તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૭ ગુરૂવાર
News of Wednesday, 4th March 2026
ઈરાન પર ઈઝરાયેલ-અમેરિકાનો પ્રચંડ પ્રહાર: 300 મિસાઈલ લોન્ચર અને 17 જહાજો રાખમાં ફેરવાયા, રણમેદાન વચ્ચે મોજતબા ખામેનેઈ નવા સુપ્રીમ લીડર
'ઓપરેશન એપિક ફ્યુરી' હેઠળ અમેરિકાએ ઈરાનના 2000 સૈન્ય ઠેકાણાઓ ધમરોળ્યા; અલી ખામેનેઈના મોત બાદ પુત્ર મોજતબાએ સંભાળી કમાન, તો બીજીતરફ ઈરાને સન્માનજનક શરતો સાથે વાતચીતની દર્શાવી તૈયારી

તેહરાન/વોશિંગ્ટન: ઈઝરાયેલ, અમેરિકા અને ઈરાન વચ્ચે ફાટી નીકળેલા ભયાનક યુદ્ધના પાંચમા દિવસે વિનાશના દ્રશ્યો વધુ ઘેરા બન્યા છે. ઈઝરાયલી સંરક્ષણ દળોએ એક સનસનીખેજ વીડિયો જાહેર કરીને દાવો કર્યો છે કે તેમણે ઈરાનની શક્તિ સમાન 300 મિસાઈલ લોન્ચરોને ધૂળ ચાટતા કરી દીધા છે. આ સર્જિકલ સ્ટ્રાઈકમાં ઈરાનની અત્યાધુનિક બેલિસ્ટિક મિસાઈલ સિસ્ટમ અને એર ડિફેન્સ નેટવર્કને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. આ સાથે જ અમેરિકાએ પણ પોતાના 'ઓપરેશન એપિક ફ્યુરી'ની તાકાત બતાવતા ઈરાનના આશરે 2,000 જેટલા સૈન્ય ઠેકાણાઓ પર મિસાઈલોનો વરસાદ કર્યો છે. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા અનુસાર, અરબ સાગર અને હોર્મુઝની સામુદ્રધુનીમાં ઈરાનનું એક પણ જહાજ હવે બચ્યું નથી, જેમાં એક સબમરીન સહિત 17 યુદ્ધ જહાજોને દરિયામાં જળસમાધિ આપી દેવામાં આવી છે.
વૈશ્વિક સ્તરે ખળભળાટ મચાવતી આ લડાઈ વચ્ચે ઈરાનમાં નેતૃત્વ પરિવર્તનના મોટા સમાચાર મળી રહ્યા છે. ગત શનિવારે ઈઝરાયેલ અને અમેરિકાના સંયુક્ત હુમલામાં સુપ્રીમ લીડર આયતુલ્લા સૈયદ અલી ખામેનેઈના નિધન બાદ, તેમના પુત્ર મોજતબા ખામેનેઈને નવા સુપ્રીમ લીડર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. ઈરાનની શક્તિશાળી 'એસેમ્બલી ઓફ એક્સપર્ટ્સ' દ્વારા યુદ્ધની કટોકટી વચ્ચે 3 માર્ચ 2026ના રોજ આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) ના દબાણ હેઠળ મોજતબાની પસંદગી કરવામાં આવી છે. દેશમાં સુરક્ષાની ગંભીર સ્થિતિને જોતા 88 સભ્યોની એસેમ્બલીએ રિમોટ મતદાન દ્વારા આ મહોર મારી છે, જે સૂચવે છે કે ઈરાન હવે વધુ આક્રમક રણનીતિ અપનાવી શકે છે.
યુદ્ધના મેદાનમાં લોહી વહી રહ્યું છે ત્યારે મુત્સદ્દીગીરીના દ્વાર પણ ખખડાવવામાં આવી રહ્યા છે. મરહુમ ખામેનેઈના પ્રતિનિધિ ડૉ. અબ્દુલ મજીદ હકીમ ઈલાહીએ એક ઈન્ટરવ્યૂમાં શાંતિનો રાગ આલાપતા કહ્યું છે કે, ઈરાન યુદ્ધ રોકવા માટે તૈયાર છે અને વાતચીત માટે તેના દ્વાર ખુલ્લા છે, પરંતુ તે માત્ર 'સન્માનજનક' શરતો પર જ શક્ય બનશે. તેમણે સ્પષ્ટ ચેતવણી આપી છે કે કોઈ પણ દેશ ઈરાનને આદેશ આપે તે ક્યારેય સ્વીકારવામાં આવશે નહીં. ઈલાહીના મતે ઈરાન માત્ર પોતાનો બચાવ કરી રહ્યું છે અને પોતાના હક્કોની રક્ષા માટે લડી રહ્યું છે. જોકે, મેદાન પરની સ્થિતિ જોતા હાલમાં તો બંને પક્ષો પીછેહઠ કરવા તૈયાર હોય તેવું જણાતું નથી.
બીજી તરફ, પેન્ટાગને રવિવારે થયેલા ઈરાની ડ્રોન હુમલામાં જીવ ગુમાવનારા અમેરિકી જવાનોની યાદી જાહેર કરીને અમેરિકી જનતાના આક્રોશમાં વધારો કર્યો છે. 103મા સસ્ટેનમેન્ટ કમાન્ડના ચાર બહાદુર સૈનિકો, જેમાં કેપ્ટન કોડી ખોર્ક અને સાર્જન્ટ ડેક્લાન કોડી જેવા યુવાનો સામેલ છે, તેમની તસવીરો જાહેર કરવામાં આવી છે. આ સૈનિકો લશ્કરી સપ્લાય અને દારૂગોળો પહોંચાડવાની મહત્વની જવાબદારી સંભાળતા હતા. હજુ પણ બે સૈનિકોની ઓળખ બાકી છે. અમેરિકામાં સૈનિકોના મોતને લઈને ભારે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે, જે રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર ઈરાન સામે વધુ ઘાતક કાર્યવાહી કરવા માટે દબાણ ઉભું કરી રહ્યા છે.
(10:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
