<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd March 2026

ઈઝરાયેલનો લેબનોન અને ઈરાન પર પ્રચંડ પ્રહાર: હિઝબુલ્લાહના ઈન્ટેલિજન્સ ચીફ હુસૈન મૌકલ્લદનો ખાતમો, ખમેનેઈ બાદ તેમના પત્નીનું પણ મોત

બેરૂતમાં ઈઝરાયેલના સચોટ હુમલામાં હિઝબુલ્લાહનું જાસૂસી તંત્ર વેરવિખેર; અમેરિકા-ઈઝરાયેલના સંયુક્ત એરસ્ટ્રાઈકમાં ઈરાનના પૂર્વ સુપ્રીમ લીડર અલી ખમેનેઈના પત્ની મન્સૂરેહ ખોજસ્તેહે પણ દમ તોડ્યો, ખમેનેઈ પરિવારની ત્રણ પેઢીઓનો સફાયો

તેલ અવીવ:મધ્ય પૂર્વમાં ચાલી રહેલા વિનાશક યુદ્ધમાં ઈઝરાયેલે રવિવાર અને સોમવાર દરમિયાન અનેક મોરચે આક્રમક કાર્યવાહી કરીને હિઝબુલ્લાહ અને ઈરાનના નેતૃત્વને મોટો આંચકો આપ્યો છે. ઈઝરાયેલી સંરક્ષણ દળોએ (IDF) સત્તાવાર પુષ્ટિ કરી છે કે બેરૂતમાં કરવામાં આવેલા અત્યંત સચોટ ઓપરેશનમાં હિઝબુલ્લાહના ઈન્ટેલિજન્સ હેડક્વાર્ટરના વડા હુસૈન મૌકલ્લદને ઠાર કરવામાં આવ્યો છે. આ સાથે જ, ઈરાનના દિવંગત સુપ્રીમ લીડર અલી ખમેનેઈના પત્ની મન્સૂરેહ ખોજસ્તેહ બાઘેરઝાદેહનું પણ એરસ્ટ્રાઈક દરમિયાન લાગેલી ઈજાઓ બાદ મોત નીપજ્યું છે.

હિઝબુલ્લાહ અને ઈરાની કમાન્ડ સેન્ટરો પર મિસાઈલ મારો:
IDF દ્વારા જારી કરાયેલા નિવેદન મુજબ, લેબનોન તરફથી ઈઝરાયેલ પર કરવામાં આવેલા રોકેટ હુમલાના જવાબમાં બેરૂતમાં હિઝબુલ્લાહના વરિષ્ઠ આતંકવાદીઓ અને ઈરાની શાસનના ડઝનબંધ કમાન્ડ સેન્ટરોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ હુમલામાં હિઝબુલ્લાહના જાસૂસી વડા મૌકલ્લદનો ખાતમો બોલાવવામાં આવ્યો છે. આ ઉપરાંત, દક્ષિણ લેબનોનના ટાયર (Tyre) શહેર નજીક હિઝબુલ્લાહના હથિયાર સ્ટોરેજ પર પણ પ્રચંડ હુમલો કરવામાં આવ્યો હતો. ઈઝરાયેલે સ્પષ્ટ કર્યું છે કે તેઓ કોઈપણ મોરચે ઉભા થનારા જોખમનો સામનો કરવા માટે સજ્જ છે.

ખમેનેઈ પરિવાર પર આભ તૂટ્યું: પત્ની સહિત ત્રણ પેઢીઓનો સફાયો
ઈરાનથી મળતા અહેવાલો મુજબ, રવિવારે (૧ માર્ચ) ઈરાની મીડિયાએ પુષ્ટિ કરી હતી કે સુપ્રીમ લીડર અલી ખમેનેઈ અમેરિકા અને ઈઝરાયેલના સંયુક્ત હુમલામાં માર્યા ગયા છે. હવે સોમવારે ખમેનેઈના પત્ની મન્સૂરેહ ખોજસ્તેહના મોતના સમાચાર સામે આવ્યા છે. ૧૯૬૪માં ખમેનેઈ સાથે લગ્ન કરનાર મન્સૂરેહ વર્ષો સુધી પડદા પાછળ રહીને ખમેનેઈના રાજકીય સંઘર્ષમાં સાથી રહ્યા હતા. આ હુમલામાં ખમેનેઈના સંતાનો પૈકી એક પુત્રી, પૌત્ર-પૌત્રીઓ, પુત્રવધૂ અને જમાઈ સહિત પરિવારની ત્રણ પેઢીઓએ જીવ ગુમાવ્યો હોવાનું મનાય છે. ખમેનેઈના પુત્રો મોસ્તફા, મોજતબા, મસૂદ અને મેયસમ તેમજ પુત્રીઓ બૌશરા અને હોદામાંથી અનેક સભ્યો આ હુમલાનો શિકાર બન્યા છે.

લેબનોનના વડાપ્રધાનનો હિઝબુલ્લાહ પર પ્રહાર:
બીજી તરફ, લેબનોનના વડાપ્રધાન નવાફ સલામે હિઝબુલ્લાહની સૈન્ય પ્રવૃત્તિઓને 'ગેરકાયદેસર કૃત્ય' ગણાવીને સખત શબ્દોમાં નિંદા કરી છે. તેમણે હિઝબુલ્લાહને રાજ્ય સત્તા સમક્ષ હથિયારો હેઠા મૂકવા હાકલ કરી છે અને ભારપૂર્વક જણાવ્યું છે કે રાજ્યની સત્તા બહારની કોઈપણ લશ્કરી કાર્યવાહી અસ્વીકાર્ય છે. સલામે સંકેત આપ્યો છે કે બેરૂત આંતરરાષ્ટ્રીય ભાગીદારોના સમર્થન સાથે ઈઝરાયેલ સાથે ફરીથી મંત્રણા શરૂ કરવા માટે તૈયાર છે અને ૨૦૨૪ના યુદ્ધવિરામ કરારનું પાલન કરવા કટિબદ્ધ છે.

બેરૂતમાં ઈવેક્યુએશન એલર્ટ અને ભયનો માહોલ:
ઈઝરાયેલી સૈન્યએ દક્ષિણ બેરૂતના ઉપનગર બુર્જ અલ-બરાજનેહના રહેવાસીઓ માટે ખાલી કરાવવાની ચેતવણી જારી કરી છે. લેફ્ટનન્ટ કર્નલ એલ્લા વાવેયાએ સોશિયલ મીડિયા દ્વારા નાગરિકોને હિઝબુલ્લાહ સાથે જોડાયેલી ઇમારતોથી ઓછામાં ઓછા ૩૦૦ મીટર દૂર જવા તાકીદ કરી છે, કારણ કે ઈઝરાયેલ ટૂંક સમયમાં ત્યાં ભીષણ સૈન્ય કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. મધ્ય પૂર્વમાં વધતા જતા આ સંઘર્ષે હવે વૈશ્વિક સ્તરે ચિંતા જન્માવી છે.

(9:05 PM IST)