News of Monday, 2nd March 2026
લગ્ન પહેલા ગર્ભવતી થવું એ ભારતીય માતા-પિતા માટે ‘દુઃસ્વપ્ન’ સમાન, પરંતુ તેના કારણે દીકરીની હત્યા કરવી એ જધન્ય અપરાધ
કોર્ટે સામાજિક મર્યાદા અને કાયદાકીય સજા વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરતા દંપતીની અપીલ ફગાવી : અલ્હાબાદ હાઈકોર્ટે માતા-પિતાની આજીવન કેદની સજા યથાવત રાખી

પ્રયાગરાજ : ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં ૨૦૧૪માં બનેલી એક હૃદયદ્રાવક ઘટનામાં અલ્હાબાદ હાઈકોર્ટે સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. જસ્ટિસ જે.જે. મુનીર અને વિનય કુમાર દ્વિવેદીની બેન્ચે પોતાની ૧૫ વર્ષની સગીર પુત્રી અને ૨૮ વર્ષીય ભાડૂઆતની હત્યા કરનાર દંપતીની આજીવન કેદની સજાને માન્ય રાખી છે. કોર્ટે નોંધ્યું હતું કે, જ્યારે ૧૯ ઓગસ્ટ ૨૦૧૪ના રોજ માતા-પિતાને જાણ થઈ કે તેમની સગીર દીકરી ૨૫ અઠવાડિયાનો ગર્ભ ધરાવે છે, ત્યારે સમાજમાં લાગતી 'શરમ' અને 'બદનામી'ના ડરથી તેઓ હિંસક બની ગયા હતા. આ આક્રોશમાં તેમણે દીકરી અને તેના પ્રેમી ગણાતા ભાડૂઆત પ્રદીપ કુમારની ગળું દબાવીને કરપીણ હત્યા કરી નાખી હતી.
કોર્ટે પોતાના ૩૩ પાનાના આદેશમાં ભારતીય સમાજની માનસિકતા પર ગંભીર ટિપ્પણી કરતા જણાવ્યું કે, લગ્ન વિના પુત્રીનું ગર્ભવતી થવું એ કોઈપણ સરેરાશ ભારતીય પરિવાર માટે એક ભયાનક સ્વપ્ન જેવું હોય છે. આવા કિસ્સાઓમાં લોકો ઘણીવાર અનિયંત્રિત થઈને આત્યંતિક પગલાં ભરે છે. જોકે, કોર્ટે સ્પષ્ટ કર્યું કે શિક્ષિત વર્ગ કદાચ આ પરિસ્થિતિને અલગ રીતે સંભાળી શકે, પરંતુ સામાન્ય વર્ગમાં આવી હિંસક પ્રતિક્રિયાઓ 'ઓનર કિલિંગ'નું સ્વરૂપ લેતી હોય છે. બચાવ પક્ષે આ ઘટનાને સામૂહિક આત્મહત્યા ગણાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મેડિકલ પુરાવાઓએ સાબિત કર્યું કે ગળું દબાવીને આત્મહત્યા કરવી તબીબી રીતે લગભગ અશક્ય છે, જે આને સ્પષ્ટપણે હત્યાનો કેસ બનાવે છે.
આ કેસમાં સૌથી મજબૂત પુરાવો એ હતો કે હત્યા દંપતીના પોતાના ઘરમાં જ થઈ હતી. ભારતીય પુરાવા અધિનિયમની કલમ ૧૦૬ મુજબ, જ્યારે કોઈ ગુનો ઘરની અંદર બને, ત્યારે ત્યાં રહેતા સભ્યોએ સાબિત કરવું પડે છે કે તે ઘટના કેવી રીતે બની. માતા-પિતા આ ખુલાસો કરવામાં નિષ્ફળ રહ્યા હતા. હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના ૨૦૨૦ના ચુકાદાને યોગ્ય ઠેરવતા કહ્યું કે, લોહીના સંબંધો હોવા છતાં પણ જ્યારે સામાજિક પ્રતિષ્ઠાનો પ્રશ્ન આવે ત્યારે અમુક વ્યક્તિઓ 'વિચલિત' વર્તન કરીને આવા ગંભીર ગુના આચરે છે. આ ચુકાદો એ સ્પષ્ટ સંદેશ આપે છે કે સામાજિક પ્રતિષ્ઠાના નામે કાયદો હાથમાં લેનારને ક્યારેય માફી મળી શકે નહીં.
(7:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
