News of Tuesday, 3rd March 2026
કોર્ટ છે કે અખાડો ! પાકિસ્તાનમાં ન્યાયનું 'દંગલ': લાહોર હાઈકોર્ટમાં વકીલો વચ્ચે લાતો અને મુક્કાબાજી : કાયદાના રક્ષકો જ બન્યા ભક્ષક
બાર એસોસિએશનની ચૂંટણીમાં વકીલોએ મર્યાદા ઓળંગી: મહિલા વકીલો પર પંખાના પાંખિયા ફેંકાયા અને હાઈકોર્ટના પટાંગણમાં જ સર્જાયા યુદ્ધ જેવા દ્રશ્યો : વાયરલ વીડિયોએ આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનની ન્યાયિક છબીના લીરેલીરા ઉડાડ્યા

લાહોર: પાકિસ્તાન જે પહેલાથી જ આર્થિક કંગાળીયત અને આતંકવાદના કારણે વિશ્વભરમાં બદનામ છે, તેના શિરે હવે વધુ એક કલંક લાગ્યું છે. લાહોર હાઈકોર્ટમાં ન્યાયના મંદિરમાં જ કાયદાના રક્ષકો ગણાતા વકીલોએ અસભ્યતાની તમામ હદો વટાવી દીધી છે. બાર એસોસિએશનની ચૂંટણી દરમિયાન નજીવી બાબતે થયેલી બોલાચાલી જોતજોતામાં લોહિયાળ જંગમાં ફેરવાઈ ગઈ હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ચોંકાવનારા વીડિયોમાં કાળા કોટ પહેરેલા વકીલો એકબીજા પર તૂટી પડતા, લાતો મારતા અને ગાળાગાળી કરતા સ્પષ્ટ દેખાય છે. આ દ્રશ્યો જોઈને એવું લાગે છે કે જાણે આ કોઈ હાઈકોર્ટ નહીં પણ કુસ્તીનો અખાડો હોય.
સૌથી શરમજનક બાબત એ હતી કે આ હંગામા દરમિયાન મહિલા વકીલોને પણ નિશાન બનાવવામાં આવી હતી. એક ઉશ્કેરાયેલા વકીલે તો તમામ મર્યાદા નેવે મૂકીને એક મહિલા વકીલ પર હુમલો કર્યો અને ત્યારબાદ તેની પર પંખાના ટુકડા ફેંક્યા હતા. જ્યારે ન્યાયમૂર્તિઓ અદાલતમાં બેઠા હોય ત્યારે તેની જ બહાર બનેલી આ ઘટનાએ પાકિસ્તાનની કાયદો અને વ્યવસ્થાની પોકળતા છતી કરી દીધી છે. આ દ્રશ્યો કેમેરામાં કેદ થઈને ઇન્ટરનેટ પર આગની જેમ ફેલાઈ ગયા છે, જેના કારણે પાકિસ્તાનની ન્યાયિક વ્યવસ્થા અત્યારે આખા વિશ્વમાં હાસ્યાસ્પદ બની ગઈ છે.
આંતરરાષ્ટ્રીય સમુદાય અને સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયો જોઈને પાકિસ્તાન પર ફિટકાર વરસાautoવી રહ્યા છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જે દેશમાં વકીલો જ અદાલતની અંદર સુરક્ષિત નથી અને કાયદાનું સન્માન જાળવી શકતા નથી, ત્યાં સામાન્ય જનતાને ન્યાય કેવી રીતે મળશે? પાકિસ્તાન ટુડેના અહેવાલ મુજબ, આ હિંસા બાદ લાહોર હાઈકોર્ટમાં ભારે તણાવનો માહોલ છે. આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે પાકિસ્તાનમાં હવે માત્ર રસ્તાઓ પર જ નહીં, પણ ઉચ્ચ અદાલતોમાં પણ 'જંગલરાજ' પ્રવર્તી રહ્યું છે.
(7:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
