POK લોહિયાળ બન્યું: ૧૨૦ના મોત 2:41 PM
આકાશમાં 'યુદ્ધ'ના વંટોળ: ભારતીય એરલાઇન્સ માટે પશ્ચિમ એશિયાનો રસ્તો થયો બંધ, એક જ દિવસમાં 350 ફ્લાઇટ્સ રદ! એર ઇન્ડિયા અને ઇન્ડિગોના આંતરરાષ્ટ્રીય રૂટ ખોરવાયા
પાકિસ્તાની એરસ્પેસ બાદ હવે મધ્ય પૂર્વના રસ્તાઓ પણ સીલ: વિદેશ જતી ફ્લાઇટ્સના સમયમાં 3 કલાકનો વધારો, એરલાઇન્સ કંપનીઓના શેરમાં મોટું ગાબડું

નવી દિલ્હી, તા.૦૨: મધ્ય પૂર્વમાં ભભૂકી રહેલી યુદ્ધની જ્વાળાઓએ ભારતીય એવિએશન સેક્ટરની કમર તોડી નાખી છે. ઈરાન-ઈઝરાયલ સંઘર્ષ અને અનેક દેશો દ્વારા એરસ્પેસ (હવાઈ સરહદ) બંધ કરી દેવાતા ભારતીય એરલાઇન્સ અત્યારે સૌથી મોટા સંકટનો સામનો કરી રહી છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, માત્ર રવિવારના દિવસે જ એરપોર્ટ પર ભીડ અને રૂટ ડાયવર્ઝનને કારણે 350 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી. સોમવારે પણ આ વિક્ષેપ યથાવત રહ્યો છે, જેના કારણે હજારો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે.
એર ઇન્ડિયા અને ઇન્ડિગોની સેવાઓ પ્રભાવિત
દેશની દિગ્ગજ એરલાઇન્સ એર ઇન્ડિયા અને ઇન્ડિગોએ તેમના અનેક આંતરરાષ્ટ્રીય રૂટ કાં તો રદ કર્યા છે અથવા તો બદલી નાખ્યા છે.
• એર ઇન્ડિયા: ન્યૂયોર્ક (JFK) અને નેવાર્ક જેવી યુએસ ઇસ્ટ કોસ્ટની ફ્લાઇટ્સ હવે રોમમાં ટેકનિકલ સ્ટોપ સાથે કાર્યરત થશે. જ્યારે બર્મિંગહામ, ઝુરિચ અને કોપનહેગનની ફ્લાઇટ્સ સંપૂર્ણ રદ કરવામાં આવી છે.
• ઇન્ડિગો: લંડન, માન્ચેસ્ટર અને એમ્સ્ટરડેમ જેવી મહત્વની આંતરરાષ્ટ્રીય સેવાઓ 2 માર્ચ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.
બેવડો ફટકો: પાકિસ્તાન બાદ હવે મધ્ય પૂર્વનો અવરોધ
ભારતીય એરલાઇન્સ માટે સ્થિતિ વધુ કફોડી એટલા માટે છે કારણ કે તેઓ પહેલેથી જ પાકિસ્તાની હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરી શકતી નથી. હવે ઈરાન અને મધ્ય પૂર્વને બાયપાસ કરવાને કારણે યુએસ જતી ફ્લાઇટ્સના સમયમાં અઢી થી ત્રણ કલાકનો ધરખમ વધારો થયો છે. આનાથી ઇંધણનો વપરાશ વધ્યો છે અને ભારતીય કેરિયર્સ યુરોપિયન એરલાઇન્સની તુલનામાં આર્થિક રીતે ગેરફાયદામાં મુકાયા છે.
શેરબજારમાં કડાકો અને આર્થિક નુકસાન
યુદ્ધની અસર દલાલ સ્ટ્રીટ પર પણ જોવા મળી છે. સોમવારે શેરબજાર ખુલતાની સાથે જ સ્પાઇસજેટના શેર 9.2% અને ઇન્ડિગોના શેર લગભગ 8% જેટલા તૂટ્યા હતા. નિષ્ણાતોના મતે, આંતરરાષ્ટ્રીય રૂટ એરલાઇન્સ માટે આવકનું મુખ્ય સાધન હોય છે, પરંતુ હવે ક્રૂડ ઓઇલના વધતા ભાવ અને રદ થતી ફ્લાઇટ્સને કારણે કંપનીઓને કરોડોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
નોંધનીય છે કે, એર ઇન્ડિયા એક્સપ્રેસની 60% અને સ્પાઇસજેટની તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ મધ્ય પૂર્વના રૂટ પર નિર્ભર છે, જેના કારણે આગામી દિવસોમાં પણ મુસાફરોએ મોટી અસુવિધાનો સામનો કરવો પડી શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
