<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd March 2026

સરહદે સંગ્રામના એંધાણ? પાકિસ્તાની રાષ્ટ્રપતિ ઝરદારીનો ભારત પર યુદ્ધની તૈયારીનો ગંભીર આરોપ

ઈસ્લામાબાદમાં સંસદના તોફાની સત્ર વચ્ચે આસિફ અલી ઝરદારીએ ભારતને અર્થપૂર્ણ વાતચીતની આપી સલાહ : અફઘાનિસ્તાન અને આતંકવાદના મુદ્દે પાકિસ્તાનની આકરી ચેતવણી સાથે પ્રાદેશિક અસ્થિરતાનો નવો અધ્યાય

ઈસ્લામાબાદ:  પાકિસ્તાનના રાજકારણમાં ફરી એકવાર ભારત વિરોધી સૂર તેજ બન્યા છે. રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ સંસદના સંયુક્ત સત્રને સંબોધતા એક અત્યંત ચોંકાવનારો દાવો કર્યો છે કે ભારત બીજા મોટા યુદ્ધની તૈયારી કરી રહ્યું છે. વિપક્ષના ભારે હોબાળા અને સૂત્રોચ્ચાર વચ્ચે ઝરદારીએ જણાવ્યું હતું કે ભારતીય નેતાઓ જે રીતે ખુલ્લેઆમ યુદ્ધની ભાષા બોલી રહ્યા છે, તે પ્રાદેશિક શાંતિ માટે જોખમી છે. તેમણે ભારતને 'વોર મોડ'માંથી બહાર આવીને ટેબલ પર બેસી 'અર્થપૂર્ણ વાતચીત' કરવા આહ્વાન કર્યું હતું, જોકે સાથે જ એવી સ્પષ્ટતા પણ કરી હતી કે પાકિસ્તાન કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા સક્ષમ છે.

માત્ર ભારત જ નહીં, પરંતુ અફઘાનિસ્તાન સાથેના વણસતા સંબંધો પર પણ ઝરદારીએ પોતાની ભીંસ વધારી છે. તેમણે આરોપ લગાવ્યો કે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) અને બલુચિસ્તાન લિબરેશન આર્મી (BLA) જેવા સંગઠનો અફઘાનિસ્તાનની ધરતી પર આશ્રય મેળવીને પાકિસ્તાન વિરુદ્ધ આતંકી ગતિવિધિઓ કરી રહ્યા છે. તેમણે ચેતવણી આપતા કહ્યું કે સરહદ પારથી થતા હુમલાઓ સહન કરવાની પાકિસ્તાનની ક્ષમતા હવે ખતમ થઈ ગઈ છે. દોહા કરારના ઉલ્લંઘનનો ઉલ્લેખ કરીને તેમણે અફઘાન નેતૃત્વને આતંકવાદીઓને રોકવા માટે આડકતરી ધમકી પણ આપી હતી.

દક્ષિણ એશિયાના આ ભભૂકતા માહોલ વચ્ચે ઈરાનનો મુદ્દો પણ કેન્દ્રસ્થાને રહ્યો હતો. ઝરદારીએ ઈરાન વિરુદ્ધની લશ્કરી કાર્યવાહીની સખત નિંદા કરી હતી અને ઈરાનની સાર્વભૌમત્વને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું. આ દરમિયાન, ગિલગિટ-બાલ્ટિસ્તાનના સ્કાર્દુમાં ઈરાનના નેતાના મૃત્યુ બાદ ફાટી નીકળેલી હિંસાને કારણે ત્રણ દિવસનો સખત કર્ફ્યુ લાદવામાં આવ્યો છે અને સેના તૈનાત કરી દેવામાં આવી છે. આમ, એક તરફ ભારત સાથે યુદ્ધનો ભય અને બીજી તરફ પડોશી દેશો સાથેનો તણાવ પાકિસ્તાનને અસ્થિરતાની ઊંડી ખીણમાં ધકેલી રહ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે.

(10:29 PM IST)