<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd March 2026

મધ્‍ય પૂર્વના યુદ્ધની જ્‍વાળાઓ વચ્‍ચે એર ઈન્‍ડિયાનું દિલ્‍હીમાં સુરક્ષિત લેન્‍ડિંગ

એર ઈન્‍ડિયાના ૧૪૯ પ્રવાસીઓ હેમખેમ ભારત પરત ફર્યા

નવી દિલ્‍હી, તા.૩: મધ્‍ય પૂર્વમાં ભભૂકી રહેલી હિંસા અને ડ્રોન હુમલાના ખતરા વચ્‍ચે આજે આંતરરાષ્‍ટ્રીય હવાઈ ક્ષેત્રમાં ભારે અફરાતફરી જોવા મળી હતી. યુદ્ધના વાદળો વચ્‍ચે ફસાયેલા ૧૪૯ ભારતીય મુસાફરો માટે આજનો દિવસ રાહતનો રહ્યો, જ્‍યારે એર ઈન્‍ડિયાની ફ્‌લાઇટ AI916D (વિમાન VT-EDC) સવારે ૧૦:૫૮ વાગ્‍યે દુબઈથી ઉડીને સુરક્ષિત રીતે દિલ્‍હી એરપોર્ટ પર ઉતરી હતી. એરપોર્ટ પર ઉતરેલા મુસાફરોના ચહેરા પર ઘર વાપસીની ખુશીની સાથે પાછળ છોડી આવેલા ભયાવહ માહોલની ચિંતા પણ સ્‍પષ્ટ દેખાતી હતી. મધ્‍ય પૂર્વમાં ચાલી રહેલા બોમ્‍બ વિસ્‍ફોટો અને અસ્‍થિરતાને કારણે આ રૂટ પર વિમાની સેવાઓ ખોરવાઈ છે, જેની સીધી અસર સામાન્‍ય નાગરિકોની અવરજવર પર પડી રહી છે. બીજી તરફ, ભારતથી દુબઈ અને રિયાધ તરફ જતી ફ્‌લાઇટ્‍સ માટે સ્‍થિતિ ખૂબ જ પડકારજનક બની હતી. એમિરેટ્‍સની ચારમાંથી ત્રણ ફ્‌લાઇટ્‍સ ટેકઓફ કર્યા બાદ સુરક્ષાના કારણોસર અધવચ્‍ચેથી જ પરત ખેંચી લેવી પડી હતી. આટલું જ નહીં, રિયાધ જતી કેટલીક ફ્‌લાઇટ્‍સ પર પણ ડ્રોન હુમલાનું જોખમ હોવાના અહેવાલોને પગલે તેમને તાત્‍કાલિક અન્‍ય માર્ગો પર ડાયવર્ટ કરવામાં આવી હતી. આંતરરાષ્‍ટ્રીય એરલાઇન્‍સ અત્‍યારે કોઈ પણ પ્રકારનું જોખમ લેવા તૈયાર નથી, જેના કારણે હજારો મુસાફરો એરપોર્ટ પર અટવાયા છે. આ આખી ઘટના દર્શાવે છે કે મધ્‍ય પૂર્વની ભૌગોલિક રાજકીય સ્‍થિતિ હવે સામાન્‍ય માનવીની મુસાફરી અને આકાશી માર્ગો માટે કેટલી જોખમી બની ગઈ છે. 

(3:38 PM IST)