<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd March 2026

વિશ્વાસઘાતની યાદો હોલિકાની અગ્નિમાં ભસ્મીભૂત: પત્નીએ જ હનીમૂનના બહાને કરાવી હતી પતિની હત્યા, ઈન્દોરમાં પરિવારે સળગાવી આરોપી સોનમના લગ્નની સાડી

ન્યાયની લડત વચ્ચે રઘુવંશી પરિવારનો પ્રતીકાત્મક નિર્ણય: "દુષ્ટતા અને છેતરપિંડીના અંતનો આ આરંભ છે" – પુત્રની છેલ્લી હોળીનો વિડીયો જોઈ માતાની આંખો છલકાઈ

ઈન્દોર: મધ્યપ્રદેશના ઈન્દોરમાં ગત વર્ષે બનેલા હચમચાવી દેનારા 'રાજા રઘુવંશી હત્યાકાંડ'માં હોળીના પર્વે એક અત્યંત ભાવનાત્મક વળાંક આવ્યો છે. જ્યાં આખું શહેર હોલિકા દહનની ઉજવણીમાં મગ્ન હતું, ત્યાં રાજા રઘુવંશીના પરિવારે એક કઠોર અને પ્રતીકાત્મક નિર્ણય લીધો. પરિવારે રાજાની હત્યારી પત્ની સોનમના લગ્નની સાડીને હોલિકાની અગ્નિમાં હોમી દીધી હતી. પરિવારનું કહેવું છે કે, આ માત્ર કાપડનો ટુકડો નથી, પણ તેમના પુત્ર સાથે થયેલા વિશ્વાસઘાત અને કાળી યાદોનો અંત છે.
હનીમૂનનું બહાનું અને મોતનું કાવતરું
આ હૃદયદ્રાવક ઘટના મે 2025માં બની હતી. આરોપ છે કે સોનમ રઘુવંશીએ લગ્ન પછી પોતાના પતિ રાજાને હનીમૂન મનાવવા માટે શિલોંગ લઈ જવા લલચાવ્યો હતો. જોકે, આ કોઈ રોમેન્ટિક ટ્રિપ નહોતી પણ મોતના મુખમાં લઈ જતી જાળ હતી. સોનમે તેના પ્રેમી રાજ કુશવાહા સાથે મળીને શિલોંગમાં રાજાની નિર્મમ હત્યા કરાવી દીધી હતી. હાલ સોનમ અને તેનો પ્રેમી જેલના સળિયા પાછળ છે, પરંતુ પરિવાર માટે તે જખમ હજુ પણ તાજા છે.
માતાનો આક્રોશ: "છેતરપિંડીની યાદોને અગ્નિમાં બાળવી જરૂરી હતી"
રાજાની માતા ઉમા રઘુવંશીએ ભીની આંખે જણાવ્યું કે, "હોલિકા દહન એ અસત્ય પર સત્યના વિજયનો તહેવાર છે. સોનમે જે સાડી પહેરીને મારા પુત્ર સાથે લગ્નના ફેરા લીધા હતા, એ જ સાડી પહેરીને તેણે વિશ્વાસઘાતનું કાવતરું રચ્યું હતું. અમે તે સાડીને સળગાવીને તે તમામ પીડાદાયક યાદોને ભસ્મીભૂત કરી દીધી છે." ઉમાજી જ્યારે પોતાના પુત્રનો ગત વર્ષની હોળીનો વિડીયો જોતા હતા, ત્યારે ઉપસ્થિત સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી. ગયા વર્ષે સોનમે જ રાજાને હોળી રમવા બોલાવ્યો હતો, કોને ખબર હતી કે એ રાજાની છેલ્લી હોળી હશે.
ન્યાય માટેની જંગ ચાલુ
આ કેસ અત્યારે કોર્ટમાં ચાલી રહ્યો છે. તાજેતરમાં બે આરોપીઓ નિર્દોષ છૂટ્યા છે, પરંતુ મુખ્ય આરોપી સોનમ અને રાજ હજુ પણ જેલમાં છે. ઈન્દોરથી શિલોંગ કોર્ટ સુધી આ કેસની સુનાવણી ઓનલાઈન ચાલી રહી છે. રઘુવંશી પરિવારે હોલિકા દહનના દિવસે રાજાની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી અને શપથ લીધા કે જ્યાં સુધી દરેક દોષિતને આકરી સજા નહીં મળે ત્યાં સુધી તેઓ શાંત નહીં બેસે.
ઈન્દોરના આ કિસ્સાએ ફરી એકવાર સમાજને એ વિચારવા મજબૂર કર્યો છે કે સંબંધોમાં રહેલો વિશ્વાસ જ્યારે તૂટે છે, ત્યારે તે માત્ર એક વ્યક્તિને નહીં પણ આખા પરિવારને રાખ કરી દે છે.

(6:54 PM IST)