News of Tuesday, 3rd March 2026
ઈરાન-અમેરિકા જંગની આંચ હવે સીધી રસોડા અને બેંક એકાઉન્ટ સુધી: માત્ર પેટ્રોલ જ નહીં, હોમ લોનનો EMI પણ મોંઘો થશે! જાણો RBI પાસે કયું 'બ્રહ્માસ્ત્ર' છે?
મધ્ય પૂર્વના યુદ્ધની જ્વાળાઓ ભારતીય અર્થતંત્રને લપેટમાં લેશે: $100 ને પાર કરી શકે છે ક્રૂડ ઓઈલ, રૂપિયો ગગડતા મોંઘવારીનો માર સહન કરવા તૈયાર રહેજો - બાસમતી ચોખાની નિકાસથી લઈ વિદેશથી આવતા નાણાં પર પણ મોટો ખતરો

નવી દિલ્હી:વિશ્વના નકશા પર હજારો કિલોમીટર દૂર ઈરાન અને ઇઝરાયલ/અમેરિકા વચ્ચે ખેલાઈ રહેલું યુદ્ધ હવે માત્ર સમાચાર પૂરતું મર્યાદિત નથી રહ્યું. આ યુદ્ધની અસર ટૂંક સમયમાં તમારા ઘરના બજેટ પર દેખાવા લાગશે. નિષ્ણાતોના મતે, આ સંઘર્ષ માત્ર પેટ્રોલ પંપ સુધી જ નહીં, પણ તમારી હોમ લોન, કાર લોન અને પર્સનલ લોનના EMI સુધી પહોંચવાની પૂરેપૂરી શક્યતા છે.
ભારત તેની જરૂરિયાતનું મોટાભાગનું તેલ અને ગેસ આયાત કરે છે. ઈરાને વિશ્વના સૌથી મહત્વપૂર્ણ તેલ માર્ગ 'હોર્મુઝ સ્ટ્રેટ' પર અવરોધો ઊભા કર્યા છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના મતે આ યુદ્ધ હજુ ચાર અઠવાડિયા ખેંચાઈ શકે છે. જો આવું થયું, તો અત્યારે $77 ની આસપાસ ફરતું બ્રેન્ટ ક્રૂડ ઓઈલ સીધું $100 પ્રતિ બેરલને પાર કરી જશે. પરિણામે, ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઉછાળો આવી શકે છે.
યુદ્ધને કારણે ક્રૂડ ઓઈલ મોંઘું થતા ભારતીય રૂપિયો નબળો પડી રહ્યો છે. હાલમાં ડોલર સામે રૂપિયો ૯૧.૫૦ ના સ્તરે પહોંચી ગયો છે. રૂપિયો તૂટવાથી આયાત મોંઘી થાય છે અને દેશમાં ફુગાવો (મોંઘવારી) વધે છે. આ ફુગાવાને કાબૂમાં લેવા માટે ભારતીય રિઝર્વ બેંક (RBI) પાસે 'રેપો રેટ' વધારવાનું બ્રહ્માસ્ત્ર છે. જો RBI વ્યાજ દરોમાં વધારો કરશે, તો બેંકો તરત જ તમારી લોન પરના વ્યાજ વધારી દેશે, જેનો સીધો અર્થ છે કે તમારા દર મહિનાના EMI વધી જશે.
મધ્ય પૂર્વના દેશો જેવા કે દુબઈ, સાઉદી અરેબિયા અને કતારમાં અંદાજે ૯૦ લાખથી વધુ ભારતીયો કામ કરે છે. આ કામદારો દર વર્ષે અબજો ડોલર ભારતમાં મોકલે છે (રેમિટન્સ). યુદ્ધના કારણે જો ત્યાંની અર્થવ્યવસ્થા ખોરવાશે અથવા નોકરીઓ જશે, તો ભારતની તિજોરી પર તેની સીધી અસર પડશે. આ ઉપરાંત, સાઉદી અને UAE ની તેલ રિફાઈનરીઓ પર થઈ રહેલા હુમલા તેલ પુરવઠાની સાંકળ તોડી શકે છે.
ભારત વિશ્વમાં બાસમતી ચોખાનો મોટો નિકાસકાર છે, જેમાંથી ૭૦% નિકાસ મધ્ય પૂર્વીય દેશોમાં થાય છે. એકલા ઈરાન જ દર વર્ષે ૧૪ લાખ ટન બાસમતી ચોખા ભારત પાસેથી ખરીદે છે. યુદ્ધને કારણે આ નિકાસ અટકી શકે છે, જેની અસર ભારતના લાખો ખેડૂતો અને વેપારીઓ પર પડશે. ટૂંકમાં, ઈરાન-અમેરિકા વચ્ચેનું આ યુદ્ધ ભારતના સામાન્ય માનવી માટે મોંઘવારી અને આર્થિક અનિશ્ચિતતાનું નવું મોજું લઈને આવી રહ્યું છે.
(9:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
