તા. ૧૩ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૪ સોમવાર
News of Sunday, 1st March 2026
પાકિસ્તાન બાદ હવે ગલ્ફ એરસ્પેસ બંધ થતા ભારતીય એરલાઇન્સના અબજો રૂપિયા હવામાં હોમાયા!
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની જ્વાળાઓમાં ફસાઈ એર ઈન્ડિયા અને ઈન્ડિગો જેવી કંપનીઓ: ૨ દિવસમાં ૮૦૦થી વધુ ફ્લાઇટ્સ રદ થતા એવિએશન સેક્ટરમાં હાહાકાર : મુસાફરોની સલામતી માટે કરોડોના ખર્ચે રૂટ ડાયવર્ટ કરવા પડ્યા

નવી દિલ્હી: ભારતીય એરલાઇન્સ માટે અત્યારે 'મોંએ આયા કોળિયો છીનવાઈ જવો' જેવી સ્થિતિ સર્જાઈ છે. અમેરિકા અને ઈઝરાયેલના ઈરાન પરના સંયુક્ત હુમલા બાદ પશ્ચિમ એશિયાનું આકાશ યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયું છે, જેના કારણે ગલ્ફ દેશોના એરસ્પેસ (હવાઈ માર્ગો) બંધ કરી દેવાયા છે. પાકિસ્તાની એરસ્પેસ પહેલેથી જ બંધ હોવાથી મુશ્કેલીમાં મુકાયેલી એર ઈન્ડિયા, ઈન્ડિગો અને સ્પાઈસજેટ જેવી કંપનીઓ માટે આ 'બેવડો માર' સાબિત થયો છે. માત્ર ૨૮ ફેબ્રુઆરી અને ૧ માર્ચ એમ બે જ દિવસમાં ૮૫૦ જેટલી ફ્લાઇટ્સ રદ કરવી પડી છે. આંતરરાષ્ટ્રીય રૂટ પરથી થતી કમાણી પર નિર્ભર રહેતી ભારતીય એરલાઇન્સ માટે નાણાકીય વર્ષ ૨૬નું છેલ્લું ક્વાર્ટર અત્યંત ખોટવાળું રહેવાની ભીતિ સેવાઈ રહી છે.
ગલ્ફ દેશોનો હવાઈ માર્ગ એ ભારત માટે આંતરરાષ્ટ્રીય ટ્રાફિકનું હૃદય ગણાય છે, કારણ કે કુલ આંતરરાષ્ટ્રીય મુસાફરોમાંથી અડધોઅડધ હિસ્સો આ જ રૂટ પરથી આવે છે. એરસ્પેસ બંધ થવાને કારણે વિમાનોએ હવે લાંબા અંતરના વૈકલ્પિક રૂટ અપનાવવા પડી રહ્યા છે. આના કારણે માત્ર ઉડાનનો સમય જ નથી વધ્યો, પરંતુ ઈંધણનો વપરાશ પણ આસમાને પહોંચ્યો છે. એર ઈન્ડિયાના ચીફ કેમ્પબેલ વિલ્સનના મતે, પાકિસ્તાની રૂટ બંધ થવાથી વાર્ષિક અંદાજે ₹૪,૦૦૦ કરોડનું નુકસાન થઈ રહ્યું છે, અને હવે ગલ્ફ રૂટ બંધ થતા આ આંકડો ક્યાં જઈને અટકશે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. ઈન્ડિગો જેવી કંપનીઓએ તો ૭ માર્ચ સુધી ફ્રી કેન્સલેશનની ઓફર આપીને મુસાફરોનો રોષ શાંત કરવાનો પ્રયાસ કર્યો છે.
આ કટોકટીની સૌથી મોટી અસર લાંબા અંતરની ફ્લાઇટ્સ પર પડી છે. મધ્ય એશિયા અને યુરોપ તરફ જતી ફ્લાઇટ્સને હવે વારંવાર રિફ્યુઅલિંગ માટે રોકાવું પડે છે, જેનાથી સ્ટાફનો ખર્ચ અને ઓપરેશનલ જટિલતા વધી ગઈ છે. ડીજીસીએ દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે, પરંતુ જ્યાં સુધી યુદ્ધના વાદળો વિખરાય નહીં ત્યાં સુધી એરલાઇન્સની આવક પરનું જોખમ યથાવત રહેશે. યુદ્ધ માત્ર જમીન પર જ નહીં, પણ આકાશી સફરને પણ મોંઘી અને અસુરક્ષિત બનાવી રહ્યું છે, જેની સીધી અસર સામાન્ય મુસાફરોના ખિસ્સા અને એરલાઇન્સના બેલેન્સ શીટ પર જોવા મળી રહી છે.
(5:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
