઘડી રહ્યા છે.
(2:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
