<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd March 2026

મધ્ય પૂર્વમાં 'કયામત'નો મંજર: તેહરાન પર મિસાઈલોનો વરસાદ : ઇઝરાયલે ઇરાનના નવા સંરક્ષણ મંત્રીનો કર્યો સફાયો

નવા નિમાયેલા સંરક્ષણ પ્રધાન માજિદ ઇબ્ન અલ-રેઝા અને કમાન્ડર પાકપુરના મોતથી હાહાકાર : પરમાણુ મથકોને નષ્ટ કરવા અમેરિકા-ઇઝરાયલનું અત્યાર સુધીનું સૌથી મોટું સંયુક્ત યુદ્ધાભ્યાસ અને લોહિયાળ સંઘર્ષ

તેહરાન:  મધ્ય પૂર્વના આકાશમાં અત્યારે પક્ષીઓ નહીં પણ વિનાશક મિસાઈલો ઉડી રહી છે. ઇઝરાયલી મીડિયાના અહેવાલો મુજબ, ઇરાને જે સંરક્ષણ પ્રધાન માજિદ ઇબ્ન અલ-રેઝાને માત્ર ૨૪ કલાક પહેલા જ સુરક્ષાની જવાબદારી સોંપી હતી, તેમને ઇઝરાયલી વાયુસેનાએ એક ચોકસાઈપૂર્વકના હવાઈ હુમલામાં ઠાર કર્યા છે. તેહરાનની ગલીઓમાં અત્યારે ભયાનક વિસ્ફોટોના અવાજો ગુંજી રહ્યા છે અને રિવોલ્યુશનરી ગાર્ડ્સના કમાન્ડર મોહમ્મદ પાકપુરના મોતના સમાચારથી ઇરાની સૈન્યનું મનોબળ તૂટી ગયું હોય તેમ જણાય છે. આ માત્ર હુમલો નથી, પરંતુ ઇરાનની સત્તાના શિખર પર ઇઝરાયલ અને અમેરિકાએ કરેલો સીધો અને જીવલેણ પ્રહાર છે, જેણે આખા ક્ષેત્રને મહાયુદ્ધની અણી પર લાવી દીધું છે.

એકતરફ તેહરાન સળગી રહ્યું છે, તો બીજી તરફ કુદરતે પણ ઇરાનની કસોટી કરી હોય તેમ ૪.૩ ની તીવ્રતાના ભૂકંપે ગેરાશ શહેરને હચમચાવી દીધું છે. યુદ્ધના બોમ્બમારો અને કુદરતી હોનારત વચ્ચે ફસાયેલી ઇરાની જનતામાં ભારે ગભરાટ ફેલાયો છે. ઇરાને યુરોપિયન દેશોને ખુલ્લી ચેતવણી આપી છે કે જો તેઓ ઇઝરાયલને મદદ કરશે તો તેને 'યુદ્ધ અપરાધ' ગણવામાં આવશે. પરંતુ બ્રિટન અને ફ્રાન્સ જેવા દેશોએ પહેલેથી જ ઇરાની મિસાઈલ ક્ષમતાઓને નેસ્તનાબૂદ કરવા માટે અમેરિકાને પોતાના સૈન્ય મથકો વાપરવાની છૂટ આપી દીધી છે, જે દર્શાવે છે કે હવે આરપારની લડાઈ શરૂ થઈ ચૂકી છે અને ડિપ્લોસીના દરવાજા લગભગ બંધ થઈ ગયા છે.

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે ટ્રમ્પ વહીવટીતંત્રનો ઉદ્દેશ્ય લાંબુ યુદ્ધ ખેંચવાનો નથી, પરંતુ ઇરાનના પરમાણુ સપનાઓને કાયમ માટે જમીનદોસ્ત કરવાનો છે. 'ઓપરેશન મિડનાઈટ હેમર' હેઠળ ૭૦ ફૂટ ઊંડે ચાલી રહેલા યુરેનિયમ સંવર્ધન કેન્દ્રો અમેરિકાના ટાર્ગેટ પર છે. લેબનોનમાં હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર ઇઝરાયલના પ્રહાર અને બેરુત ખાલી કરવાના અલ્ટીમેટમ બાદ હવે આ યુદ્ધ બહુ મોટું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. આગામી સમયમાં જો ઇરાન તેના પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાની કોશિશ કરશે, તો આ સંઘર્ષ માનવ ઇતિહાસના સૌથી ભયાનક યુદ્ધમાં ફેરવાઈ શકે છે.

(7:02 PM IST)