<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd March 2026

બંગાળના સરકારી કર્મચારીઓ માટે અમિતભાઈ શાહનું મોટું એલાન: "ભાજપ સત્તામાં આવશે તો મળશે 7માં પગાર પંચનો લાભ અને વર્ષના અંત સુધીમાં તમામ ખાલી જગ્યાઓ ભરાશે"

મમતા સરકાર પર કેન્દ્રીય ગૃહમંત્રીનો સીધો પ્રહાર: "દીદીએ સુપ્રીમ કોર્ટના આદેશને ફગાવી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું રોક્યું, અમે આપીશું હક"; બેરોજગારી મુદ્દે ટીએમસી (TMC) ની 'પૈસાની રાજનીતિ' પર વરસ્યા શાહ

કોલકાતા: પશ્ચિમ બંગાળના ચૂંટણી જંગમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે આજે એક મોટો માસ્ટરસ્ટ્રોક ખેલ્યો છે. પોતાની 'પરિવર્તન યાત્રા' રેલી દરમિયાન શાહે રાજ્યના લાખો સરકારી કર્મચારીઓ અને યુવાનોને રીઝવવા માટે મોટી જાહેરાતોનો પિટારો ખોલ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે જો બંગાળમાં ભાજપની સરકાર બનશે, તો રાજ્યના કર્મચારીઓને કેન્દ્રના સમાન ૭માં પગાર પંચ (7th Pay Commission) મુજબ વેતન અને અન્ય લાભો આપવામાં આવશે.
કર્મચારીઓના 'હક' માટેની લડાઈ
અમિતભાઈ શાહે મમતા બેનર્જી સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, તૃણમૂલ કોંગ્રેસની સરકાર રાજ્યના કર્મચારીઓને તેમનું બાકી મોંઘવારી ભથ્થું (DA) ચૂકવવાના સુપ્રીમ કોર્ટના ચુકાદાને પણ અવગણી રહી છે. તેમણે ખાતરી આપી કે ભાજપ સત્તામાં આવતાની સાથે જ સરકારી કર્મચારીઓની વર્ષો જૂની આકાંક્ષાઓ પૂર્ણ કરશે અને પારદર્શક વહીવટ પૂરો પાડશે.
ડિસેમ્બર સુધીમાં 'સરકારી નોકરીઓ'નો સંકલ્પ
રાજ્યમાં વધી રહેલી બેરોજગારીના મુદ્દે મમતા સરકારને ઘેરતા અમિતભાઈ શાહે જાહેરાત કરી કે, "પશ્ચિમ બંગાળ સરકાર હેઠળની તમામ ખાલી પડેલી અને રદ કરવામાં આવેલી જગ્યાઓ આ જ વર્ષના ડિસેમ્બર સુધીમાં ભરી દેવામાં આવશે." તેમણે ઉમેર્યું કે યુવાનોને માત્ર કામચલાઉ રાહત કે ભથ્થાંની જરૂર નથી, પરંતુ વાસ્તવિક અને કાયમી નોકરીઓની જરૂર છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી માત્ર પૈસાની રાજનીતિ કરીને યુવાનોનું ભવિષ્ય બગાડી રહ્યા હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.
પારદર્શક ભરતી અને તકોનો વાયદો
શાહે ભારપૂર્વક જણાવ્યું કે બંગાળના યુવાનો અત્યંત પ્રતિભાશાળી છે, પરંતુ તેમને તકો અને પારદર્શક ભરતી પ્રક્રિયા મળી રહી નથી. ભાજપ બંગાળમાં ભ્રષ્ટાચાર મુક્ત ભરતી પ્રક્રિયા શરૂ કરશે જેથી લાયક યુવાનોને તેમનો હક મળી શકે. અમિતભાઈ શાહની આ જાહેરાતો બાદ બંગાળના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો છે અને આગામી ચૂંટણીઓમાં આ મુદ્દો નિર્ણાયક સાબિત થઈ શકે છે.

(7:23 PM IST)