News of Wednesday, 4th March 2026
બિહારના રાજકારણમાં ‘રાજ્યસભા’ની અટકળો પર ગિરિરાજ સિંહનો કટાક્ષ: નીતિશ કુમારના દિલ્હી જવાના અહેવાલો માત્ર ‘હોળીની મજાક’, CM હાઉસમાં બેઠકોનો ધમધમાટ
“નીતિશ કુમાર અમારા મુખ્યમંત્રી છે અને રહેશે”; આગામી ચૂંટણી પહેલા જેડીયુ સંગઠનને મજબૂત કરવા સંજય ઝા અને વિજય ચૌધરી સાથે મંથન, પુત્ર નિશાંત કુમારની એન્ટ્રી અંગે પણ કાર્યકરોમાં ભારે ઉત્સાહ

પટણા : બિહારમાં જ્યારે પણ રાજકીય પવન ફૂંકાય છે ત્યારે કંઈક નવું થવાના સંકેતો મળતા હોય છે. છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચા હતી કે મુખ્યમંત્રી નીતિશ કુમાર બિહારનું સિંહાસન છોડીને રાજ્યસભાના માર્ગે દિલ્હીની રાજનીતિમાં સક્રિય થઈ શકે છે. જોકે, બુધવારે કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે આ તમામ અટકળોને ફગાવી દેતા તેને 'હોળી મજાક' ગણાવી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે નીતિશ કુમાર બિહારના મુખ્યમંત્રી છે અને આ વાતોમાં કોઈ તથ્ય નથી.
CM હાઉસમાં દિગ્ગજોનું મંથન
અફવાઓના બજાર વચ્ચે પટણામાં મુખ્યમંત્રી નિવાસસ્થાને હાઈ-વોલ્ટેજ બેઠકોનો દોર ચાલુ રહ્યો હતો. નીતિશ કુમારે જેડીયુ (JDU) ના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ સંજય ઝા અને વરિષ્ઠ મંત્રી વિજય કુમાર ચૌધરી સાથે કલાકો સુધી ચર્ચા કરી હતી. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠક રાજ્યસભાની ચૂંટણી અને આગામી વિધાનસભા ચૂંટણી માટે સંગઠનને મજબૂત કરવાના હેતુથી યોજવામાં આવી હતી.
પુત્ર નિશાંત કુમારની રાજનીતિમાં એન્ટ્રી?
બેઠક બાદ જેડીયુના એમએલસી સંજય ગાંધીએ એક મહત્વનું નિવેદન આપતા જણાવ્યું કે, પાર્ટીના કાર્યકરો ઈચ્છે છે કે નીતિશ કુમારના પુત્ર નિશાંત કુમાર હવે રાજકારણમાં સક્રિય થાય. જોકે, નીતિશ કુમાર પોતે રાજ્યસભામાં જશે કે નહીં, તેનો આખરી નિર્ણય તેઓ પોતે જ લેશે. તેમણે ઉમેર્યું કે નીતિશ કુમારમાં કોઈપણ ઉચ્ચ પદ સંભાળવાની સંપૂર્ણ કુશળતા છે.
રાજ્યસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ
ભારતીય ચૂંટણી પંચે બિહાર સહિત ૧૦ રાજ્યોની ૩૭ બેઠકો માટે રાજ્યસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. ૧૬ માર્ચે મતદાન યોજાશે અને ૨૦ માર્ચ સુધીમાં પ્રક્રિયા પૂર્ણ થશે. બિહારમાં નામાંકન ભરવાની છેલ્લી તારીખ ૫ માર્ચ છે, જેના કારણે આગામી ૨૪ કલાક બિહારની રાજનીતિ માટે અત્યંત નિર્ણાયક માનવામાં આવે છે.
(9:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
