<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd March 2026

રાજ્‍યોને સાવચેત રહેવા આદેશઃ સોશિયલ મીડિયા પર પણ નજર

ઈરાન યુદ્ધને પગલે ભારતમાં એલર્ટ! દેશભરમાં કાયદો અને વ્‍યવસ્‍થા સરકારની સર્વોચ્‍ચ પ્રાથમિકતાઃ ગૃહ મંત્રાલય

નવી દિલ્‍હી તા.૨: મધ્‍ય પૂર્વ એશિયામાં સર્જાયેલા યુદ્ધના સંકટ અને ઈઝરાયલ-અમેરિકાના હુમલામાં ઈરાનના સર્વોચ્‍ચ નેતા આયાતુલ્‍લા અલી ખામેનેઈના મોતના પગલે ભારતમાં પણ તણાવની સ્‍થિતિ જોવા મળી રહી છે. આ ઘટનાક્રમને ધ્‍યાનમાં રાખીને કેન્‍દ્રીય ગૃહ મંત્રાલયે દેશભરમાં કાયદો અને વ્‍યવસ્‍થા જાળવી રાખવા માટે એડવાઇઝરી જાહેર કરી છે. ગૃહ મંત્રાલયે તમામ રાજ્‍યો અને કેન્‍દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીને ઈરાનના સમર્થન કે વિરોધમાં થઈ રહેલા પ્રદર્શનોને લઈને વિશેષ તકેદારી રાખવા સૂચના આપી છે.

ગૃહ મંત્રાલયે સ્‍પષ્ટ કર્યું છે કે આંતરરાષ્ટ્રીય ઘટનાઓની અસર ભારતના વિવિધ ભાગોમાં પડી શકે છે, જેના કારણે કાયદો અને વ્‍યવસ્‍થા જાળવવી એ સરકારની સર્વોચ્‍ચ પ્રાથમિકતા છે. પત્રમાં ચેતવણી આપવામાં આવી છે કે કેટલાક અસામાજિક તત્ત્વો પ્રદર્શનોની આડમાં વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરી શકે છે. આ માટે સ્‍થાનિક વહીવટી તંત્ર અને ખુફિયા એજન્‍સીઓને સતર્ક રહેવા અને સંવેદનશીલ વિસ્‍તારોમાં વધારાની પોલીસ સુરક્ષા તૈનાત કરવા જણાવાયું છે. આ ઉપરાંત, સોશિયલ મીડિયા પર ફેલાતી ભડકાઉ પોસ્‍ટ કે અફવાઓ પર પણ કડક નજર રાખવા આદેશ અપાયા છે, જેથી તણાવ વધતો અટકાવી શકાય.

(3:31 PM IST)