News of Wednesday, 4th March 2026
તેહરાનના આકાશમાં ‘ડોગફાઇટ’: ઈઝરાયેલના F-35 જેટે ઈરાની ફાઈટર પ્લેનને હવામાં જ ફૂંકી માર્યું : ઈતિહાસમાં પહેલીવાર બન્યું આવું
ઈરાની સરહદમાં ઘૂસીને ઈઝરાયેલનો પ્રચંડ પ્રહાર: વિશ્વના સૌથી અત્યાધુનિક ‘આદિર’ જેટે ઈરાનના YAK-130 ને તોડી પાડીને નવો રેકોર્ડ સર્જ્યો : બદલામાં ઈરાને ૨,૦૦૦ ડ્રોન અને ૫૦૦ બેલિસ્ટિક મિસાઈલોનો વરસાદ કરી તેલ અવીવને ધણધણાવી મૂક્યું

તેહરાન: મધ્ય-પૂર્વનું યુદ્ધ હવે જમીન અને સમુદ્ર બાદ આકાશમાં પણ અત્યંત ઘાતક સ્તરે પહોંચી ગયું છે. ઈઝરાયેલ સંરક્ષણ દળોએ એક સનસનાટીભર્યો દાવો કર્યો છે કે તેમના F-35I 'આદિર' ફાઈટર જેટે તેહરાન ઉપર ઈરાની વાયુસેનાના YAK-130 ફાઈટર વિમાનને એક મિલિસેકન્ડમાં તોડી પાડ્યું છે. ઉડ્ડયન ક્ષેત્રના ઈતિહાસમાં આ પહેલી ઘટના છે જ્યારે પાંચમી પેઢીના F-35 જેટે કોઈ અન્ય માનવસહિત ફાઈટર વિમાનનો શિકાર કર્યો હોય. આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે ઈઝરાયેલની વાયુસેના હવે દુશ્મનના ઘરમાં ઘૂસીને તેના સૌથી સુરક્ષિત ગણાતા આકાશને પણ કબજે કરી રહી છે, જેનાથી સમગ્ર મધ્ય-પૂર્વમાં હવાઈ વર્ચસ્વની જંગ તેજ બની છે.
બીજી તરફ, આ હુમલાના આંચકામાંથી બહાર આવીને ઈરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સએ ‘વિનાશક’ વળતો પ્રહાર કર્યો છે. ઈરાને દાવો કર્યો છે કે તેણે ૫૦૦ બેલિસ્ટિક મિસાઈલ અને ૨,૦૦૦ થી વધુ ડ્રોન છોડીને ઈઝરાયેલના રક્ષણાત્મક કવચને તોડી નાખ્યું છે. ઈરાની એરોસ્પેસ ડિવિઝનના જણાવ્યા અનુસાર, તેલ અવીવ નજીક આવેલું ઈઝરાયેલી સેનાનું જનરલ સ્ટાફ હેડક્વાર્ટર અને રક્ષણ મંત્રાલયના મહત્વપૂર્ણ સ્થાપનો આ હુમલામાં ખંડેરમાં ફેરવાઈ ગયા છે. ઈરાને એમ પણ ઉમેર્યું છે કે ઈઝરાયેલની પ્રખ્યાત ‘આયર્ન ડોમ’ જેવી સંરક્ષણ પ્રણાલીઓ ટેકનિકલ ખામીઓને કારણે તેમના પ્રોજેક્ટાઈલ્સને રોકવામાં નિષ્ફળ રહી છે.
ઈરાની સૂત્રોએ વધુમાં દાવો કર્યો છે કે તેમના વળતા હુમલાના ચોથા દિવસ સુધીમાં અંદાજે ૬૮૦ થી વધુ ઈઝરાયેલી સૈનિકો માર્યા ગયા છે. બ્નેઈ બ્રાક સહિતના વિસ્તારોમાં માળખાગત સુવિધાઓને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું ઈરાન કહી રહ્યું છે, જોકે ઈઝરાયેલ આ આંકડાઓને નકારી રહ્યું છે. બંને દેશો વચ્ચે અત્યારે માત્ર મિસાઈલો જ નહીં, પણ માહિતી યુદ્ધ પણ ચરમસીમાએ છે. એક તરફ ઈઝરાયેલની ટેકનિકલ સર્વોપરિતા છે અને બીજી તરફ ઈરાનનો મિસાઈલ જથ્થો, જેના કારણે આ મહાયુદ્ધમાં આગામી ૨૪ કલાક અત્યંત નિર્ણાયક સાબિત થવાના છે.
(6:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
