News of Tuesday, 3rd March 2026
ઈરાન-ઇઝરાયલ યુદ્ધમાં હવે યુક્રેનની એન્ટ્રી! ઝેલેન્સકીએ UAE ના રાષ્ટ્રપતિને ફોન કરી કહ્યું- "ઈરાનના પાગલપન સામે અમે તમારી સાથે, ગમે તે મદદ કરવા તૈયાર"
મધ્ય પૂર્વના જંગમાં નવા મિત્ર અને નવા દુશ્મન: રશિયા-યુક્રેન બાદ હવે ગલ્ફ દેશો બન્યા રણમેદાન, ઝેલેન્સકીએ ઈરાની હુમલાની નિંદા કરી મદદનો હાથ લંબાવ્યો - શું રશિયા અને યુક્રેન હવે આરબ દેશોના બહાને સામસામે ટકરાશે?

કિવ:વિશ્વ અત્યારે ત્રીજા વિશ્વયુદ્ધના ઉંબરે ઉભું હોય તેમ લાગી રહ્યું છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે શરૂ થયેલા ભયાનક જંગમાં હવે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ ઝંપલાવ્યું છે. ઝેલેન્સકીએ સંયુક્ત આરબ અમીરાત (UAE) ના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન સાથે ટેલિફોનિક વાતચીત કરી ઈરાની હુમલાઓનો સામનો કરવા માટે તમામ શક્ય સૈન્ય અને તકનીકી સહાય પૂરી પાડવાની ખાતરી આપી છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક લાંબી પોસ્ટમાં ઝેલેન્સકીએ ઈરાનના હુમલાઓને 'પાગલપન' ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, "ઈરાની સરકાર માત્ર લશ્કરી મથકો જ નહીં, પરંતુ રહેણાંક વિસ્તારો, શોપિંગ મોલ્સ અને મસ્જિદોને પણ નિશાન બનાવી રહી છે. આ પરિસ્થિતિમાં નિર્દોષ જીવ બચાવવા એ અમારી પ્રાથમિકતા છે." યુક્રેન અત્યારે પોતે રશિયા સામે લડી રહ્યું છે, તેમ છતાં ગલ્ફ ક્ષેત્રમાં ઈરાની ડ્રોન અને મિસાઈલ ટેકનોલોજીનો સામનો કરવા માટે યુક્રેન પોતાનો અનુભવ UAE સાથે શેર કરવા તૈયાર છે.
બીજી તરફ, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ આ મામલે સક્રિય થયા છે. ક્રેમલિનના જણાવ્યા અનુસાર, પુતિને ચાર ગલ્ફ દેશોના નેતાઓ સાથે વાત કરી છે. રશિયા ઈરાનનું વ્યૂહાત્મક ભાગીદાર હોવાથી તે આરબ દેશોની ચિંતાઓ તેહરાન સુધી પહોંચાડવાની મધ્યસ્થી કરી રહ્યું છે. જોકે, નિષ્ણાતો માને છે કે મધ્ય પૂર્વમાં રશિયા અને યુક્રેન બંને પોતપોતાનો પ્રભાવ જમાવવા માટે આરબ દેશોનો સાથ આપી રહ્યા છે.
દરમિયાન, કતારે પણ ઈરાનને અત્યંત કડક શબ્દોમાં ચેતવણી આપી છે. કતારના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માજિદ અલ-અંસારીએ જણાવ્યું કે, ઈરાને હમાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે ૮,૦૦૦ થી વધુ મુસાફરો ફસાયા છે. કતારે સ્પષ્ટ કર્યું છે કે ઈરાનના આ અવિચારી હુમલાઓનો જવાબ આપ્યા વિના છોડવામાં આવશે નહીં.
મધ્ય પૂર્વમાં ફેલાયેલી આ આગમાં હવે યુક્રેન અને રશિયા જેવા દેશો સીધા કે આડકતરી રીતે સામેલ થતા પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. શું આ જંગ હવે એશિયા અને યુરોપને એકસાથે લપેટમાં લેશે? તે સૌથી મોટો સવાલ છે
(8:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
