<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd March 2026

ઈરાન મુદ્દે વિપક્ષના સવાલો: શું અખિલેશ અને ખડગે ઈન્દિરા ગાંધી સાથે થયેલો એ 'વિશ્વાસઘાત' ભૂલી ગયા?

વોટબેંકની રાજનીતિમાં વિદેશ નીતિને જોતા નેતાઓને ઈતિહાસનો અરીસો : ૧૯૭૧ના યુદ્ધમાં જ્યારે ભારત અસ્તિત્વની લડાઈ લડતું હતું ત્યારે ઈરાને પાકિસ્તાની ફાઈટર જેટ્સને શરણ આપી ભારત વિરુદ્ધ દારૂગોળો પૂરો પાડ્યો હતો

નવી દિલ્હી:  મધ્ય પૂર્વમાં ફાટી નીકળેલા મહાયુદ્ધની જ્વાળાઓ વચ્ચે ભારતમાં રાજકીય ગરમાવો તેજ થયો છે. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને સપા નેતા અખિલેશ યાદવ જે રીતે ઈરાન સાથેની મૈત્રીના નામે સરકાર પર નિશાન સાધી રહ્યા છે, તે જોતા લાગે છે કે તેઓ કદાચ કોંગ્રેસના પોતાના આર્કાઈવ્ઝ ઉકેલવાનું ભૂલી ગયા છે. ઈતિહાસ સાક્ષી છે કે જ્યારે ઈન્દિરા ગાંધીના નેતૃત્વમાં ભારત ૧૯૭૧માં બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામ લડી રહ્યું હતું, ત્યારે આ જ ઈરાને ભારતની પીઠમાં ખંજર ભોંક્યું હતું. તત્કાલીન શાસક શાહ પહલવીએ પાકિસ્તાનને માત્ર લશ્કરી સાધનો જ નહીં, પણ ભારતીય વાયુસેનાના હુમલાથી બચવા માટે પાકિસ્તાની વિમાનોને પોતાના એરબેઝ પર સુરક્ષિત આશ્રય પણ આપ્યો હતો.

આ વિશ્વાસઘાતની પરંપરા માત્ર ૧૯૭૧ પૂરતી મર્યાદિત નહોતી. ૧૯૬૫ના યુદ્ધમાં પણ ઈરાને પાકિસ્તાનને મફત ક્રૂડ ઓઈલ અને શસ્ત્રોની લ્હાણી કરી હતી. ૧૯૭૯ની ઇસ્લામિક ક્રાંતિ બાદ જ્યારે આયાતુલ્લા ખોમેની સત્તામાં આવ્યા, ત્યારે આશા હતી કે સંબંધો સુધરશે, પરંતુ તેના બદલે ઈરાને કાશ્મીર મુદ્દે ભારત વિરુદ્ધ ઝેર ઓકવાનું શરૂ કર્યું. ખોમેનીએ કાશ્મીરની તુલના પેલેસ્ટાઈન સાથે કરીને ભારતના આંતરિક મામલામાં દખલગીરી કરી હતી. ઈન્દિરા ગાંધીએ આ આંતરરાષ્ટ્રીય મંચો પર ભારત વિરુદ્ધ થતા પ્રચારનો હંમેશા સખત વિરોધ કર્યો હતો, છતાં આજે તેમના જ પક્ષના નેતાઓ તે કડવા સત્યોને વિસરીને રાજદ્વારી સલાહ આપી રહ્યા છે.

વિદેશ નીતિ ક્યારેય ભાવનાત્મકતા કે સ્થાનિક વોટબેંકના આધારે નક્કી થતી નથી, તે રાષ્ટ્રીય હિતના પાયા પર ટકેલી હોય છે. OIC (ઈસ્લામિક સહકાર સંગઠન) માં ઈરાને હંમેશા પાકિસ્તાનના ભારત વિરોધી ઠરાવોને ટેકો આપ્યો છે, જે બાબત ઈન્દિરા ગાંધી માટે હંમેશા ચિંતાનો વિષય રહી હતી. આજે જ્યારે વિપક્ષી નેતાઓ ઈરાન સાથેની 'જૂની મૈત્રી'ના ગુણગાન ગાય છે, ત્યારે તેમણે એ સમજવાની જરૂર છે કે ઈરાને કટોકટીના સમયે ક્યારેય ભારતનો સાથ આપ્યો નથી. વર્તમાન સરકારની વિદેશ નીતિ એ જ ઐતિહાસિક અનુભવો અને દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઘડવામાં આવી છે, જે વોટબેંકના ચશ્માથી જોનારાઓને કદાચ સમજાય તેમ નથી.

(7:09 PM IST)