<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd March 2026

માત્ર ‘વ્યવસાય’ના નામે સંબોધવું એ જ્ઞાતિસૂચક ગુનો નથી: SC/ST એક્ટ પર હાઈકોર્ટનો મોટો ફેંસલો

અપમાન કરવાનો ઈરાદો હોય તો જ એટ્રોસિટી એક્ટ લાગુ પડે: ધોબીકામ કરતી મહિલાને તેના વ્યવસાયના નામે બોલાવવાના કેસમાં અદાલતે કડક વલણ અપનાવીને વધારાની કલમો રદ કરી

પ્રયાગરાજ  : કાયદાના દુરુપયોગ અને શબ્દોના અર્થઘટન પર અલ્હાબાદ હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ સ્પષ્ટતા કરી છે. જસ્ટિસ અનિલ કુમાર-IX ની બેન્ચે ઠરાવ્યું છે કે જો કોઈ વ્યક્તિને તેના વ્યવસાયના નામથી સંબોધવામાં આવે, તો તે આપમેળે SC/ST એક્ટ હેઠળ ગુનો બનતો નથી. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, કોઈને તેના કામ અથવા વ્યવસાય દ્વારા બોલાવવો અને તેને જાતિગત રીતે અપમાનિત કરવો, એ બંને વચ્ચે પાતળી પણ મહત્વની રેખા છે. જ્યાં સુધી અપમાન કરવાનો સ્પષ્ટ ઈરાદો સાબિત ન થાય, ત્યાં સુધી એટ્રોસિટીની કલમો હેઠળ કાર્યવાહી કરવી ન્યાયસંગત નથી.

આ વિવાદ ગૌતમ બુદ્ધ નગરનો છે, જ્યાં લોન્ડ્રીનું કામ કરતી એક મહિલાએ તેના માલિક પાસે બાકી વેતનની માંગણી કરી હતી. વિવાદ દરમિયાન મહિલાએ આરોપ લગાવ્યો હતો કે તેને રસ્તા પર રોકીને જાતિવાદી અપશબ્દો બોલવામાં આવ્યા હતા અને 'ધોબી' કહીને સંબોધવામાં આવી હતી. હાઈકોર્ટે કેસની વિગતો તપાસતા નોંધ્યું કે બંને પક્ષો વચ્ચે વ્યવસાયિક કરાર હતો. કોર્ટે અવલોકન કર્યું કે વેતનની ઉઘરાણી સમયે થયેલી બોલાચાલીમાં વ્યવસાયનું નામ લેવું એ હંમેશા જાતિવાદી અપમાન નથી હોતું, ખાસ કરીને જ્યારે તે વ્યક્તિ ખરેખર તે જ વ્યવસાય સાથે જોડાયેલી હોય.

અદાલતે આ કેસમાં નીચલી અદાલત દ્વારા જારી કરાયેલા સમન્સમાં આંશિક સુધારો કર્યો છે. હાઈકોર્ટે SC/ST એક્ટની કલમ 3(1)(d) અને 3(1)(s) હેઠળની કાર્યવાહી રદ કરી દીધી છે, જોકે મારપીટ અને ધમકી (IPC 323, 504, 506) સંબંધિત કેસ ચાલુ રાખવા આદેશ આપ્યો છે. આ ચુકાદો એવા સમયે આવ્યો છે જ્યારે એટ્રોસિટી એક્ટના ખોટા ઉપયોગ અંગે અવારનવાર ચર્ચાઓ થતી રહે છે. અદાલતે સાફ કર્યું કે કાયદો પીડિતોના રક્ષણ માટે છે, પરંતુ તેનો ઉપયોગ વ્યવસાયિક વિવાદોમાં હથિયાર તરીકે ન થવો જોઈએ.

(7:11 PM IST)