News of Tuesday, 3rd March 2026
પિતાના લોહીથી ખરડાયેલા હાથે ખાધી બિરયાની! નશામાં ધૂત પુત્રએ કુહાડીના ઘા ઝીંકી પિતાને ઉતાર્યા મોતને ઘાટ
નશાની લત અને પિતાના ઠપકાએ લીધો ભયાનક વળાંક: પિતાની લાશને ટાંકીમાં ફેંકી હત્યારો પુત્ર આરામથી બિરયાની ઝાપટી ઘરે જઈ સૂઈ ગયો - સુરગુજાના મણિપુર વિસ્તારમાં સનસનાટી મચાવતી ક્રૂર હત્યા: હત્યારાની નિર્દયતા જોઈ પોલીસ પણ સ્તબ્ધ

અંબિકાપુર : છત્તીસગઢના સુરગુજા જિલ્લામાં લોહીના સંબંધોને લજવતી એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. દારૂના નશામાં ચૂર ૨૫ વર્ષીય પ્રભાત કેરકેટ્ટાએ પોતાના ૫૦ વર્ષીય પિતા પારસ કેરકેટ્ટાની માત્ર એટલા માટે કુહાડીના ઘા ઝીંકી હત્યા કરી નાખી કારણ કે પિતાએ તેને દારૂ પીવાની કુટેવ માટે ઠપકો આપ્યો હતો. રાત્રિના ૧૧ વાગ્યે શરૂ થયેલી સામાન્ય દલીલ એટલી હિંસક બની કે પુત્રએ પિતાના માથા પર કુહાડીથી વારંવાર પ્રહાર કર્યા. પિતાના મૃત્યુ બાદ પણ હત્યારાના ચહેરા પર પસ્તાવાનો એક અંશ નહોતો. તેણે લાશને ઘસડીને ઘર પાસેની પાણીની ટાંકીમાં ફેંકી દીધી હતી, જે તેની પાષાણ હૃદયની માનસિકતા દર્શાવે છે.
હત્યા કર્યા પછી પ્રભાતની નિર્દયતાની હદ તો ત્યારે જોવા મળી જ્યારે તે લોહીથી ખરડાયેલા ગુનાહિત ભૂતકાળને ભૂલીને શાંતિથી બહાર બિરયાની ખાવા ગયો હતો. પેટ ભરીને બિરયાની ખાધા પછી, તે જાણે કંઈ જ ન બન્યું હોય તેમ ઘરે આવીને ઘસઘસાટ સૂઈ ગયો હતો. બીજા દિવસે સવારે જ્યારે પડોશીઓએ પારસને ઘરની બહાર ન જોયો અને રાત્રિના ઝઘડાના અવાજોને યાદ કર્યા, ત્યારે તેમને શંકા ગઈ અને પોલીસને જાણ કરી. મણિપુર પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી ત્યારે પાણીની ટાંકીમાંથી મળી આવેલી લાશ અને ત્યાંના દ્રશ્યો જોઈને અનુભવી પોલીસ અધિકારીઓ પણ ધ્રૂજી ઉઠ્યા હતા.
પોલીસના કડક સકંજામાં આવતા જ પ્રભાતે પોતાનો ગુનો કબૂલી લીધો છે. તેણે બચાવમાં એવું નિવેદન આપ્યું કે આ હત્યા પૂર્વઆયોજિત નહોતી પરંતુ ગુસ્સામાં અચાનક લાગેલી કુહાડીના કારણે થઈ હતી. જોકે, ફોરેન્સિક પુરાવા અને હત્યા પછીની તેની ગતિવિધિઓ કંઈક અલગ જ વાર્તા કહે છે. પડોશીઓના જણાવ્યા મુજબ, દારૂના વ્યસની પ્રભાત અને તેના પિતા વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. હાલ પોલીસે આરોપી પ્રભાતની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
(10:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
