<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st March 2026

ઈઝરાયેલમાં ઈરાનનો ભીષણ મિસાઈલ વર્ષા: બેઈત શેમેશમાં કાટમાળ વચ્ચે આઠના મોત: IDFની સુરક્ષા કવચમાં ગાબડું

સુપ્રીમ લીડર ખામેનીના સમગ્ર પરિવારના ખાતમા બાદ તેહરાને રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું : ઈઝરાયેલના રહેણાંક વિસ્તારો પર બેલિસ્ટિક મિસાઈલોનો વરસાદ અને યુએઈ પર 500થી વધુ ડ્રોન હુમલાએ મધ્ય પૂર્વને સ્મશાનમાં ફેરવી દીધું

જેરુસલેમ:  મધ્ય પૂર્વનું યુદ્ધ હવે અત્યંત ઘાતક અને વૈયક્તિક બદલાના તબક્કામાં પ્રવેશ્યું છે. રવિવારે ઈરાને ઈઝરાયેલના બેઈત શેમેશ શહેરને નિશાન બનાવીને કરેલા બેલિસ્ટિક મિસાઈલ હુમલામાં અત્યાર સુધીમાં 8 લોકોના કરુણ મોત નીપજ્યા છે. આશ્ચર્યજનક રીતે, વિશ્વની સર્વશ્રેષ્ઠ ગણાતી ઈઝરાયેલની 'આયર્ન ડોમ' અને એરો ડિફેન્સ સિસ્ટમ આ મિસાઈલોને રોકવામાં નિષ્ફળ રહી હતી. શહેરના રહેણાંક વિસ્તારોમાં મિસાઈલ ત્રાટકતા અનેક ઈમારતો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ છે અને કાટમાળ નીચે હજુ પણ અનેક લોકો દટાયેલા હોવાની આશંકા છે. આ હુમલામાં 20થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે.

આ ભીષણ વળતા પ્રહાર પાછળનું મુખ્ય કારણ શનિવારે ઈઝરાયેલ અને અમેરિકા દ્વારા કરવામાં આવેલ તેહરાન પરનો હુમલો છે. આ ઓપરેશનમાં ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ ખામેની સહિત 30થી વધુ ટોચના નેતાઓનો સફાયો કરવામાં આવ્યો હતો. અહેવાલો મુજબ, ખામેનીના પરિવારના સભ્યો, જેમાં તેમની પુત્રી અને જમાઈનો પણ સમાવેશ થાય છે, તેઓ આ હુમલામાં માર્યા ગયા છે. પોતાના સર્વોચ્ચ નેતા અને તેમના પરિવારના લોહીનો બદલો લેવા માટે ઈરાને હવે માત્ર ઈઝરાયેલ જ નહીં, પરંતુ સમગ્ર ખાડી દેશોમાં આવેલા અમેરિકી સૈન્ય મથકોને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે, જેના કારણે યુદ્ધની આગ દુબઈ અને અબુ ધાબી સુધી પહોંચી છે.

બીજી તરફ, સંયુક્ત આરબ અમીરાત (UAE) ના સંરક્ષણ મંત્રાલયે જાહેર કરેલા આંકડા ચોંકાવનારા છે. 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ સંઘર્ષમાં અત્યાર સુધીમાં યુએઈની વાયુસેનાએ 165 બેલિસ્ટિક મિસાઈલો, બે ક્રુઝ મિસાઈલો અને અધધ 541 ઈરાની ડ્રોનને આકાશમાં જ તોડી પાડ્યા છે. તેમ છતાં, કેટલાક હુમલાઓ લક્ષ્ય સુધી પહોંચવામાં સફળ રહ્યા છે, જેમાં ત્રણ લોકોના મોત અને 58 લોકો ઘાયલ થયા છે. આ આંકડાઓ સાબિત કરે છે કે ઈરાને પોતાની તમામ સૈન્ય શક્તિ ઝોંકી દીધી છે. હાલમાં સમગ્ર મધ્ય પૂર્વમાં સન્નાટો અને ભયનો માહોલ છે, અને વિશ્વ હવે ઈઝરાયેલના આગામી અને કદાચ સૌથી મોટા વળતા પ્રહારની રાહ જોઈ રહ્યું છે.

(7:05 PM IST)