News of Monday, 2nd March 2026
ભારત-કેનેડા વચ્ચે 'મેગા ડીલ': 8 વર્ષનો વનવાસ 2 દિવસમાં ખતમ : કેનેડાએ ભારત માટે તિજોરી ખોલી!
પીએમ મોદી અને માર્ક કાર્નેની મુલાકાતે બદલ્યું ભૂરાજકીય સમીકરણ: યુરેનિયમ, લિથિયમ અને AI ક્ષેત્રે થયેલા કરારોથી ભારત બનશે ગ્લોબલ પાવરહાઉસ : વિદ્યાર્થીઓ માટે પણ ખુલ્યા જેકપોટ દરવાજા

નવી દિલ્હી: ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી કડવાશ હવે ઈતિહાસ બની ગઈ હોય તેવું લાગે છે. કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નેની ભારત મુલાકાતે માત્ર બે જ દિવસમાં એ કરી બતાવ્યું છે જે છેલ્લા આઠ વર્ષમાં શક્ય નહોતું થયું. વિદેશ મંત્રાલયના સચિવ પી. કુમારને આને "ઐતિહાસિક વળાંક" ગણાવતા કહ્યું કે કેનેડાએ હવે ભારતની 6 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા પર દાવ લગાવ્યો છે. આ મુલાકાત દરમિયાન ભારતને પરમાણુ ઉર્જા માટે જરૂરી યુરેનિયમનો અવિરત પુરવઠો પૂરો પાડવા માટે 'કેમકો' કંપની સાથે લાંબાગાળાના કરાર કરવામાં આવ્યા છે, જે ભારતના 2047 સુધીના 100 GW પરમાણુ ઉર્જાના લક્ષ્યને સાકાર કરશે.
આ ભાગીદારી માત્ર ઉર્જા પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેમાં ટેકનોલોજી અને ભવિષ્યના ઉદ્યોગોનો પણ સમાવેશ થાય છે. વડાપ્રધાન મોદીએ 'AI કમ્પ્યુટ કોરિડોર' અને 'ઇનોવેશન સેન્ડબોક્સ'ની જાહેરાત કરીને સ્પષ્ટ કર્યું છે કે બંને દેશો હવે સ્ટાર્ટ-અપ્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં સાથે મળીને વિશ્વનું નેતૃત્વ કરશે. ખાસ કરીને ઇલેક્ટ્રિક વાહનોની બેટરી માટે જરૂરી એવા 'ક્રિટિકલ મિનરલ્સ' (મહત્વપૂર્ણ ખનિજો) પર થયેલી ડીલ ભારતની ઓટોમોબાઈલ ક્રાંતિ માટે ગેમ-ચેન્જર સાબિત થશે. આ સાથે ભારત, કેનેડા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના ત્રિકોણીય સમજૂતી કરારે ચીન જેવા દેશોના એકાધિકારને તોડવા માટે મજબૂત પાયો નાખ્યો છે.
શિક્ષણ અને રોજગારના ક્ષેત્રમાં પણ કેનેડાએ ભારતીય યુવાનો માટે લાલ જાજમ બિછાવી છે. નવી જાહેરાત મુજબ, દર વર્ષે 300 ભારતીય વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને એન્જિનિયરિંગમાં 12 અઠવાડિયાની સંપૂર્ણ ભંડોળવાળી ઇન્ટર્નશિપ મળશે. આ ઉપરાંત, કૃષિ અને ફૂડ પ્રોસેસિંગમાં 'પલ્સ પ્રોટીન સેન્ટર ઓફ એક્સેલન્સ'ની સ્થાપના કરવામાં આવશે, જે ભારતના ખેડૂતો અને ખાદ્ય ઉદ્યોગને વૈશ્વિક સ્તરે પહોંચાડશે. સંરક્ષણ સંવાદ અને સંસદીય મિત્રતા જૂથની સ્થાપના સાથે હવે બંને દેશો માત્ર વેપારી ભાગીદાર જ નહીં, પરંતુ વ્યૂહાત્મક સાથીદાર તરીકે વિશ્વ મંચ પર ઉભરી આવ્યા છે.
(7:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
