News of Wednesday, 4th March 2026
દુબઈમાં યુદ્ધના આસમાની દ્રશ્યો વચ્ચે લારા દત્તા: “ફાઇટર જેટ્સનો ગડગડાટ અને ધ્રૂજતી બારીઓ છતાં અમે સુરક્ષિત છીએ”, અભિનેત્રીએ UAE સરકારનો માન્યો આભાર
પુત્રી સાયરા સાથે દુબઈમાં ફસાયેલી લારાએ વર્ણવી યુદ્ધની ભયાનકતા; ઈરાન-ઈઝરાયલ સંઘર્ષ વચ્ચે ફાઈટર વિમાનોના અવાજથી ઘરના દરવાજા ખખડ્યા, છતાં પ્રશાસનની સતર્કતાએ આપ્યો સધિયારો

દુબઈ : ઈરાન અને ઈઝરાયલ વચ્ચે છેડાયેલા ભીષણ જંગની અસર હવે મધ્ય પૂર્વના અન્ય દેશો પર પણ જોવા મળી રહી છે. બોલિવૂડની જાણીતી અભિનેત્રી અને પૂર્વ મિસ યુનિવર્સ લારા દત્તા અત્યારે તેની પુત્રી સાયરા સાથે દુબઈમાં છે. છેલ્લા કેટલાક દિવસોથી દુબઈના આકાશમાં ગુંજતા ફાઇટર જેટ્સના અવાજ અને યુદ્ધના તણાવ વચ્ચે લારાએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરી પોતાની આપવીતી જણાવી છે.
જ્યારે યુદ્ધના પડઘા વિલા સુધી પહોંચ્યા
લારાએ વીડિયોમાં ખુલાસો કર્યો કે, જોકે તે દુબઈના એક અત્યંત સુરક્ષિત પડોશમાં વિલામાં રહે છે, પરંતુ યુદ્ધની તીવ્રતા એટલી છે કે આકાશમાં ઉડતા ફાઇટર જેટ્સના પ્રચંડ અવાજથી ઘરની બારીઓ ધ્રૂજી ઉઠે છે અને દરવાજા પણ ખખડવા લાગે છે. લારાએ આ દિવસોને અત્યંત 'તણાવપૂર્ણ' ગણાવ્યા છે, પરંતુ સાથે જ તેમણે ઉમેર્યું કે આટલી અસ્થિરતા હોવા છતાં તેને એક પણ ક્ષણ માટે અસુરક્ષિત અનુભવાયું નથી.
UAE સરકારની માનવીય અભિગમની પ્રશંસા
અભિનેત્રીએ સંયુક્ત આરબ અમીરાત (UAE) સરકારની કામગીરીના મન ભરીને વખાણ કર્યા છે. તેણે જણાવ્યું કે, "UAE સરકારે અદ્ભુત કામ કર્યું છે. અહીં રહેતા લોકોની રાષ્ટ્રીયતા ગમે તે હોય, પણ દરેકની સુરક્ષા માટે સરકારે પૂરતી તકેદારી રાખી છે. અમને એવું અનુભવાય છે કે અમે સુરક્ષિત છીએ અને સરકાર અમને બચાવવા માટે પૂરી શક્તિ લગાવી રહી છે."
વધતું જતું પ્રાદેશિક સંકટ
નોંધનીય છે કે ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ ખામેનીના નિધન અને અમેરિકા-ઈઝરાયલના હુમલા બાદ ઈરાને વળતો પ્રહાર કરતા બહેરીન, કુવૈત, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત તરફ મિસાઈલો અને ડ્રોન છોડ્યા છે. આ કારણે જ પશ્ચિમ એશિયામાં ફસાયેલા વિદેશી નાગરિકોમાં ચિંતા વધી છે, પરંતુ લારા દત્તાના આ નિવેદને ત્યાં વસતા ભારતીયો અને તેમના પરિવારોને થોડી રાહત આપી છે.
(9:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
