News of Monday, 2nd March 2026
બંગાળમાં અમિત શાહની 'હુંકાર': "ગુંડાઓને ઊંધા લટકાવીશું" : ઘૂસણખોરોને વીણી-વીણીને બહાર કાઢવાનો લલકાર
મથુરાપુરથી પરિવર્તન યાત્રાનો પ્રારંભ કરતા ગૃહમંત્રીએ મમતા અને અભિષેક બેનર્જી પર કર્યા સીધા પ્રહારો : મદરેસા ફંડિંગ અને ભ્રષ્ટાચાર મુદ્દે સરકારને ઘેરી

મથુરાપુર : પશ્ચિમ બંગાળની ધરતી પરથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મમતા બેનર્જીની સરકાર સામે સીધું યુદ્ધ છેડી દીધું છે. મથુરાપુર ખાતે આયોજિત વિશાળ જનસભાને સંબોધતા શાહે ગર્જના કરી હતી કે, "મમતા દીદીને લાગે છે કે તેમની આક્રમકતા ભાજપને ડરાવી દેશે, પરંતુ યાદ રાખજો, બંગાળમાં ભાજપની સરકાર બનતા જ અમે ટીએમસીના ગુંડાઓને ઊંધા લટકાવીને સીધા કરી દઈશું." તેમણે સ્પષ્ટ કર્યું કે મતદાર યાદીમાંથી કોઈના નામ કાપવામાં નહીં આવે, પરંતુ ઘૂસણખોરોને પસંદગીપૂર્વક (પિક એન્ડ ચૂઝ) શોધીને બંગાળની બહાર ધકેલી દેવામાં આવશે. આ યાત્રા દ્વારા ભાજપે આગામી ચૂંટણીઓ માટે બંગાળમાં હિન્દુત્વ અને વિકાસના એજન્ડાને વધુ તેજ બનાવ્યો છે.
મમતા સરકાર પર આકરા પ્રહારો કરતા અમિત શાહે તુષ્ટિકરણની રાજનીતિ પર નિશાન સાધ્યું હતું. તેમણે બંગાળના બજેટનો ઉલ્લેખ કરતા કહ્યું કે, મમતા સરકારે વિજ્ઞાન અને ટેકનોલોજી માટે માત્ર ₹80 કરોડ ફાળવ્યા છે, જ્યારે મદરેસાઓ માટે ₹5,700 કરોડની લહાણી કરી છે. શાહે સવાલ ઉઠાવ્યો કે ટીએમસીની પ્રાથમિકતા રાજ્યના યુવાનોને રોજગારી આપવાની છે કે મદરેસાઓની સંખ્યા વધારવાની? તેમણે ભ્રષ્ટાચારના મુદ્દે પણ સરકારને આડે હાથ લેતા શિક્ષક ભરતી કૌભાંડથી લઈને ગાયની તસ્કરી સુધીના લાંબા લિસ્ટનો ઉલ્લેખ કર્યો અને દાવો કર્યો કે બંગાળ આજે ₹8 લાખ કરોડના દેવા નીચે દબાયેલું છે.
શાહે બંગાળના સરકારી કર્મચારીઓનો સાથ મેળવવા માટે એક મોટું માસ્ટરસ્ટ્રોક પણ રમ્યું છે. તેમણે કહ્યું કે જ્યારે આખા દેશમાં 7મું પગાર પંચ લાગુ છે, ત્યારે બંગાળના કર્મચારીઓ હજુ પણ 6ઠ્ઠા પગાર પંચ મુજબ પગાર મેળવી રહ્યા છે. અમિત શાહે વચન આપ્યું કે જો રાજ્યમાં ભાજપની સરકાર બનશે, તો માત્ર 45 દિવસની અંદર 7મું પગાર પંચ અમલમાં લાવી દેવામાં આવશે. મમતા બેનર્જી પર પરિવારવાદનો આરોપ લગાવતા તેમણે કહ્યું કે દીદીનો એકમાત્ર ઉદ્દેશ્ય તેમના ભત્રીજા અભિષેક બેનર્જીને મુખ્યમંત્રી બનાવવાનો છે, જ્યારે ભાજપનો ઉદ્દેશ્ય બંગાળને સોનાર બાંગ્લા બનાવવાનો છે.
(9:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
