News of Monday, 2nd March 2026
ખાડી દેશોમાં 'મોત'નો સાયો: ઈરાનના વળતા પ્રહારથી 2.4 કરોડ સ્થળાંતરિત કામદારોના જીવ જોખમમાં, તેલ અવીવમાં ફિલિપાઈન્સની મહિલાનું મોત અને અનેક ઘાયલ!
90 લાખ ભારતીય શ્રમિકોની સુરક્ષા માટે PM મોદી એક્શનમાં: UAE ના રાષ્ટ્રપતિ સાથે કરી ખાસ વાતચીત, મિસાઈલોના પ્રચંડ ધડાકા વચ્ચે કામદારોને આશ્રય લેવા આદેશ

દુબઈ: મધ્ય પૂર્વમાં અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે છેડાયેલા યુદ્ધની સૌથી ભયાનક અસર ત્યાં વસતા નિર્દોષ શ્રમિકો પર પડી રહી છે. જે હાથોએ દુબઈ, કતાર અને સાઉદીના આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને આકાર આપ્યો છે, આજે એ જ હાથો આકાશમાંથી વરસતી મિસાઈલો સામે રક્ષણ માટે આજીજી કરી રહ્યા છે. ઈરાન દ્વારા કરવામાં આવેલા વળતા હુમલાને કારણે ખાડી દેશોમાં વસતા અંદાજે 2.4 કરોડ સ્થળાંતરિત કામદારો અત્યારે 'ડેન્જર ઝોન' માં છે.
પીએમ મોદીની ચિંતા: "ભારતીય સમુદાયની કાળજી લેજો"
ગલ્ફ દેશોમાં અંદાજે 90 લાખ ભારતીય કામદારો છે, જેઓ ત્યાંના અર્થતંત્રની કરોડરજ્જુ ગણાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મામલે ગંભીરતા દાખવતા UAE ના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. પીએમ મોદીએ ભારતીય સમુદાયની સુરક્ષા અને સુખાકારી સુનિશ્ચિત કરવા અપીલ કરી છે. ભારત સરકારે તમામ વિભાગોને આદેશ આપ્યો છે કે ફસાયેલા ભારતીયોને વતન લાવવા કે મદદ પહોંચાડવા માટે યુદ્ધના ધોરણે તૈયારીઓ રાખવામાં આવે.
યુદ્ધનો ભોગ બન્યા નિર્દોષ શ્રમિકો
આ સંઘર્ષ હવે માત્ર નિવેદનો પૂરતો નથી રહ્યો, પરંતુ જાનહાનિના સમાચારો પણ સામે આવી રહ્યા છે:
• તેલ અવીવ: બોમ્બ શેલ્ટર તરફ ભાગતી વખતે શ્રાપનલ (મિસાઈલનો ટુકડો) વાગવાથી ફિલિપાઈન્સની મેરી એન નામની મહિલાનું મોત થયું છે.
• UAE: પાકિસ્તાન, નેપાળ અને બાંગ્લાદેશના કુલ ત્રણ લોકોના મોતની સત્તાવાર પુષ્ટિ થઈ છે.
• કુવૈત: વધુ એક ફિલિપિનો કામદાર હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયો છે.
"ત્રણ દિવસથી ઊંઘી નથી શક્યા"
કતારમાં રહેતી 34 વર્ષીય રિટેલ કામદાર ક્રિસ પેગ્લિકાવાને પોતાની આપવીતી જણાવતા કહ્યું કે, "મારા 11 વર્ષના રોકાણમાં પહેલીવાર આવો ભયંકર માહોલ જોયો છે. મિસાઈલોને અટકાવવાનો (ઈન્ટરસેપ્શન) અવાજ એટલો જોરદાર હોય છે કે છેલ્લા ત્રણ દિવસથી અમે ઊંઘી શક્યા નથી. મારા ઘરથી થોડાક જ કિલોમીટર દૂર મિસાઈલનો કાટમાળ પડ્યો છે." હાલમાં તમામ મોલ અને દુકાનો બંધ છે અને લોકો ઘરોમાં કેદ છે.
સ્થળાંતર એ 'વિનાશક' નિર્ણય સાબિત થઈ શકે
ફિલિપાઈન્સ જેવી સરકારો પોતાના 24 લાખ નાગરિકોને પરત બોલાવવાની યોજના બનાવી રહી છે, પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે જો આટલા મોટા પાયે કામદારો દેશ છોડશે, તો ખાડી દેશોની આરોગ્ય અને સેવા ક્ષમતા 50% સુધી તૂટી પડશે. આર્થિક દ્રષ્ટિએ આ નિર્ણય બંને પક્ષો માટે નુકસાનકારક હોઈ શકે છે.
મધ્ય પૂર્વના દેશોમાં 40% શ્રમબળ બહારના દેશોનું છે. જો આ યુદ્ધ લાંબુ ચાલશે તો માત્ર માનવતાવાદી સંકટ જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે સેવાઓ પણ ખોરવાઈ જશે.
(7:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
