હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ટ્રમ્પનો રણટંકાર: "ઈરાન પર અત્યાર સુધીના સૌથી ભયાનક હુમલાઓ તો હજુ બાકી છે" : આરબ દેશોના સમર્થનનો મોટો દાવો : ટ્રમ્પની 'વિનાશક' ચેતવણી સામે તેહરાનનો લલકાર
વ્હાઇટ હાઉસનો ઈરાની શહેરો પર બોમ્બમારો અને અગ્રણી નેતાઓના સફાયા બાદ તણાવ ચરમસીમાએ : અલી લારીજાનીએ 6,000 વર્ષ જૂની સભ્યતાના રક્ષણ માટે લોહીના છેલ્લા ટીપા સુધી લડવાની અને લાંબા યુદ્ધની તૈયારી બતાવી

તેહરાન: પશ્ચિમ એશિયા અત્યારે દારૂગોળાના ઢગલા પર બેઠું છે, જ્યાં અમેરિકાએ ઈરાનના સેંકડો શહેરો પર ભીષણ બોમ્બમારો કરીને આખા દેશનો નકશો બદલી નાખવાની કોશિશ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પે આ સૈન્ય કાર્યવાહીને માત્ર એક 'શરૂઆત' ગણાવીને ઈરાનને ચેતવણી આપી છે કે હજુ તો ઘણું બધું આવવાનું બાકી છે, જે વધુ વિનાશક હશે. અમેરિકાએ ઈરાનના ટોચના સૈન્ય અને રાજકીય નેતાઓને નિશાન બનાવીને પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું છે, જેનાથી ખાડી દેશોમાં ભારે અરાજકતા અને ભયનો માહોલ ફેલાયો છે. જોકે, વ્હાઇટ હાઉસનું કહેવું છે કે આ ઓપરેશન મર્યાદિત છે અને તેમનો ઉદ્દેશ્ય માત્ર પ્રાદેશિક સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે, નહીં કે લાંબુ પરંપરાગત યુદ્ધ ખેંચવાનો.
અમેરિકાના આક્રમક વલણ સામે ઈરાને પણ પીછેહઠ કરવાનો સાફ ઈન્કાર કરી દીધો છે. ઈરાની સુરક્ષા પરિષદના વરિષ્ઠ નેતા અલી લારીજાનીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ગર્જના કરતા લખ્યું છે કે, "આપણે એક લાંબુ યુદ્ધ લડીશું અને દુશ્મન તેની આ ભૂલ પર પસ્તાશે." તેમણે ઈરાનની 6,000 વર્ષ જૂની ભવ્ય સભ્યતાનો હવાલો આપીને જણાવ્યું કે તેમનું સૈન્ય માત્ર સ્વ-બચાવમાં કાર્ય કરી રહ્યું છે અને તેઓ હથિયારો હેઠા મૂકવાના બદલે અંતિમ શ્વાસ સુધી લડશે. લારીજાનીએ દાવો કર્યો છે કે અમેરિકા ભલે એવું વિચારતું હોય કે ઈરાન પાસે સંસાધનો ખૂટી જશે, પરંતુ તેહરાને લાંબા ગાળાના આર્થિક અને સૈન્ય સંઘર્ષ માટે પહેલેથી જ વ્યૂહાત્મક તૈયારીઓ કરી રાખી છે.
વ્યૂહાત્મક નિષ્ણાતો માને છે કે ઈરાન હવે 'ધીરજની વ્યૂહરચના' અપનાવીને આ સંઘર્ષને લાંબો ખેંચી શકે છે, જેથી અમેરિકા અને તેના સાથી દેશો પર આંતરરાષ્ટ્રીય દબાણ વધે. સસ્તા ડ્રોન, મિસાઈલો અને પ્રોક્સી ગ્રુપ્સ દ્વારા ઈરાન મનોવૈજ્ઞાનિક યુદ્ધ ખેલવાની તૈયારીમાં છે. બીજી તરફ, ટ્રમ્પ પ્રશાસન ઈરાનની સૈન્ય ક્ષમતાને મૂળમાંથી ઉખેડી નાખવા માંગે છે. જો આગામી દિવસોમાં આ હુમલાઓ વધુ તેજ બનશે અથવા પ્રાદેશિક શક્તિઓ સીધી રીતે આ જંગમાં કૂદશે, તો આ સંઘર્ષ ત્રીજા વિશ્વયુદ્ધ જેવી ગંભીર પરિસ્થિતિમાં ફેરવાઈ શકે છે. અત્યારે આખું વિશ્વ શ્વાસ રોકીને આ લોહિયાળ ખેલના આગામી વળાંકની રાહ જોઈ રહ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
