News of Tuesday, 3rd March 2026
આસામના અખાડામાં કોંગ્રેસના 42 ‘મહારથી’: ગૌરવ ગોગોઈ જોરહાટથી લડશે જંગ : ભાજપના ગઢમાં ગાબડું પાડવા માસ્ટરપ્લાન
વિધાનસભા ચૂંટણીનો ફૂંકાયો શંખ: જોરહાટના સાંસદ ગૌરવ ગોગોઈ હવે મેદાન-એ-જંગમાં - સિલચરથી દિસપુર સુધી કોંગ્રેસે ફેંક્યો પડકાર : 126 બેઠકો માટે માર્ચ-એપ્રિલમાં રસાકસી અને સત્તાના સિંહાસન માટે ભાજપ-કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો ખેલ

ગુવાહાટી: આસામમાં વિધાનસભાની ચૂંટણીના ઢોલ વાગી ચૂક્યા છે અને કોંગ્રેસે આક્રમક મૂડમાં રહીને 42 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં સૌથી મોટું અને ચોંકાવનારું નામ લોકસભામાં વિપક્ષના નાયબ નેતા ગૌરવ ગોગોઈનું છે, જેઓ જોરહાટ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવાના છે. પૂર્વ મુખ્યમંત્રી તરુણ ગોગોઈના પુત્ર ગૌરવ ગોગોઈને મેદાનમાં ઉતારીને કોંગ્રેસે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તે આ વખતે સત્તા વાપસી માટે કોઈ કસર બાકી રાખવા માંગતી નથી. બરાક ખીણથી લઈને ઉપલા આસામ સુધી કોંગ્રેસે પોતાના મજબૂત પંજા ફેલાવવાનું શરૂ કરી દીધું છે, જેનાથી ભાજપની છાવણીમાં પણ હલચલ મચી ગઈ છે.
કોંગ્રેસની આ યાદીમાં માત્ર નવા ચહેરાઓ જ નહીં, પરંતુ અનુભવી ખેલાડીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. રિપુન બોરા બરચલ્લાથી અને નંદિતા દાસ હાજો-સુઆલકુચીથી ચૂંટણી લડશે, જે પક્ષ માટે રણનીતિક રીતે મહત્વની બેઠકો છે. સિલચર અને માજુલી જેવા સંવેદનશીલ વિસ્તારોમાં પણ પક્ષે અત્યારથી જ ઉમેદવારો નક્કી કરી દીધા છે જેથી ચૂંટણી પંચ તારીખો જાહેર કરે તે પહેલા પ્રચારની ગાડી પાટા પર ચઢી જાય. ૨૦૨૧માં ૭૫ બેઠકો સાથે સત્તા જાળવી રાખનાર ભાજપ માટે આ વખતે રસ્તો આસાન નથી, કારણ કે કોંગ્રેસે 'મહાજોત' ના અનુભવમાંથી શીખીને આ વખતે પાયાના સ્તરે તૈયારીઓ તેજ કરી છે.
વર્તમાન વિધાનસભામાં ભાજપ અને તેના સાથી પક્ષોનું વર્ચસ્વ છે, પરંતુ કોંગ્રેસનો આ આત્મવિશ્વાસ ૨૦૧૬ અને ૨૦૨૧ ના આંકડાઓને બદલવા માટે પૂરતો જણાય છે. ગૌરવ ગોગોઈ જેવા દિગ્ગજ નેતા જ્યારે વિધાનસભાની લડાઈમાં ઉતરે છે, ત્યારે તે માત્ર એક બેઠક પૂરતું સીમિત નથી રહેતું, પરંતુ આખા આસામના કોંગ્રેસી કાર્યકરોમાં નવો જોમ ભરે છે. હવે જોવાનું એ રહેશે કે ભાજપ પોતાના ઉમેદવારોની યાદીમાં કયા નવા સમીકરણો લાવે છે. આસામની જનતા ફરી એકવાર NDA ના 'ડબલ એન્જિન' પર ભરોસો મૂકે છે કે કોંગ્રેસના પરિવર્તનના વાયરાને આવકારે છે, તે તો એપ્રિલના અંતમાં જ ખબર પડશે.
(10:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
