<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd March 2026

શેરબજારમાં કડાકો: મધ્ય પૂર્વના યુદ્ધની અસરે રોકાણકારોના ૧૦ લાખ કરોડ સ્વાહા: આજે સેન્સેક્સ ૧,૦૪૮ પોઈન્ટ અને નિફ્ટી ૫૦ ૩૧૩ પોઈન્ટ તૂટ્યો: સેન્સેક્સ ત્રણ દિવસમાં ૨૦૦૦ પોઈન્ટ ગગડ્યો

૮૬૯ જેટલા સ્ટોક્સ ૫૨ સપ્તાહની નીચલી સપાટીએ; ક્રૂડ ઓઈલના વધતા ભાવ અને નબળા રૂપિયાએ બજારમાં મચાવી હાહાકાર, ઈરાન-ઈઝરાયેલ સંઘર્ષથી વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા

મુંબઈ: ૨ માર્ચ, ૨૦૨૬
મધ્ય પૂર્વમાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ફાટી નીકળેલા ભીષણ યુદ્ધની સીધી અસર ભારતીય શેરબજાર પર જોવા મળી રહી છે. સપ્તાહના પ્રથમ દિવસે સોમવારે શેરબજારમાં ભારે વેચવાલી જોવા મળી હતી, જેના કારણે સેન્સેક્સ ૧,૦૪૮ પોઈન્ટ (૧.૨૯%) તૂટીને ૮૦,૨૩૮.૮૫ પર બંધ રહ્યો હતો. એ જ રીતે નિફ્ટી ૫૦ પણ ૩૧૩ પોઈન્ટ (૧.૨૪%) ના ઘટાડા સાથે ૨૪,૮૬૫.૭૦ ના સ્તરે સ્થિર થયો હતો. છેલ્લા ત્રણ ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સે કુલ ૨,૦૩૭ પોઈન્ટ ગુમાવ્યા છે.
રોકાણકારોની સંપત્તિમાં મસમોટું ધોવાણ
બજારમાં સતત ત્રણ દિવસથી ચાલી રહેલા ઘટાડાને કારણે રોકાણકારોની સંપત્તિમાં ૧૦ લાખ કરોડ રૂપિયાથી વધુનો ઘટાડો થયો છે. BSE લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન બુધવારે ૪૬૭.૪ લાખ કરોડ રૂપિયા હતું, જે સોમવારે ઘટીને ૪૫૭ લાખ કરોડ રૂપિયાથી નીચે આવી ગયું છે. યુદ્ધને કારણે સપ્લાય ચેઈન ખોરવાવાની ભીતિ અને મોંઘવારી વધવાના ડરથી બજારમાં ગભરાટ ફેલાયો છે.
દિગ્ગજ શેરો ૫૨ સપ્તાહની નીચલી સપાટીએ
બજારમાં મંદીનો માહોલ એટલો પ્રબળ હતો કે BSE પર ૮૬૯ જેટલા શેરોએ તેમની ૫૨ સપ્તાહની નીચલી સપાટી (Low) ને સ્પર્શ કર્યો હતો. જેમાં TCS, ITC, વિપ્રો, સુઝલોન એનર્જી, અદાણી ટોટલ ગેસ, IRCTC, સ્વિગી અને યુકો બેંક જેવી જાણીતી કંપનીઓનો સમાવેશ થાય છે. બીજી તરફ, ઓએનજીસી (ONGC) અને સેઈલ (SAIL) સહિતના ૯૪ શેરોએ આ નબળા માહોલમાં પણ ૫૨ સપ્તાહની ઊંચી સપાટી બનાવી હતી.
ટોપ ગેઈનર્સ અને લુઝર્સ
સેન્સેક્સમાં માત્ર ત્રણ શેરો — BEL (૨.૦૯%), સન ફાર્મા અને ITC — વધારા સાથે બંધ રહ્યા હતા. જ્યારે ઈન્ડિગો (૬.૨૫%), લાર્સન એન્ડ ટુબ્રો (૫%) અને અદાણી પોર્ટ્સ (૩.૩૩%) ટોપ લુઝર્સ રહ્યા હતા. ક્રીધન ઈન્ફ્રા જેવી ૨૦ જેટલી કંપનીઓના શેરમાં ૧૫% થી વધુનો કડાકો જોવા મળ્યો હતો.
નિષ્ણાતોનો મત અને આગામી આગાહી
જીઓજીત ઇન્વેસ્ટમેન્ટ્સના રિસર્ચ હેડ વિનોદ નાયરના જણાવ્યા મુજબ, "મધ્ય પૂર્વમાં વધતા ભૌગોલિક તણાવ અને ઈરાનના સુપ્રીમ લીડરના મોત બાદ સ્થિતિ વધુ વણસવાની ચિંતાએ વૈશ્વિક બજારોને હચમચાવી દીધા છે. ક્રૂડ ઓઈલના વધતા ભાવ અને નબળો રૂપિયો ભારત માટે ફિસ્કલ ખાધ અને મોંઘવારીમાં વધારો કરી શકે છે."
કોટક સિક્યોરિટીઝના ઇક્વિટી રિસર્ચ હેડ શ્રીકાંત ચૌહાણે જણાવ્યું હતું કે, માર્કેટ હાલ 'ઓવરસોલ્ડ' ઝોનમાં છે, તેથી ટેકનિકલ બાઉન્સ-બેકની શક્યતા છે. ટ્રેડર્સ માટે ૨૪,૭૫૦ નિફ્ટીમાં મહત્વનું સપોર્ટ લેવલ છે. જો બજાર આ સ્તરની નીચે જશે તો ૨૪,૬૫૦ થી ૨૪,૫૦૦ સુધી સરકી શકે છે.

(4:47 PM IST)