News of Monday, 2nd March 2026
પ્રચંડ યુદ્ધ વચ્ચે પીએમ મોદીના ‘ફોન કોલ્સ’ થી ગલ્ફ દેશોમાં હલચલ : ભારતની શાંતિ માટે મોટી પહેલ
અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન વચ્ચેના ભીષણ જંગમાં ભારત બન્યું શાંતિનું દૂત : લાખો ભારતીયોની સુરક્ષા અને પ્રાદેશિક સ્થિરતા માટે દિલ્હીમાં હાઈ-લેવલ CCS બેઠક યોજાઈ

નવી દિલ્હી: મધ્ય પૂર્વમાં જ્યારે મિસાઇલો અને વિસ્ફોટોનો અવાજ ગુંજી રહ્યો છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ શાંતિ માટેની કમાન પોતાના હાથમાં લીધી છે. પશ્ચિમ એશિયામાં વધી રહેલા ભયંકર તણાવ વચ્ચે પીએમ મોદીએ આજે બહેરીનના રાજા હમાદ બિન ઇસા અલ ખલીફા અને સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન (MBS) સાથે ટેલિફોનિક મંત્રણા કરી હતી. ઇરાન દ્વારા ઇઝરાયલ અને ગલ્ફ દેશો પર કરવામાં આવેલા હુમલાઓની સખત નિંદા કરવાની સાથે, ભારતે આ મુશ્કેલ સમયમાં તમામ મિત્ર દેશો સાથે એકતા જાહેર કરી છે. આ વાતચીતનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર રાજદ્વારી જ નહીં, પણ ગલ્ફ દેશોમાં વસતા લાખો ભારતીય સમુદાયના લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો પણ હતો.
વિશ્વ યુદ્ધ જેવી સર્જાયેલી આ પરિસ્થિતિને જોતા પીએમ મોદીએ રવિવારે રાત્રે પોતાના નિવાસસ્થાને સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિ (CCS) ની ત્રણ કલાક લાંબી મેરેથોન બેઠક યોજી હતી. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે મળીને ઇરાન-ઇઝરાયલ સંઘર્ષની ભારત પર થનારી અસરની સમીક્ષા કરવામાં આવી હતી. આયાતુલ્લાહ ખામેનીના મૃત્યુ બાદ સર્જાયેલી સત્તાની શૂન્યતા અને યુદ્ધના આક્રમક વલણને જોતા ભારત સતત UAE ના રાષ્ટ્રપતિ અને ઇઝરાયલી પીએમ નેતન્યાહૂના સંપર્કમાં છે. પીએમ મોદીએ સ્પષ્ટ કર્યું છે કે ભારત પ્રાદેશિક શાંતિ અને સુરક્ષાના પક્ષમાં છે અને હિંસાનો વહેલી તકે અંત આવવો જોઈએ.
ભારતની આ રાજદ્વારી દોડધામ પાછળ આર્થિક અને માનવીય કારણો પણ રહેલા છે. ગલ્ફ દેશોમાં અંદાજે 90 લાખથી વધુ ભારતીયો વસે છે, જેમની સુરક્ષા ભારતની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. વડાપ્રધાને UAE ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનનો આભાર માનતા કહ્યું કે, મુશ્કેલ પરિસ્થિતિમાં પણ ભારત અને આરબ દેશો વચ્ચેનો અતૂટ વિશ્વાસ યથાવત છે. ભારત હવે એક એવા મધ્યસ્થી તરીકે ઉભરી રહ્યું છે જે પશ્ચિમી દેશો અને ગલ્ફ રાષ્ટ્રો વચ્ચે સેતુનું કામ કરી શકે છે. આગામી દિવસોમાં જો તણાવ ઘટતો નથી, તો ભારત વધુ કડક વૈશ્વિક વલણ અપનાવી શકે છે તેવા સંકેતો CCS બેઠકમાંથી મળી રહ્યા છે.
(9:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
