News of Wednesday, 4th March 2026
મેરઠ મર્ડર મિસ્ટ્રીમાં વિદેશી કનેક્શન: અર્ચિતા અરોરા નહીં, પણ તુર્કમેનિસ્તાનની ‘મોહબ્બત’ની થઈ હતી હત્યા, સેક્સ રેકેટ અને નકલી આધાર કાર્ડનું ખતરનાક જાળું
હોટલ માલિકે સાથીઓ સાથે મળી યુવતીની લાશ સળગાવી ફેંકી દીધી હતી; ૧૫ વર્ષથી ભારતમાં રહેતી વિદેશી યુવતી ગેંગની ચુંગાલમાં ફસાઈ હોવાનો ઘટસ્ફોટ

મેરઠ: ઉત્તર પ્રદેશના મેરઠમાં બનેલી એક યુવતીની હત્યાની ઘટનાએ હવે નવો અને ગંભીર વળાંક લીધો છે. અત્યાર સુધી પોલીસ જેને દિલ્હીની અર્ચિતા અરોરા સમજી રહી હતી, તે વાસ્તવમાં મધ્ય એશિયાના દેશ તુર્કમેનિસ્તાનની નાગરિક 'મોહબ્બત' હોવાનું બહાર આવ્યું છે. ૧૬-૧૭ ફેબ્રુઆરીની કાળી રાત્રે પરતાપુરની એક હોટલમાં આ હત્યાકાંડ ખેલાયો હતો, જેમાં યુવતીની ઓળખ છુપાવવા માટે જ્વલનશીલ પદાર્થથી તેનો ચહેરો પણ બાળી નાખવામાં આવ્યો હતો.
આધાર કાર્ડ અર્ચિતાનું, પણ ચહેરો મોહબ્બતનો
પોલીસને તપાસ દરમિયાન યુવતીનું જે આધાર કાર્ડ મળ્યું હતું તેમાં નામ અર્ચિતા અરોરા લખેલું હતું, પરંતુ ફોટો મોહબ્બતનો હતો. પોલીસ જ્યારે તપાસ માટે દિલ્હી અને ચંદીગઢ પહોંચી ત્યારે સત્ય સામે આવ્યું. મોહબ્બતની મિત્ર અલીનાએ ખુલાસો કર્યો કે તે ૧૫ વર્ષ પહેલા ભારત આવી હતી અને એક ગેંગ દ્વારા તેને સેક્સ રેકેટના કાળા કારોબારમાં ધકેલી દેવામાં આવી હતી. મોહબ્બત ૧૨ ફેબ્રુઆરીએ મેરઠ આવી હતી અને ૧૬ ફેબ્રુઆરી પછી તેનો કોઈ સંપર્ક થયો નહોતો.
પૈસાનો વિવાદ અને બળાત્કારની ધમકી બની હત્યાનું કારણ
આ કેસમાં કોંગ્રેસ નેતા અને હોટલ માલિક ચંચલ કુમાર ઉર્ફે બંટી સહિત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. પૂછપરછમાં સામે આવ્યું છે કે, હોટલમાં પૈસા બાબતે મોહબ્બત અને ચંચલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. યુવતીએ ચંચલને બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી આપી હતી, જેનાથી ડરી જઈને ચંચલે તેના સાથીઓ સાથે મળીને યુવતીનું ગળું દબાવી હત્યા કરી નાખી. ત્યારબાદ લાશને કારની ડેકીમાં મૂકીને મવાના હાઈવે પર ખેતરમાં ફેંકી દઈ પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો.
માતા પાસે ભારત આવવાના પણ પૈસા નથી
તુર્કમેનિસ્તાનમાં રહેતી મોહબ્બતની માતા ગુલનારાને જ્યારે પુત્રીની હત્યાના સમાચાર મળ્યા ત્યારે તેમના પર આભ તૂટી પડ્યું હતું. ગરીબી અને આર્થિક તંગીના કારણે તે પોતાની દીકરીના અંતિમ સંસ્કાર માટે ભારત આવવા પણ સક્ષમ નથી. પોલીસ હવે ડીએનએ ટેસ્ટ દ્વારા ઓળખની સત્તાવાર પુષ્ટિ કરવાની પ્રક્રિયા કરી રહી છે. મેરઠ પોલીસે શરૂઆતમાં આ વિદેશી કનેક્શન છુપાવ્યું હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે, પરંતુ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે આ કેસની ચર્ચા થઈ રહી છે.
(6:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
